ઍડીલેડ ટેસ્ટ-મૅચ ૮૨ રને જીતીને યજમાન ટીમે ૩-૦થી અજેય લીડ મેળવી, ૪૩૫ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડ ૩૫૨ રનમાં ઑલઆઉટ
૧૦૬ અને ૭૨ રનની ઇનિંગ્સ રમ્યા બાદ ૬ કૅચ પકડનાર ઍલેક્સ કૅરી બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની રોમાંચક પાંચ ટેસ્ટ-મૅચની ઍૅશિઝ સિરીઝને કાંગારૂઓએ ૩-૦થી પોતાને નામે કરી છે. કાંગારૂઓએ ઘરઆંગણે સતત ચોથી વખત ઇંગ્લૅન્ડ સામે ઍશિઝ જીતી છે. ૨૦૧૩-’૧૪, ૨૦૧૭-’૧૮, ૨૦૨૧-’૨૨ બાદ ૨૦૨૫-’૨૬માં પણ કાંગારૂઓએ પહેલી ૩ મૅચ જીતીને જ સિરીઝ પર કબજો કર્યો છે. અંગ્રેજ ટીમ ઑસ્ટ્રેલિયામાં છેલ્લે ૨૦૧૦-’૧૧માં સિરીઝ જીતી હતી અને પોતાની ધરતી પર છેલ્લે ૨૦૧૫ની સિરીઝમાં કાંગારૂઓને માત આપી હતી. ઇંગ્લૅન્ડમાં ત્યાર બાદ રમાયેલી ૨૦૧૯ અને ૨૦૨૩ની સિરીઝ ડ્રૉ રહી હતી.
પૅટ કમિન્સ ઍન્ડ ટીમે ૩૭૧ અને ૩૪૯ રન કરીને ૪૩૫ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૮૬ રન કરનાર મહેમાન ટીમને પાંચમા દિવસે ૨૨૮ રનની જરૂર હતી અને ૪ વિકેટ હાથમાં હતી. ચોથા દિવસે ૨૦૭/૬ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારતાં જેમી સ્થિમે ૬૦, વિલ જૅક્સે ૪૭ અને બ્રાયડન કાર્સે ૩૯ રન કરીને ટીમનો સ્કોર ૧૦૨.૫ ઓવરમાં ૩૫૨/૧૦ કરવામાં યોગદાન આપ્યું હતું. મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ અને નૅથન લાયને બીજી ઇનિંગ્સમાં ૩-૩ સફળતા મેળવી હતી. અંતિમ ૪ વિકેટમાંથી ૩ વિકેટ મિચલ સ્ટાર્કે ઝડપી હતી.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ પોતાના સ્થાને યથાવત્
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-’૨૭ના પૉઇન્ટ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ ઍડીલેડ ટેસ્ટ-મૅચના રિઝલ્ટ બાદ પોતાના સ્થાને યથાવત્ છે. કાંગારૂઓ સતત ૬ મૅચમાં જીત સાથે ૭૨ પૉઇન્ટ અને ૧૦૦ ટકા પૉઇન્ટ ટકાવારીને કારણે પહેલા સ્થાને છે. ૮ મૅચમાં માત્ર બે જીત, પાંચ હાર અને એક ડ્રૉ મૅચને કારણે ૨૬ પૉઇન્ટ તથા ૨૭.૦૮ ટકા પૉઇન્ટ ટકાવારી સાથે ઇંગ્લૅન્ડ સાતમા ક્રમે છે. અંગ્રેજ ટીમની ટકાવારી આ પહેલાં ૩૬.૧૧ ટકા હતી.


