ચોથી T20માં ભારતના ૧૬૮ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમ ૧૧૯ રનમાં આૅલઆઉટ, ૪૮ રને જીતવાની સાથે ૨-૧ની લીડ મેળવી લેતાં ભારત હવે સિરીઝ નહીં હારે : સતત દસમી T20 સિરીઝમાં ભારત અજેય
૨૧ રન ફટકારવાની સાથે બે વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો અક્ષર પટેલ
ઑસ્ટ્રેલિયા સામે ચોથી T20માં ભારતે ૪૮ રનથી જીત મેળવીને ઑસ્ટ્રેલિયા સામે એની ધરતી પર T20 સિરીઝ ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ૨-૧ની લીડ સાથે ભારતે પોતાને માટે સિરીઝ સેફ કરી લીધી છે. આવતી કાલે બ્રિસબેનમાં પાંચમી મૅચ જીતીને ઑસ્ટ્રેલિયા આ સિરીઝને ૨-૨થી ડ્રૉ કરવાનો ટાર્ગેટ રાખશે. ચોથી T20માં ભારતે ૮ વિકેટ ગુમાવીને ૧૬૭ રન કર્યા હતા અને જવાબમાં ઑસ્ટ્રેલિયા ૧૮.૨ ઓવરમાં ૧૧૯ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું
ક્વીન્સલૅન્ડના કરેરા ઓવલ સ્ટેડિયમમાં પહેલી વખત ઇન્ટરનૅશનલ મૅચ રમવા આવેલી ભારતીય ટીમ ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરી હતી. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે ૩૯ બૉલમાં ૪ ફોર અને ૧ સિક્સરની મદદથી ૪૬ રન કરીને શાનદાર વાપસી કરી હતી. તેના સિવાય ચાર પ્લેયર્સ ૨૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યા હતા. ઓપનર અભિષેક શર્માએ ૨૮, ત્રીજા ક્રમે રમનાર શિવમ દુબેએ ૨૨, કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૨૦ અને ઑલરાઉન્ડર અક્ષર પટેલે ૨૧ રન કર્યા હતા. કાંગારૂ ટીમના સ્પિનર ઍડમ ઝૅમ્પા અને ફાસ્ટ બોલર નૅથન એલિસને ત્રણ-ત્રણ સફળતા મળી હતી.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શે ૨૪ બૉલમાં ૩૦ અને ઓપનર મૅથ્યુ શૉર્ટે ૧૯ બૉલમાં ૨૫ રન કરીને એકંદરે સારી શરૂઆત અપાવી હતી. ભારતીય બોલિંગ-યુનિટે બારમી ઓવરથી તરખાટ મચાવીને ૨૮ રનમાં છેલ્લી ૭ વિકેટ ખેરવી નાખી હતી. સ્પિનર વૉશિંગ્ટન સુંદર ૧.૨ ઓવરમાં માત્ર ૩ રન આપીને ૩ વિકેટ લઈને સૌથી સફળ સાબિત થયો હતો. અક્ષર પટેલ અને શિવમ દુબેને બે-બે અને જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તીને ૧-૧ સફળતા મળી હતી.


