ઍરપોર્ટના ફોટો વાઇરલ થયા અને ફિટનેસ પર સવાલ ઊઠ્યા એનાથી સ્વસ્થ, ફિટ અને ઝડપી બનવા માટે પ્રેરિત થયો રોહિત શર્મા
ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને સહાયક કોચ અભિષેક નાયરે હિટમૅનના ટ્રાન્સફૉર્મેશન વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ઍરપોર્ટના કેટલાક ફોટો વાઇરલ થયા પછી લોકોએ રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું એનાથી તે સ્વસ્થ, ઝડપી અને મજબૂત બનવા માટે પ્રેરિત થયો હતો. ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં અમારી પાસે ૧૨ અઠવાડિયાંનો સમય હતો.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘તે કૅપ્ટન હોય કે ન હોય એનાથી ટીમ અને સાથી-પ્લેયર્સ માટે રમવાની તેની શૈલી બદલાશે નહીં. મને લાગે છે કે તે જ્યારે પણ ભારતીય જર્સી પહેરીને રમવા ઊતરે છે ત્યારે તેનો ટાર્ગેટ ટીમની જીત માટે રન બનાવીને પ્રભાવ પાડવાનો હોય છે.’ અભિષેક નાયરે મુશ્કેલ સમયમાં રોહિત શર્માને ક્રિકેટ-સ્કિલ અને ફિટનેસ સુધારવામાં ઘણી મદદ કરી છે. અહેવાલ અનુસાર તેમની પર્સનલ ટ્રેઇનિંગને કારણે રોહિત શર્માએ ૨૦થી વધુ કિલોનું વજન ઘટાડ્યું હતું.

