મેલબર્નમાં ભારત માત્ર એક T20 મૅચ હાર્યું છે અને એ પણ ૧૭ વર્ષ પહેલાં, અહીં ત્રણ વર્ષ બાદ રમાશે મેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચ
					 
					
ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ અને ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ.
ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે પાંચ T20 સિરીઝની શરૂઆત વરસાદના વિઘ્ન સાથે થઈ હતી. કૅનબેરામાં વરસાદને કારણે રદ થયેલી મૅચ બાદ આજે મેલબર્નમાં બીજી T20 મૅચના દિવસે પણ વરસાદી માહોલ હશે.
વેધર-રિપોર્ટ અનુસાર મૅચના સમયે એટલે કે સ્થાનિક સમય અનુસાર સાંજ સુધીમાં વરસાદનો પ્રભાવ ઓછો થશે. એક લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની આજની મૅચ માટે ઑક્ટોબરની શરૂઆતમાં જ ઑલમોસ્ટ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
ADVERTISEMENT
નવેમ્બર ૨૦૨૨માં અહીં T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મૅચ તરીકે છેલ્લી મેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. આ જ મેદાન પર ત્રણ વર્ષ પહેલાં વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ૮૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને જીત અપાવી હતી. ઑસ્ટ્રેલિયાને અહીં ૧૫ T20 મૅચમાંથી ૯ જીત અને પાંચ હાર મળી છે. ભારત અહીં ૬ મૅચમાંથી ચાર જીત્યું છે અને એક હાર્યું છે. 
બન્ને વચ્ચે રમાયેલી ચારમાંથી બે મૅચ ભારત જીત્યું છે. ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયાને ભારત સામે આ મેદાન પર એકમાત્ર જીત મળી હતી. બન્ને ટીમ વચ્ચેની છેલ્લી T20 મૅચ અહીં ૨૦૧૮માં યોજાઈ હતી જે નો-રિઝલ્ટ રહી હતી. 
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	