ડોનલ્ડ ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓની મુલાકાત પહેલાંથી જ અમેરિકાએ યુક્રેનને કહી દીધું કે
ગઈ કાલે યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળવા વૉશિંગ્ટન DC પહોંચ્યા હતા.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ માટે અલાસ્કામાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી, વાઇટ હાઉસમાં યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથેની બેઠક પહેલાં ઘણા રિપોર્ટ્સ બહાર આવ્યા હતા. અમેરિકાના એક ટોચના વિદેશ નીતિ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ યુક્રેનને નૉર્થ અૅટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) જેવું રક્ષણ આપી શકે છે અને રશિયા એ માટે તૈયાર છે. રશિયા માટે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે એક ટીવી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે એવી છૂટ મેળવવામાં સફળ રહ્યા કે અમેરિકા યુક્રેનને આર્ટિકલ 5 જેવી સુરક્ષા આપી શકે છે. અમે પહેલી વાર સાંભળ્યું હતું કે રશિયન એના માટે સંમત થાય છે. નાટોની સંધિનો આર્ટિકલ 5 એવી સિક્યૉરિટી ગૅરન્ટી આપે છે કે જો કોઈ એક સભ્ય પર હુમલો કરવામાં આવે તો એ હુમલાને તમામ સભ્યો પરના હુમલા તરીકે ગણવામાં આવશે.
યુરોપિયન નેતાઓ આજે વૉશિંગ્ટનમાં ડોનલ્ડ ટ્રમ્પને મળવા માટે યુક્રેનના પ્રેસિડન્ટ વલૉદિમીર ઝેલેન્સ્કી સાથે જશે, કારણ કે શુક્રવારે ટ્રમ્પની પુતિન સાથેની મુલાકાત પછી ડોનલ્ડ ટ્રમ્પ યુક્રેનને ઝડપી શાંતિ કરાર સ્વીકારવા દબાણ કરશે.
ADVERTISEMENT
યુક્રેન નાટોમાં જોડાઈ નહીં શકેઃ ટ્રમ્પ
ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેનના પ્રેસિડન્ટ વલૉદિમીર ઝેલેન્સ્કી ઇચ્છે તો રશિયા સાથેનું યુદ્ધ ગમેતે ક્ષણે પૂરું કરી શકે છે. જોકે એના માટે રશિયા દ્વારા કબજા હેઠળના ક્રિમિયાને પાછું મેળવવું અથવા નાટોમાં જોડાવું શક્ય નથી.
યુક્રેન રશિયાની માગણી સ્વીકારે
ટ્રમ્પની આ કમેન્ટ્સ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓના એક મોટા પ્રતિનિધિમંડળ સાથેની ઉચ્ચ-સ્તરીય બેઠક પહેલાં આવી છે. આ બેઠકમાં યુદ્ધને વાટાઘાટો દ્વારા સમાપ્ત કરવા માટે દબાણ કરે એવી અપેક્ષા છે. તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ સંકેત આપે છે કે જો રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવો હોય તો યુક્રેને રશિયાની લાંબા સમયથી ચાલતી કેટલીક માગણીઓ સ્વીકારવી પડશે.
યુરોપ-યુક્રેન એક થાય : મૅક્રોન
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોને કહ્યું હતું કે ક્રેમલિનના નેતા વ્લાદિમીર પુતિન યુક્રેનને શરણાગતિનો માર્ગ આપી રહ્યા છે. તેમણે ભાર મૂક્યો કે યુરોપ અને યુક્રેને એક થવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે તેઓ માને છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પ ખરેખર શાંતિ ઇચ્છે છે. પુતિન શાંતિ નથી ઇચ્છતા, પુતિન માત્ર યુક્રેનની શરણાગતિ ઇચ્છે છે. મૅક્રોનના મતે પુતિનનું લક્ષ્ય યુક્રેનને શરણાગતિ તરફ ધકેલવાનું છે અને એ જ તે ઑફર કરી રહ્યા છે.
ગઈ કાલે યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળવા વૉશિંગ્ટન DC પહોંચ્યા હતા. રશિયા સાથેના સંઘર્ષનું સમાધાન લાવવા માટે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મીટિંગ થઈ હતી. બીજી મીટિંગમાં તેમની સાથે યુરોપના નેતાઓ પણ જોડાયા હતા.
ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને નરેન્દ્ર મોદીને ફોન કર્યો
અલાસ્કામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. વાટાઘાટો વિશેની જાણકારી શૅર કરવા બદલ વડા પ્રધાને પુતિનનો આભાર માન્યો હતો અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે મારા મિત્ર પ્રેસિડન્ટ પુતિનનો તેમના ફોન કૉલ અને અલાસ્કામાં પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથેની તાજેતરની મુલાકાત વિશે જાણકારી શૅર કરવા બદલ આભાર. ભારતે સતત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપ્યું છે.

