તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો ત્યારથી પતિ નારાજ રહેતો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુણેમાં ૨૪ વર્ષના એક યુવકે તેની પત્ની સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. પહેલાં તો તેણે પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર ઍસિડ નાખી દીધો. પીડાથી ચિલ્લાઈ ઊઠેલી પત્નીને સારવાર આપવાને બદલે તેને ઘરમાં પૂરી રાખી. ૧૫ દિવસ સુધી ઘરમાં પૂરીને અત્યાચાર કર્યો એ અલગ. આ ઘટના ૨૦ એપ્રિલે થઈ હતી. આરોપી પતિ દારૂના નશામાં ઘરે પહોંચ્યો. તેને પત્નીના ચરિત્ર પર શંકા હતી. એટલે તેણે પહેલાં ઝઘડો કર્યો. વિવાદ એટલો વધી ગયો કે તેણે પત્ની સાથે મારપીટ શરૂ કરી. તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો ત્યારથી પતિ નારાજ રહેતો હતો. ૨૦ એપ્રિલની રાતે ઝઘડો વધી જતાં પતિએ પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર ઍસિડ રેડી દીધો. જ્યારે પત્નીએ ઘરમાંથી નીકળીને બહાર મદદ માગવાની કોશિશ કરી તો તેણે રૂમમાં પૂરીને તેને ખૂબ મારી. ૧૫ દિવસ સુધી ઘરમાં લૉક કરી રાખ્યા પછી એક દિવસ મોકો જોઈને પત્ની ઘરમાંથી ભાગી અને એક સંબંધીને ત્યાં જઈને આપવીતી જણાવતાં પરિજનોએ પોલીસને જાણ કરી હતી.
