ખુરજા શહેર દુનિયાભરમાં પૉટરી નગરીના નામે પ્રસિદ્ધ છે.
અનોખો પાર્ક
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં યોગી સરકારે સિરૅમિકની વેસ્ટ પ્રોડક્ટ્સમાંથી એક અનોખો પાર્ક તૈયાર કરાવ્યો છે. ખુરજા શહેર દુનિયાભરમાં પૉટરી નગરીના નામે પ્રસિદ્ધ છે. બુલંદશહર ખુરજા વિકાસ પ્રાધિકરણ સંસ્થાએ સિરૅમિકનાં ખામીયુક્ત આર્ટિફેક્ટ્સ વાપરીને એમાંથી અદ્ભુત કલાકૃતિઓની રચના કરી છે. એવું નથી કે નકામી ચીજોને કલાત્મક રીતે ખાલી ગોઠવી દેવામાં આવી છે. આ માટે ૬ કલાકારોએ અવનવાં આર્ટિફેક્ટ્સ ડિઝાઇન કર્યાં છે. સિરૅમિકનાં વાસણોથી ખણખણતું વૃક્ષ અદ્ભુત છે. સાથે જ તૂટેલી સુરાહી, કપ, કીટલી અને વાસણોના ટુકડાથી સજાવેલી ૧૦૦ અવનવી કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. બે એકરમાં ફેલાયેલા આ પાર્કમાં બાળકોથી લઈને વૃદ્ધો સૌને મજા પડી જાય એવી ચીજો બનાવવામાં આવી છે. આ પાર્કમાં ૮૦ ટન સિરૅમિકનો વેસ્ટ વપરાયો છે. ભારતના ટ્રેડિશનલ સિરૅમિક ઉદ્યોગને દેશવિદેશમાં ખ્યાતિ અપાવવા માટે આ પ્રકારનો પ્રયોગ કરાયો છે.

