Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આયરલૅન્ડ સામે ગાયકવાડ અને સૅમસનના પ્રદર્શન પર નજર

આયરલૅન્ડ સામે ગાયકવાડ અને સૅમસનના પ્રદર્શન પર નજર

26 June, 2022 12:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટી૨૦ સિરીઝમાં કોણ હશે ભારતીય વિકેટકીપર? : ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ કે ઉમરાન મલિકને મળશે આજે રમવાની તક

આજે રમાનારી મૅચ પહેલાં હાર્દિક પંડ્યા અને કોચ વીવીએસ લક્ષ્મણ IND vs IRE

આજે રમાનારી મૅચ પહેલાં હાર્દિક પંડ્યા અને કોચ વીવીએસ લક્ષ્મણ


મૅચનો સમય : રાતે ૯.00 વાગ્યે

ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સૅમસન સહિત ભારતીય ખેલાડીઓને સિનિયર ક્રિકેટરોની વાપસી પહેલાં આયરલૅન્ડ સામે મલાહાઇડના ડબલિનમાં આજથી શરૂ થનારી બે મૅચની ટી૨૦ સિરીઝમાં પોતાને સાબિત કરવાની એક તક મળશે, જેમાં હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે કૅપ્ટન્સીની શરૂઆત પણ કરશે. રુષભ પંત ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ ટીમમાં સામેલ થવાને લીધે આઇપીએલમાં પોતાની કૅપ્ટન્સીથી પ્રભાવિત કરનાર પંડ્યાને ટીમની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. રોહિત શર્માને આરામ આપ્યા બાદ લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થતા પંતે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટીમનું નેતૃત્વ સંભાળ્યુ હતું. હવે હાર્દિકને આ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન તરીકે તેના શાનદાર પ્રદર્શનથી તેની પાસે ઘણી આશા રાખવામાં આવી રહી છે. 



લક્ષ્મણ કોચની ભૂમિકામાં 
નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના અધ્યક્ષ વીવીએસ લક્ષ્મણ આ સિરીઝમાં કોચની ભૂ​મિકા નિભાવી રહ્યો છે, કારણ કે ચીફ કોચ રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઇંગ્લૅન્ડમાં છે. તે રાહુલ દ્રવિડની રણનીતિને આગળ ધપાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બે મૅચથી આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે કોર ગ્રુપ અને આવતા મહિને ઇંગ્લૅન્ડ સામે રમાનારી ત્રણ મૅચ માટે ટીમ તૈયાર કરવામાં મદદ મળશે. 


દીપક હૂડાને તક
સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં દ્રવિડે પહેલી બે મૅચમાં પરાજય છતાં પાંચેપાંચ મૅચમાં ટીમ યથાવત્ રાખી હતી. છેલ્લી મૅચમાં વરસાદ પડતાં આ સિરીઝ ૨-૨થી બરોબરી પર રહી હતી. પંત અને શ્રેયસ ઐયરનો ટેસ્ટ ટીમમાં સમાવેશ થતાં આયરલૅન્ડ સામે સંજુ સૅમસન અને દીપક હૂડા જેવા ખેલાડીઓને તક મળી શકે છે. સૅમસનને ઘણી વખત તક મળી હોવા છતાં તે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી શક્યો નથી. એવી પરિસ્થિતિમાં એને માટે આ તક મહત્ત્વની હશે. કાંડાની ઈજા બાદ વાપસી કરનાર સૂર્યકુમાર યાદવ ત્રીજા કે ચોથા ક્રમાંકે બૅટિંગ કરશે એવી શક્યતા છે. 

ટીમમાં ત્રણ વિકેટકીપર
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ખેલાડીઓની યાદીમાં સંજુ સૅમસન, ઈશાન કિશન અને દિનેશ કાર્તિકનાં નામ હતો. ત્રણેય વિકેટકીપર-કમ-બૅટ્સમૅન છે. ટીમ જાહેર કરતી વખતે માત્ર કાર્તિકના નામ પાછળ જ વિકેટકીપર એવું લખવામાં આવ્યું હતું એ જોતાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપમાં પણ દિનેશ કાર્તિકે પોતાના સ્થાનને શાનદાર પ્રદર્શન કરી મજબૂત બનાવ્યું છે. ઈશાન કિશને સાઉથ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેને તે આગળ વધારવા માગશે. જોકે ઓપનર ગાયકવાડ પર દબાણ હશે, કારણ કે છેલ્લી સિરીઝમાં તે ફાસ્ટ બોલરો સામે સહજ જણાયો નહોતો. ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને યૉર્કર નિષ્ણાત અર્શદીપ સિંહને પણ તક મળી શકે છે.


જવાબદારીએ મારી રમત સુધારી છે : હાર્દિક 

આઇપીએલમાં કૅપ્ટન તરીકે પોતાની પહેલી જ સીઝનમાં હાર્દિક પંડ્યાએ કમાલ કરી હતી. તેનું માનવું છે કે જવાબદારીને લીધે મેં મેદાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હાર્દિકે ગુજરાતના કૅપ્ટન તરીકે ટીમને આઇપીએલમાં ચૅમ્પિયન બનાવી હતી. ત્યાર બાદ આયરલૅન્ડ સામે આજથી શરૂ થનારી બે ટી૨૦ મૅચની સિરીઝમાં તેને ભારતીય ટીમનો કૅપ્ટન બનાવાયો છે.

પહેલી ટી૨૦ પહેલાં વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં હાર્દિકે કહ્યું કે ‘અગાઉ પણ હું જવાબદારી લેતો હતો, પરંતુ હવે મારા પર થોડી વધારે જવાબદારી છે. મારું માનવું છે કે જવાબદારી લઉં છું ત્યારે સારું પ્રદર્શન કરી શકું છું. મને ઘણી વાર જવાબદારી સોંપવામાં આવી છે અને મેં એ સ્વીકારી છે. હું એમાં વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બનતો ગયો. કૅપ્ટન હોઉં ત્યારે હું આવી જવાબદારી દરેક ખેલાડીઓને સોંપું છું અને પરિસ્થિતિ સામે લડવાનો વિશ્વાસ પણ આપું છું.’

હાર્દિક મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના નેતૃત્વમાં ઘણું રમ્યો છે. તેણે કહ્યું કે ‘ધોની અને કોહલી પાસેથી હું ઘણું​ શીખ્યો છું, પરંતુ મારી રમત વિશેની સમજ થોડી અલગ છે. હું પરિસ્થિતિને જોઉં છું અને મારા હિસાબે આગળ વધું છું. ટીમને શાની જરૂર છે એ પ્રમાણે નિર્ણય લઉં છું.’

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2022 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK