મોહમ્મદ સિરાજ દ્વારા મળેલા જીવતદાન બાદ હૅરી બ્રૂકે ચોથી વિકેટ માટે જો રૂટ સાથે ૧૯૫ રનની પાર્ટનરશિપ કરી, ૧૯૯૩ની ઍશિઝ બાદ માત્ર બીજી વાર એક ટેસ્ટ-સિરીઝમાં બન્યા ૭૦૦૦+ રન
જો રૂટે હેડબૅન્ડ પહેરીને ઇંગ્લૅન્ડના દિવંગત ક્રિકેટર ગ્રેહામ થૉર્પને પોતાની ૩૯મી ટેસ્ટ સદી સમર્પિત કરી.
ઓવલ ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ભારે રસાકસી જોવા મળી હતી. ૨૨૪ રન અને ૩૯૬ રન કરનાર ભારતીય ટીમે ૩૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૪૭ રન ફટકારનાર ઇંગ્લૅન્ડે હૅરી બ્રૂક અને જો રૂટની સદીના આધારે ૭૬.૨ ઓવરમાં ૬ વિકેટે ૩૩૯ રન કર્યા હતા. ચોથા દિવસની રમત સૌથી રસપ્રદ અને નિર્ણાયક તબક્કામાં હતી ત્યારે વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે મૅચ પાંચમા દિવસ પર ગઈ હતી. આજે જીતવા માટે ભારતીય ટીમને ૪ વિકેટ અને ઇંગ્લૅન્ડને ૩૫ રનની જરૂર છે. ઇંગ્લૅન્ડ આ સિરીઝમાં ૨-૧થી આગળ છે.
આ ટેસ્ટ-સિરીઝમાં બન્ને ટીમે મળીને ૭૦૦૦+ રન કર્યા છે જે ૧૯૯૩ની ૬ મૅચની ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ૭૨૨૧ રનની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ બાદ માત્ર બીજી ઘટના છે. આ ટેસ્ટ-સિરીઝમાં ૫૦ વખત ૫૦+ રનની ઇનિંગ્સ રમાઈ છે જેણે ૧૯૯૩ની ઍશિઝના રેકૉર્ડની બરાબરી કરી છે.
ADVERTISEMENT
૯૧ બૉલમાં ૧૪ ફોર અને બે સિક્સર સાથે સદી ફટકારીને હૅરી બ્રૂકે કરી હતી જબરદસ્ત ઉજવણી.
ચોથા દિવસની રમતમાં ઇંગ્લૅન્ડે ૧૫મી ઓવરમાં ૫૦-૧ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ઓપનર બેન ડકેટ (૮૩ બૉલમાં ૫૪ રન) અને કૅપ્ટન ઑલી પોપ (૩૪ બૉલમાં ૨૭ રન)ની વિકેટ બાદ ભારતીય ટીમે મૅચ પર પકડ મજબૂત કરી લીધી હતી, પણ હૅરી બ્રૂક (૯૮ બૉલમાં ૧૧૧ રન) અને જો રૂટે (૧૫૨ બૉલમાં ૧૦૫ રન) ચોથી વિકેટ માટે ૨૧૧ બૉલમાં ૧૯૫ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૩૦૧ સુધી પહોંચાડ્યો હતો.
૧૪ ફોર અને બે સિક્સર ફટકારનાર હૅરી બ્રૂકને ૩૪.૧ ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં બાઉન્ડરીલાઇન પર મોહમ્મદ સિરાજે જીવતદાન આપ્યું હતું. સિરાજે કૅચ તો પકડ્યો હતો, પણ તેનો પગ બાઉન્ડરીલાઇનને અડી જતાં ઇંગ્લૅન્ડને ૬ રન મળ્યા હતા.
૩૪.૧ ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં જ્યારે હૅરી બ્રૂક ૧૯ રનના સ્કોર પર રમી રહ્યો હતો ત્યારે મોહમ્મદ સિરાજે તેનો કૅચ તો પક્ડ્યો, પણ તેનો પગ બાઉન્ડરી લાઇનને અડી જતાં તે બાઉન્ડરીને પાર જઈને નિરાશ થયો હતો.
બીજા અને ત્રીજા સેશનના સમળગાળા દરમ્યાન ભારતીય ટીમે ૩૬ રનની અંદર જેકબ બેથલ (૩૧ બૉલમાં પાંચ રન) સહિત બન્ને શતકવીરની વિકેટ લઈને મૅચનો રોમાંચ વધાર્યો હતો. ચોથા દિવસે પહેલી વાર વરસાદ પડ્યો ત્યારે ટી-બ્રેક સમય પહેલાં લેવો પડ્યો હતો, પરતું બીજી વાર જ્યારે ત્રીજા સેશનમાં જેમી સ્મિથ (૧૭ બૉલમાં બે રન) અને જેમી ઓવરટન (૮ બૉલમાં ઝીરો રન) ક્રીઝ પર હતા ત્યારે વરસાદ અને બૅડ લાઇટને કારણે મૅચ રોકવી પડી. જોકે ભીના આઉટફીલ્ડને કારણે મૅચના અંતિમ સમયે ચોથા દિવસની રમતનો અંત આવ્યો હતો.
પહેલી ઇનિંગ્સની જેમ બીજી ઇનિંગ્સમાં પણ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (૯૫ રનમાં બે વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૦૯ રનમાં ત્રણ વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. ફાસ્ટ બોલર આકાશ દીપ (૮૫ રનમાં એક વિકેટ)ને પણ બીજી ઇનિંગ્સમાં સફળતા મળી હતી, પણ સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા વિકેટલેસ રહ્યા હતા.
ચોથા દિવસના અંતમાં ઇન્જર્ડ ક્રિસ વોક્સે ટેસ્ટ-જર્સી પહેરીને મેદાન પર આવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. જો આજે જરૂર પડશે તો તે અંતિમ બૅટર તરીકે મેદાન પર ઉતરી શકે છે.
21
એક ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ આટલી સદીના મામલે ૧૯૫૫ના ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના રેકૉર્ડની બરાબરી થઈ.
મને ચિંતા હતી કે ટેસ્ટ-ક્રિકેટ થોડું સંઘર્ષ કરી રહ્યું છે, પણ હવે લાગે છે કે આ ફૉર્મેટ હજી જીવંત અને મજબૂત છે : ગ્લેન મૅક્ગ્રા
ફાસ્ટ બોલર તરીકે ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ૯૪૮ વિકેટ લઈ ચૂકેલા ભૂતપૂર્વ ક્રિકેટર ગ્લેન મૅક્ગ્રાએ ટેસ્ટ-ક્રિકેટ માટે મોટું નિવેદન આપ્યું છે. ભારત અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ જોયા બાદ તેણે કહ્યું હતું કે ‘ટેસ્ટ-સિરીઝ ખૂબ જ ઉચ્ચ-સ્કોરિંગ રહી છે, પરંતુ એ એકતરફી રહી નથી. મજબૂત, રસપ્રદ અને નજીકની લડાઈવાળું ટેસ્ટ-ક્રિકેટ જોવા મળ્યું. મને ચિંતા હતી કે ટેસ્ટ-ક્રિકેટ થોડું સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ તાજેતરની બૉર્ડર-ગાવસકર ટ્રોફી અને ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝની ગુણવત્તા અને તીવ્રતા દર્શાવે છે કે આ ફૉર્મેટ હજી પણ ઘણું જીવંત અને મજબૂત છે.’
6000
વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપમાં આટલા હજાર રન કરનાર પહેલો બૅટર બન્યો જો રૂટ.

