Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નામિબિયાને ૧૦૨ રનથી હરાવીને પાકિસ્તાન સુપર 8માં

નામિબિયાને ૧૦૨ રનથી હરાવીને પાકિસ્તાન સુપર 8માં

Published : 19 February, 2026 09:28 AM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅન ઑફ ધ મૅચ ઓપનર સાહિબઝાદા ફરહાનની સેન્ચુરી, શાદાબ ખાનનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ, ઉસ્માન તારિકે પણ લીધી ૩ વિકેટ

સેન્ચુરી બાદ સેલિબ્રેટ કરી રહેલો સાહિબઝાદા ફરહાન

સેન્ચુરી બાદ સેલિબ્રેટ કરી રહેલો સાહિબઝાદા ફરહાન


ભારત સામેની હારનો ગુસ્સો ગઈ કાલે કોલંબોમાં પાકિસ્તાને નામિબિયા સામે કાઢ્યો હતો.  તેમણે છેલ્લી લીગ મૅચમાં ૧૦૨ રનથી જીત મેળવીને સુપર 8 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે સુપર 8ની આઠેય ટીમ ફાઇનલ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાની વહેલી વિદાય બાદ ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાન પર નામોશી તોળાતી હતી, પણ હરીફ નામિબિયા જેવી બિનઅનુભવી ટીમ હોવાથી પાકિસ્તાન વધુ એક નામોશી ટાળવામાં સફળ રહ્યું હતું. બીજી તરફ પાકિસ્તાનની જીતને લીધે સુપર 8માં પ્રવેશ માટે ચમત્કારની આશા રાખીને બેઠેલી અમેરિકન ટીમને નિરાશ થવું પડ્યું હતું. બે જીત સાથે ૪ પૉઇન્ટ સાથે ગ્રુપ Aમાં ભારત અને ‌પાકિસ્તાન બાદ ત્રીજા નંબરે રહી અમેરિકા આઉટ થઈ ગયું હતું.

ટ્રોલ થનારે બતાવ્યું જોર



ભારત સામે નબળા પર્ફોર્મન્સને કારણે ટીકાકારોના નિશાના પર આવેલા ઓપનર સાહિબઝાદા ફરહાન અને શાદાબ ખાને શાનદાર પર્ફોર્મન્સ સાથે કમબૅક કર્યું હતું. ૫૮ બૉલમાં ૪ સિક્સ અને ૧૧ ફોર સાથે અણનમ ૧૦૦ રન ફટકારી ફરહાન ટીમને મજબૂત સ્કોર સુધી દોરી ગયો હતો. કૅપ્ટન સલમાન આગાના ૨૩ બૉલમાં ૩૮ અને શાદાબ ખાનના ૨૨ બૉલમાં અણનમ ૩૬ રનને લીધે પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૯૯ રન બનાવ્યા હતા. જવાબમાં નામિબિયા ૪ ઓવરમાં વિના વિકેટે ૩૨ રન સાથે મજબૂત શરૂઆત કર્યા બાદ ફસડાઈ પડ્યું હતું અને ૧૭.૩ ઓવરમાં માત્ર ૯૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઉસ્માન તારિકે ૧૬ રનમાં ૪ અને બૅટિંગ બાદ બોલિંગમાં પણ દમ બતાવતાં શાદાબ ખાને ૧૯ રનમાં ૩ વિકેટ લીધી હતી.


અનોખી ઍક્શન માટે ચર્ચામાં રહેલા સ્પિનર ઉસ્માન તારિકે લીધી ૩ વિકેટ


સેન્ચુરિયન ફરહાન, બીજો પાકિસ્તાની

T20 વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારનાર ફરહાન બીજો પાકિસ્તાની બની ગયો હતો. આ પહેલાં ૨૦૧૪માં મીરપુરમાં બંગલાદેશ સામે અહમદ શહઝાદે સેન્ચુરી ફટકારી હતી. T20 ઇન્ટરનૅશનલમાં ફરહાનની આ પ્રથમ અને T20માં તેની પાંચમી સેન્ચુરી હતી. આ સાથે ફરહાન કુલ ૨૨૦ રન સાથે આ વર્લ્ડ કપનો ટૉપસ્કોરર પણ બની ગયો હતો.

પહેલી વાર એક એડિશનમાં ૩ સેન્ચુરી

આ T20 વર્લ્ડ કપમાં હજી લીગ રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યાં ૩-૩ સેન્ચુરી સાથે ઇતિહાસ રચાઈ ગયો હતો. શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા (ઑસ્ટ્રેલિયા સામે અણનમ ૧૦૦) અને કૅનેડાના યુવરાજ સામરા (ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧૦) બાદ ગઈ કાલે ના‌મિબિયા સામે પાકિસ્તાની ઓપનર ફરહાનની સેન્ચુરી (અણનમ ૧૦૦ રન) આ એડિશનની ત્રીજી સેન્ચુરી હતી. આ સાથે T20 વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ સેન્ચુરીનો રેકૉર્ડ બની ગયો હતો. આ પહેલાં ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૬ અને ૨૦૨૨માં બે-બે સેન્ચુરી જોવા મળી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 09:28 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK