તેણે ટીમ માટે ૬૩.૬ ટકા રન ફટકારી ૧૭૩ રનનો સ્કોર કર્યો, પરંતુ ન્યુ ઝીલૅન્ડે ૨૯ બૉલ પહેલાં ૧૭૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૮ વિકેટે જીત નોંધાવી
યુવરાજ સામરા
ગઈ કાલે ચેન્નઈમાં કૅનેડાને ૮ વિકેટે હરાવીને ગ્રુપ Dમાં ન્યુ ઝીલૅન્ડે નંબર ટૂનું સ્થાન મજબૂત કરીને સુપર 8માં પ્રવેશ કર્યો હતો. કૅનેડાએ યંગ ઓપનર યુવરાજ સામરાની ૧૧૦ રનની ઐતિહાસિક ઇનિંગ્સના આધારે ૪ વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. જવાબમાં ન્યુ ઝીલૅન્ડે રચિન રવીન્દ્ર અને ગ્લેન ફિલિપ્સની ફિફ્ટીના આધારે ૧૫.૧ ઓવરમાં ૧૭૬ રન કરીને બે વિકેટે ૧૭૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બન્ને ટીમ વચ્ચે ૧૫ વર્ષ બાદ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી હતી અને આ તેમની પહેલી T20 ટક્કર હતી.
કૅનેડા માટે ઓપનર યુવરાજ સામરાએ ૬૫ બૉલમાં ૧૧ ફોર અને ૬ સિક્સના આધારે ૧૧૦ રન કર્યા હતા. તેણે ટીમના ટોટલ સ્કોરમાંથી ૬૩.૬ ટકા રન કર્યા હતા. કૅપ્ટન દિલપ્રીત બાજવાએ ૩૯ બૉલમાં ૩૬ રન કર્યા હતા. આ બન્ને ઓપનર વચ્ચે ૧૧૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડના ૪ બોલર્સને એક-એક વિકેટ મળી એમાંથી ફાસ્ટ બોલર જૅકબ ડફીએ ૪ ઓવરમાં માત્ર પચીસ રન આપી સૌથી સારી બોલિંગ કરી હતી.
ADVERTISEMENT
રન-ચેઝ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડે ૩.૧ ઓવરમાં ૩૦ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. ત્રીજા ક્રમે રમીને રચિન રવીન્દ્રએ ૩૯ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સના આધારે અણનમ ૫૯ રન કર્યા હતા. ચોથા ક્રમે રહીને ગ્લેન ફિલિપ્સે ૨૧૧.૧૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ન્યુ ઝીલૅન્ડ માટે ૩૬ બૉલમાં ૪ ફોર, ૬ સિક્સ ફટકારીને ૭૬ રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી હતી. T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં કિવી ટીમે પોતાની હાઇએસ્ટ ૧૦ સિક્સ પણ આ મૅચમાં નોંધાવી હતી. કૅનેડાના ફાસ્ટ બોલર ડિલોન હેલીગર અને સ્પિનર સાદ બિન ઝફરને એક-એક વિકેટ મળી હતી.
૧૯ વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં સદી છતાં ટીમને હાર મળી
૧૯ વર્ષ ૧૪૧ દિવસના યુવરાજ સામરાએ ૩૬ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તે T20 વર્લ્ડ કપમાં ફિફ્ટી ફટકારનાર યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. અગાઉ ૨૦૦૭માં ૧૯ વર્ષ ૩૨૫ દિવસની ઉંમરે બંગલાદેશના જુનૈદ સિદ્દીકીએ પાકિસ્તાન સામે આ રેકૉર્ડ કર્યો હતો.
યુવરાજ સામરાએ ૫૮ બૉલમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. તે T20 વર્લ્ડ કપ ઇતિહાસનો યંગેસ્ટ શતકવીર પણ બન્યો હતો. અગાઉ ૨૦૧૪માં પાકિસ્તાનના અહમદ શહઝાદે બાવીસ વર્ષ ૧૨૭ દિવસની ઉંમરે બંગલાદેશ સામે યંગેસ્ટ શતકવીર તરીકેનું નામ નોંધાવ્યું હતું.
અસોસિએટ નેશન તરફથી T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પ્લેયર પણ યુવરાજ સામરા બન્યો હતો. તે અસોસિએટ નેશન તરફથી T20 વર્લ્ડ કપનો પહેલો શતકવીર પણ બન્યો હતો.
વન-ડે અને T20 ફૉર્મેટ બન્નેની સરખામણીમાં યુવરાજ સામરા યંગેસ્ટ શતકવીર બન્યો છે. અગાઉ વન-ડે વર્લ્ડ કપમાં ૨૦૧૧માં આયરલૅન્ડના પૉલ સ્ટર્લિંગે નેધરલૅન્ડ્સ સામે ૨૦ વર્ષ ૧૯૬ દિવસની ઉંમરે સદી ફટકારી હતી.
૨૦૦૭ની ૧૧ સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ ઇતિહાસની પહેલી મૅચ રમાઈ હતી. ક્રિસ ગેઇલની સદી છતાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૫ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરીને હાર્યું હતું. એ સમયે યુવરાજ સામરા એક વર્ષનો પણ નહોતો થયો. ૧૯ વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં સદી છતાં કોઈ ટીમને હાર મળી છે. ક્રિસ ગેઇલ બાદ યુવરાજ સામરા હારેલી મૅચમાં સદી ફટકારનાર માત્ર બીજો પ્લેયર બન્યો છે.
