અગાઉ ટીમે પર્યાવરણીય રીતે સંવેદનશીલ સુંદરવનમાં ૬૦૦૦થી વધુ વૃક્ષો વાવવાથી લઈને ઈડન ગાર્ડન્સમાંથી ૫૩,૮૫૮ કિલોગ્રામ કચરાને સફળતાપૂર્વક રિસાઇકલ કરવાનું પ્રશંસનીય કામ પણ કર્યું છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે દરેક રન માટે ૧૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો
કોલકાતા નાઇટ રાઇડર્સની ઓનર જુહી ચાવલાએ નવી IPL સીઝન માટે ‘રન્સ ટુ રૂટ્સ’ પહેલ શરૂ કરી છે. ગઈ કાલે કલકત્તાના સુભાષ સરોવર લેક પાર્ક ખાતે વૃક્ષારોપણ અભિયાન સાથે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સની આ નવી પહેલની શરૂઆત કરી હતી. પર્યાવરણીય જવાબદારીઓ નિભાવવા માટે કલકત્તા ટીમે NGO ‘ગ્રો બિલ્યન ટ્રીઝ’ સાથે હાથ મિલાવ્યા છે. IPLમાં છેલ્લા કેટલાક સમયથી દરેક ડૉટ બૉલ પર એક છોડ વાવવાનો સંકલ્પ લેવાય છે. વર્તમાન સીઝનમાં ટીમના દરેક રન માટે ૧૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો છે. આ સંખ્યા પાછલી સીઝનની તુલનામાં દસ ગણી વધારે છે. છેલ્લી બે સીઝનમાં આવી જ પહેલ હેઠળ આ ટીમે કલકત્તામાં ૪૬૬૯ વૃક્ષો વાવ્યાં હતાં. અગાઉ ટીમે પર્યાવરણીય રીતે સંવેદનશીલ સુંદરવનમાં ૬૦૦૦થી વધુ વૃક્ષો વાવવાથી લઈને ઈડન ગાર્ડન્સમાંથી ૫૩,૮૫૮ કિલોગ્રામ કચરાને સફળતાપૂર્વક રિસાઇકલ કરવાનું પ્રશંસનીય કામ પણ કર્યું છે.
વખાણેલી ખીચડી દાંતે વળગી: ૧૩ કરોડનો રિન્કુ સિંહ છેલ્લી ત્રણ સીઝનમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી શક્યો
ADVERTISEMENT
કોલકાતા નાઇટ રાઇડર્સ માટે એના નવા વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહનું ફૉર્મ ચિંતાનો વિષય બન્યું છે. રિન્કુ સિંહ વર્તમાન સીઝનની છમાંથી પાંચ ઇનિંગ્સમાં ૭૯ રન જ કરી શક્યો છે. ૬૭ બૉલનો સામનો કરતાં તેની બૅટથી ૮ ફોર અને એક સિક્સ જ જોવા મળી છે. ૨૦૧૮થી કલકત્તા માટે સતત આઠમી સીઝન રમી રહેલા ૨૮ વર્ષના રિન્કુ સિંહે IPLમાં માત્ર ૪ ફિફટી ફટકારી છે અને એ પણ ૨૦૨૩ની સીઝનમાં. ૨૦૨૩ની સીઝન યશ દયાલની અંતિમ ઓવરમાં તેની પાંચ સિક્સને કારણે યાદગાર રહી હતી. તેણે એ સીઝનમાં ૧૪ મૅચમાં ૧૪૯.૫૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૭૪ રન કર્યા હતા. ૫૯.૨૫ની ઍવરેજથી બૅટિંગ કરીને તેણે ૩૧ ફોર અને ૨૯ સિક્સ ફટકારી હતી. આવું પ્રદર્શન તેણે કોઈ સીઝનમાં કર્યું નહોતું. જોકે છેલ્લી ત્રણ સીઝન મળીને તેણે કલકત્તા માટે અત્યાર સુધી ૪૫૩ રન જ કર્યા છે. ૨૦૨૪ અને ૨૦૨૫માં તેણે ૧૧-૧૧ ઇનિંગ્સમાં અનુક્રમે ૧૬૮ અને ૨૦૬ રન કર્યા હતા. ૨૦૧૮થી ૨૦૨૧ દરમ્યાન તે કલકત્તા માટે ૮૦ લાખ રૂપિયામાં અને ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન પંચાવન લાખ રૂપિયામાં રમ્યો હતો. ૨૦૨૫થી તે કલકત્તા માટે ૧૩ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે. જોકે તેના પ્રદર્શનને જોતાં વખાણેલી ખીચડી દાંતે વળગી એ કહેવત કલકત્તાને યાદ આવી ગઈ હશે.
પરાજયમાં શિરમોર: અજિંક્ય રહાણે IPL ઇતિહાસમાં સૌથી ઓછી જીતની ટકાવારી ધરાવતો કૅપ્ટન બન્યો
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કલકત્તાએ કૅમરન ગ્રીનના પંચાવન બૉલમાં ૭૯ રનની ઇનિંગ્સથી ૨૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૮૦ રન કર્યા હતા. જવાબમાં ગુજરાતે પોતાના કૅપ્ટન શુભમન ગિલના ૫૦ બૉલમાં ૮૬ રનના આધારે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. અજિંક્ય રહાણેએ પોતાની ૩૦૦મી T20 મૅચમાં હાર સાથે IPL ઇતિહાસનો સૌથી ઓછી જીતની ટકાવારી ધરાવતા કૅપ્ટનનો અનિચ્છનીય રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.
11 વખત IPLમાં ઓપનર તરીકે ઝીરો પર આઉટ થવાના મામલે અજિંક્ય રહાણેએ પાર્થિવ પટેલના રેકૉર્ડની બરાબરી કરી. એક IPL સીઝનની શરૂઆતની 6 મૅચમાં પહેલી જ વખત જીત નથી નોંધાવી શક્યું કલકત્તા.
રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ બાદ કલકત્તાની આગેવાની કરી રહેલો અજિંક્ય રહાણે ૪૪ IPL મૅચોમાંથી માત્ર ૧૪ મૅચ જીતી શક્યો છે. તેને ૨૮ મૅચમાં હાર મળી છે અને બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. તે કૅપ્ટન તરીકે માત્ર ૩૧.૮૧ ટકાની જીતની ટકાવારી ધરાવે છે. પચીસ પ્લસ મૅચમાં કૅપ્ટન્સી કરી ચૂકેલા કૅપ્ટન્સ વચ્ચે આ સૌથી ખરાબ રેકૉર્ડ છે. અગાઉ આ રેકૉર્ડ મુંબઈ ઇન્ડિયન્સના વર્તમાન હેડ કોચ માહેલા જયવર્દનના નામે હતો. દિલ્હી કૅપિટલ્સ, કોચી ટસ્કર્સ અને પંજાબ કિંગ્સ માટે ૩૦ મૅચમાં તે માત્ર ૩૩.૩૩ની જીતની ટકાવારી નોંધાવી શક્યો હતો.
