વારાણસીમાં મોબાઇલ ચોરાઈ ગયો તો મુંબઈની કન્યા જાતે જ ફોન-ટ્રૅકરથી ચોરને ત્યાં પહોંચી ગઈ અને ત્યાં જઈને પોલીસ બોલાવી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં રહેતી અંકિતા ગુપ્તા ફરવા માટે વારાણસી ગઈ હતી. અસ્સી ઘાટ પર આરતી કર્યા પછી તે પાછી ફરી રહી હતી ત્યારે તેનો આઇફોન ચોરાઈ ગયો. આઇફોન દોઢ લાખ રૂપિયાનો હતો એટલે તે ફરિયાદ કરવા માટે વારાણસીના ભેલુપુર પોલીસ-સ્ટેશને પહોંચી ગઈ. અંકિતા પોતે સૉફ્ટવેઅર એન્જિનિયર છે એટલે તેણે પોલીસને ફોન-ટ્રૅકરનો ઉપયોગ કરીને ફોન શોધી આપવા કહ્યું. પોલીસે ફરિયાદ નોંધી, પણ તપાસની ગોકળગાય જેવી ગતિથી અકળાયેલી અંકિતાએ જાતે જ ફોન-ટ્રૅકરની મદદ લીધી. એક ઍપના ઉપયોગથી તેણે પોતાના મોબાઇલનું લોકેશન ટ્રેસ કર્યું. લોકેશન બનારસ સ્ટેશનનું દેખાડતું હતું. તે રાતે દસ વાગ્યે પોતાના ભાઈ અને ફુઆને લઈને એ લોકેશન પર પહોંચી ગઈ. તેને એક ઘરમાં ચોક્કસ લોકેશન દેખાતું હતું. એ ઘરમાં તેઓ જઈ પહોંચ્યાં અને તેને પોતાનો આઇફોન તો ઠીક, અન્ય ૨૦ ફોન પણ મળી આવ્યા. જોકે આ બધામાં ચોર ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો. પોલીસને ફોન કરીને ત્યાં બોલાવવામાં આવી અને તેમણે ચોરાયેલો સામાન જપ્ત કરી લીધો.


