ક્રેડિટ કાર્ડ રાખીને કોઈ દેવાદાર બની જાય, કાનપુરનો આ માણસ ૧૬૩૮ કાર્ડ્સ રાખીને એમાંથી કમાણી કરે છે
કાનપુરના મનીષ ધમેજા
જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં ન આવડે તો એ તમને ક્યારે ઓવરસ્પેન્ડિંગ કરીને દેવાદાર બનાવી દે એનીયે ખબર નથી પડતી, પરંતુ દરેક ક્રેડિટ કાર્ડની પોતાની ખાસિયતો અને ફાયદાઓનો લાભ કઈ રીતે લેવો એ આવડી જાય અને ખર્ચ પર કાપ મૂકવા જેટલો કન્ટ્રોલ હોય તો એમાંથી કમાણી પણ થઈ શકે છે. આ વાત કાનપુરના મનીષ ધમેજા નામના ભાઈ પાસેથી શીખવા જેવી છે. મનીષભાઈ પાસે એક-બે કે દસ-બાર ક્રેડિટ કાર્ડ નથી, હજારોની સંખ્યામાં ક્રેડિટ કાર્ડ છે. એટલું જ નહીં, આ તમામ ક્રેડિટ કાર્ડ વર્કિંગ છે. આ માટે મનીષ ધમેજાનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયેલું પણ છે. જોકે અસલી વાત એ છે કે મનીષભાઈ આ ક્રેડિટ કાર્ડ વાપરીને માત્ર શૉપિંગ જ નથી કરતા, આ કાર્ડથી તેઓ કમાણી કરે છે. ક્રેડિટ કાર્ડ પૈસા ઉડાવવા માટે નહીં, ઉગાડવા માટે છે. દરેક કાર્ડ પર રિવૉર્ડ પૉઇન્ટ્સ, કૅશ-બૅક, ઍરમાઇલ્સ, હોટેલ વાઉચર્સ, મૂવી ટિકિટ્સ અને ફ્યુઅલ ડિસ્કાઉન્ટ જેવી ચીજો સતત મળતી જ રહે છે. એ બધાનો તેઓ સ્માર્ટલી ફાયદો ઉઠાવે છે. તેમણે વર્ષોથી ક્રેડિટ કાર્ડનો અભ્યાસ કરીને એક એવી સિસ્ટમ બનાવી દીધી છે જેનાથી તેઓ એકમાંથી બીજા કાર્ડનો ખર્ચ કાઢી લે છે અને હંમેશાં તેમના માથે ઝીરો દેવું રહે છે અને સાથે મનગમતો ખર્ચ પણ કરી જ લે છે.

