બૅન્ગલોર-હૈદરાબાદની મૅચ પહેલાં કદાચ ઓપનિંગ સેરેમની નહીં યોજાય
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના વેન્કટેશ પ્રસાદ સહિત અન્ય લોકો સ્મારકના અનાવરણમાં હાજર રહ્યા હતા.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગયા વર્ષે નાસભાગનો ભોગ બનેલા ૧૧ દિવંગત ફૅન્સની યાદમાં મોટું કામ કર્યું છે. અગાઉની જાહેરાત અનુસાર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સ્મારક બનાવાયું છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ વેન્કટેશ પ્રસાદે સ્મારકની તકતીના અનાવરણ પહેલાં જુદા-જુદા ધર્મના પ્રતિનિધિઓને બોલાવીને પ્રાર્થના કરાવી હતી.
કર્ણાટકના ગૃહપ્રધાન જી. પરમેશ્વર અને બૅન્ગલોર શહેરના પોલીસ-કમિશનર સીમંત કુમાર સિંહ સ્મારકની તકતીના અનાવરણ સમયે વેન્કટેશ પ્રસાદ સહિતના અન્ય લોકો સાથે હાજર રહ્યા હતા. અહેવાલો અનુસાર આ ૧૧ દિવંગત ફૅન્સના માનમાં ૨૮ માર્ચની બૅન્ગલોર અને હૈદરાબાદની મૅચ પહેલાં ઓપનિંગ સેરેમની કદાચ નહીં યોજાય. જોકે આ બાબતે કોઈ ઑફિશ્યલ જાહેરાત થઈ નથી.
ADVERTISEMENT
બૅન્ગલોરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટની વાપસી
મેન્સ ટીમ ઇન્ડિયાના હોમ સીઝનના શેડ્યુલ અનુસાર ૧૭ ઑક્ટોબરની વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચમી T20 અને ૧૬ ડિસેમ્બરથી શ્રીલંકા સામેની બીજી વન-ડે બૅન્ગલોરમાં રમાવાની છે. નાસભાગ બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. માળખાગત સુવિધા અને સુરક્ષાના અભાવે છેલ્લા એક વર્ષથી આ સ્ટેડિયમ પાસેથી ઇન્ટરનૅશનલ મૅચ છીનવાઈ રહી હતી.
