ભારતે બંગલાદેશના ૨૨૯ રનના ટાર્ગેટને ૪૬.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૩૧ રન બનાવીને ચેઝ કરી લીધો : ICC વન-ડે ટુર્નામેન્ટોમાં ૫૦ સેન્ચુરી કરનાર પહેલી ટીમ બની ભારતની, બંગલાદેશી પ્લેયર્સની છઠ્ઠી વિકેટ માટેની રેકૉર્ડબ્રેક પાર્ટનરશિપ એળે ગઈ
ઓપનર શુભમન ગિલે શાનદાર અણનમ ૧૦૧ રન ફટકાર્યા હતા.
દુબઈમાં ગઈ કાલે બંગલાદેશને ૬ વિકેટે હરાવીને ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરી છે. બંગલાદેશે ૪૯.૪ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે ૪૬.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૩૧ રન બનાવીને ચેઝ કર્યો હતો. વાઇસ કૅપ્ટન શુભમન ગિલે ICC ટુર્નામેન્ટમાં પહેલી સેન્ચુરી ફટકારીને આ જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેની આ આઠમી વન-ડે સેન્ચુરી ભારતીય ટીમ માટે ICC વન-ડે ટુર્નામેન્ટની પચાસમી સેન્ચુરી હતી. ICC વન-ડે ટુર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવનાર ભારત પ્રથમ ટીમ બની છે.
ભારત સામેની મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલા બંગલાદેશે પહેલી બે ઓવરમાં બે રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ત્રણ વખત પહેલી બે ઓવરમાં બે વિકેટ ગુમાવનારું બંગલાદેશ પહેલું બન્યું છે. ૮.૩ ઓવરમાં બંગલાદેશની ટીમે ૩૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી, પણ ભારતીય પ્લેયર્સ દ્વારા કૅચ છોડવા અને બેદરકારીને કારણે બંગલાદેશની ટીમ ૪૯.૪ ઓવરમાં ૨૨૮/૧૦ સુધીનો સ્કોર કરવામાં સફળ રહી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે મોહમ્મદ શમીએ ફૉર્મમાં વાપસી કરીને આક્રમક બોલિંગ કરતાં પાંચ વિકેટ લીધી હતી.
૮.૪ ઓવરમાં કૅપ્ટન રોહિત શર્માએ પહેલો બૉલ રમી રહેલા ઝાકેર અલીનો સ્લિપમાં સરળ કૅચ છોડીને અક્ષર પટેલની હૅટ-ટ્રિક વિકેટ લેવાની તક અને બંગલાદેશને ઝડપથી ઑલઆઉટ કરવાની ભારતીય પ્લેયર્સની ઇચ્છા પર પાણી ફેરવી દીધું હતું. વીસમી ઓવરમાં કુલદીપ યાદવની બોલિંગમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મિડ-ઑફ પર તૌહીદ હૃદોયનો કૅચ છોડ્યો હતો. વિકેટકીપર કે. એલ. રાહુલે પણ તૌહીદનો કૅચ છોડી તેને બીજું જીવતદાન આપ્યું હતું.
જીવતદાન મેળવીને આ બન્ને પ્લેયર ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ રમ્યા હતા. તૌહીદ હૃદોય ૧૧૮ બૉલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૦ રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેની સાથે ઝાકેર અલીએ ૧૧૪ બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી ૬૮ રનની ઇનિંગ્સ રમીને છઠ્ઠી વિકેટ માટે ૨૦૬ બૉલમાં ૧૫૪ રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતીય ટીમ તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (૫૩ રનમાં પાંચ વિકેટ), ફાસ્ટ બોલર હર્ષિત રાણા (૩૧ રનમાં ત્રણ વિકેટ) અને સ્પિનર અક્ષર પટેલ (૪૩ રનમાં બે વિકેટ) લેવામાં સફળ રહ્યા હતા.
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે કૅપ્ટન રોહિત શર્મા (૩૬ બૉલમાં ૪૧ રન) અને વાઇસ કૅપ્ટન શુભમન ગિલ (૧૨૯ બૉલમાં ૧૦૧ રન અણનમ)એ ૫૯ બૉલમાં ૬૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. એક તરફ વિકેટ પડી રહી ત્યારે શુભમન ગિલે ભારતની ઇનિંગ્સ સંભાળીને અંતે કે. એલ. રાહુલ (૪૭ બૉલમાં ૪૧ રન) સાથે પાંચમી વિકેટ માટે ૯૮ બૉલમાં ૮૭ રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. વિરાટ કોહલી ૩૮ બૉલમાં બાવીસ રનની, શ્રેયસ ઐયર ૧૭ બૉલમાં ૧૫ રનની અને અક્ષર પટેલ ૧૨ બૉલમાં ૮ રનની સાધારણ ઇનિંગ્સ રમ્યા હતા.
રોહિત શર્માએ કૅચ છોડ્યો અને અક્ષર પટેલ હૅટ-ટ્રિકથી ચૂક્યો
૮.૪ ઓવરમાં કૅપ્ટન રોહિત શર્માએ પહેલો બૉલ રમી રહેલા ઝાકેર અલીનો સ્લિપમાં સરળ કૅચ છોડીને અક્ષર પટેલની હૅટ-ટ્રિક વિકેટ લેવાની તક અને બંગલાદેશને ઝડપથી ઑલઆઉટ કરવાની ભારતીય પ્લેયર્સની ઇચ્છા પર પાણી ફેરવી દીધું હતું. રોહિત શર્માએ કૅચ ડ્રૉપ કર્યા પછી અક્ષર પટેલની જાહેરમાં માફી પણ માગી હતી.
ICC વન-ડે ટુર્નામેન્ટ્સમાં ૬૦ વિકેટ લેનાર પહેલો ભારતીય બન્યો શમી
મોહમ્મદ શમીએ બંગલાદેશ સામે ૧૦ ઓવરમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લઈને વિશેષ સિદ્ધિ મેળવી છે. તેણે ૧૦૪મી વન-ડેમાં ત્રીજી વિકેટ સાથે ૨૦૦ વન-ડે વિકેટ પૂરી કરી હતી. તેણે ઝડપથી ૨૦૦ વન-ડે વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર (૧૩૩ મૅચ)નો રેકૉર્ડ તોડ્યો છે, જ્યારે ઓવરઑલ ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક (૧૦૨ મૅચ)ના ફાસ્ટેસ્ટ ૨૦૦ વન-ડે વિકેટ લેવાના રેકૉર્ડની પાછળ રહ્યો છે. શમી (૧૯ ઇનિંગ્સ) ICC વન-ડે ટુર્નામેન્ટમાં ૬૦ વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો છે. તેણે ICC ટુર્નામેન્ટ (ODI વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રોફી)માં સૌથી વધુ ૫૯ વિકેટ લેવાના ઝહીર ખાન (૩૨ ઇનિંગ્સ)ના રેકૉર્ડને તોડ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજાને કારણે શમી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ઝડપી બોલિંગ-આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે.
ગઈ કાલે મૅચ દરમ્યાન મોટી સંખ્યામાં ભારતીય પ્રેક્ષકો જોવા મળ્યા હતા.
પાર્ટનરશિપના કયા-કયા રેકૉર્ડ બન્યા?
તૌહીદ હૃદોય અને ઝાકેર અલીએ ૩૪.૧ ઓવરમાં ૧૫૪ રનની છઠ્ઠી વિકેટની પાર્ટનરશિપ કરી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી વાર છઠ્ઠી વિકેટ માટે ૧૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરીને તેમણે આ ટુર્નામેન્ટમાં છઠ્ઠી વિકેટ માટેનો હાઇએસ્ટ પાર્ટનરશિપનો સાઉથ આફ્રિકાના માર્ક બાઉચર અને જસ્ટિન કૅમ્પનો ૨૦૦૬નો રેકૉર્ડ પણ તોડ્યો છે જેમણે ૩૧.૧ ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે પાકિસ્તાન સામે ૧૩૧ રનની પાર્ટનરશિપ કરી હતી. બંગલાદેશ માટે અને ભારતીય ટીમ સામે કોઈ પણ ટીમની છઠ્ઠી વિકેટ માટેની આ સૌથી મોટી વન-ડે પાર્ટનરશિપ છે. બંગલાદેશની ટીમે વન-ડે ઇતિહાસમાં પહેલી વાર ભારત સામે કોઈ પણ વિકેટ માટે ૧૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરી છે.
ગબ્બર શિખર ધવને કૉમેન્ટરી બૉક્સમાં કર્યું ડેબ્યુ
ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025નો ઍમ્બૅસૅડર શિખર ધવન ગઈ કાલે દુબઈમાં બંગલાદેશ અને ભારત વચ્ચેની મૅચ દરમ્યાન મેદાન પર હાજર રહ્યો હતો. તેણે કૉમેન્ટરીમાં હાથ અજમાવીને કૉમેન્ટરી બૉક્સમાં ડેબ્યુ કર્યું હતું. મૅચ પહેલાં તે તેના ભૂતપૂર્વ સાથી પ્લેયર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ મળ્યો હતો.

