પતિ કરતાં પાંચગણું કમાતી મહિલાએ સોશ્યલ મીડિયા પર સવાલ ઊભો કર્યો
પ્રતીકાત્મક તસવીર
સરકારી નોકરી કરતા પતિથી પાંચગણું વધારે કમાતી એક મહિલાએ લગ્નજીવનમાં પડેલી મુશ્કેલીથી કંટાળીને ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું છે. જોકે એ માટે તેણે સોશ્યલ મીડિયા પર સવાલ પૂછ્યો છે કે શું એને કારણે મારે પતિને ભરણપોષણ આપવું પડશે? ૩૫ વર્ષની એક મહિલાએ રેડિટ પર લાંબી પોસ્ટ લખીને પોતાના લગ્નજીવનની મુશ્કેલીઓ શૅર કરી હતી. તેણે એમાં લખ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. હવે પૈસા માગ્યા વિના પરસ્પર સહમતીથી છૂટાછેડા માટે પતિ તૈયાર નહીં થાય એટલે મારે માનસિક ક્રૂરતાના આધાર પર તેનો વિરોધ કરવો પડશે. પતિ સરકારી નોકરી કરે છે અને લગભગ મહિને ૧.૨ લાખ રૂપિયા કમાય છે, જ્યારે હું IT ક્ષેત્રમાં વર્ષે ૭૫ લાખ રૂપિયા કમાઉં છું.’
પતિ પર આર્થિક અને ઇમોશનલ રીતે જુલમ કરવાનો આરોપ લગાવીને તેણે લખ્યું હતું, ‘મને ડર છે કે તે પોતાના પદ અને પ્રભાવનો ઉપયોગ કરીને મારું શોષણ કર્યા કરશે. હું સરકારી આવાસ છોડીને અલગ રહું છું. શું મારે પતિને ઍલિમની આપવી પડે? મારી પાસે તેના ગાળો બોલતા કૉલ-રેકૉર્ડ્સ અને બૅન્ક-ખાતાની વિગતો છે.’
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર એક ટિપ્પણી આવી હતી કે જો તમારા પગાર મુજબની તેની જીવનશૈલી રહી હોય તો તે દાવો કરી શકે છે, જ્યારે બીજાએ સલાહ આપી હતી કે જો તમે તેનું ઘર છોડી દો અને તમારી કમાણી પર ઘર નભતું ન હોય તો તમારે ઍલિમની આપવી નહીં પડે.

