ચેન્નઈના બે ઓપનર્સ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હોય એવી ઘટના ૧૭ વર્ષ બાદ બની.
ચેન્નઈના બન્ને ઓપનર આયુષ મ્હાત્રે અને ડેવોન કૉન્વે કલકત્તા સામે ઝીરોમાં આઉટ થઈ ગયા હતા
બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સના બન્ને ઓપનર્સ એક પણ રન ફટકાર્યા વગર પૅવિલિયન ભેગા થયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ઓપનર આયુષ મ્હાત્રે બે બૉલ રમીને વરુણ અરોરાની ઓવરમાં કૅચ-આઉટ થયો હતો, જ્યારે અન્ય ઓપનર ડેવોન કૉન્વે બે બૉલ રમી મોઇન અલી સામે બોલ્ડ થયો હતો. ૧૭ વર્ષ બાદ પહેલી વાર ચેન્નઈના બન્ને ઓપનર્સ એક ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયા હતા. ૨૦૦૮માં ચેન્નઈના ઓપનર્સ પાર્થિવ પટેલ અને સ્ટીફન ફ્લેમિંગ રાજસ્થાન રૉયલ્સ સામે ઝીરોમાં આઉટ થયા હતા.
ઓપનર્સ સસ્તામાં આઉટ થયા છતાં ચેન્નઈએ બે વિકેટે જીત મેળવી હતી. બન્ને ઓપનર્સ ઝીરો પર આઉટ થયા બાદ પણ કોઈ ટીમ મૅચ જીતી હોય એવી ઘટના ૧૬ વર્ષ બાદ પહેલી વાર બની છે. ૨૦૦૯માં રાજસ્થાન રૉયલ્સે ઓપનર્સ ગ્રીમ સ્મિથ અને સ્વપ્નિલ અસનોડકરના કંગાળ પ્રદર્શન છતાં ડેક્કન ચાર્જર્સ સામે ૧૪૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ત્રણ વિકેટે જીત નોંધાવી હતી.

