ભારતીય મેન્સ ક્રિકેટ ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર કહે છે...
ગૌતમ ગંભીર
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે ICC ઇવેન્ટમાં કે કોઈ પણ પ્રકારની ક્રિકેટ-મૅચ ન રમવાની હાકલ કરી છે. ગઈ કાલે એક ઇવેન્ટમાં ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે ‘મારો વ્યક્તિગત જવાબ એ છે કે આપણે (પાકિસ્તાન સાથે) બિલકુલ ન રમવું જોઈએ. જ્યાં સુધી આ બધું (સીમાપારથી આતંકવાદ) બંધ ન થાય ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈ ન થવું જોઈએ.’
ગૌતમે આગળ કહ્યું કે ‘આખરે એ સરકારનો નિર્ણય છે કે આપણે તેમની સાથે રમીએ કે નહીં. મેં પહેલાં પણ કહ્યું છે કે કોઈ પણ ક્રિકેટ-મૅચ, બૉલીવુડ કે અન્ય કોઈ પણ ઇવેન્ટ ભારતીય સૈનિકો અને ભારતીય નાગરિકોના જીવન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ નથી. ફિલ્મો બનતી રહેશે, મૅચ રમાતી રહેશે, ગાયકો પર્ફોર્મ કરતા રહેશે, પરંતુ તમારા પરિવારમાંથી કોઈ પ્રિયજન ગુમાવવાથી વધુ દુઃખદાયક કંઈ નથી.’
ADVERTISEMENT
AC કૉમેન્ટરી બૉક્સમાં બેસતા ક્રિકેટ સ્પેશ્યલિસ્ટોને ખખડાવ્યા ગંભીરે
કૉમેન્ટેટર્સ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું કે ‘જ્યારે મેં આ કામ (ભારતીય હેડ કોચ) સંભાળ્યું ત્યારે મને ખબર હતી કે એમાં હંમેશાં ઉતાર-ચડાવ આવશે. મારું કામ દેશને ગૌરવ અપાવવાનું છે, ઍર-કન્ડિશન્ડ (AC) કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલા થોડા લોકોને ખુશ કરવાનું નહીં. કેટલાક લોકો જે પચીસ વર્ષથી કૉમેન્ટરી બૉક્સમાં બેઠા છે તેઓ માને છે કે ભારતીય ક્રિકેટ તેમની પારિવારિક જાગીર છે, એવું નથી, એ ભારતના લોકોનું છે. હું કોઈ ક્લબ કે લૉબીનો કોચ નથી. હું રાજકારણ કરવામાં માનતો નથી. હું અહીં એક એવી ટીમ બનાવવા આવ્યો છું જે નિર્ભયતા અને ગર્વથી રમે. આવા લોકો વિદેશમાં જઈને નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) બની જાય છે. હું ભારતમાં રહીશ અને અહીં મારો ટૅક્સ ચૂકવીશ.’

