આ સીઝનમાં ૨૦૦ રન કરનાર ખેલાડીઓમાં 120.67 સૌથી ઓછા સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી છે ઋતુરાજ ગાયકવાડે.
ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં સતત ત્રીજી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટૉપ-ફોરમાં સ્થાન મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેની આગેવાનીમાં ચેન્નઈ ૨૦૨૪થી હમણાં સુધી ૩૨ મૅચમાંથી ૧૪ મૅચ જીત્યું છે અને ૧૮ મૅચમાં હારનો સામનો કર્યો છે. કૅપ્ટન તરીકેની જવાબદારીને કારણે ઋતુરાજ ગાયકવાડની બૅટિંગ પર વિપરીત અસર પડી છે એવું ચેન્નઈના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્ર અશ્વિનને લાગે છે. હૈદરાબાદ સામે તેણે એક પણ બાઉન્ડરી વગર ૨૧ બૉલમાં માત્ર ૧૫ રન કર્યા હતા. રવિચન્દ્ર અશ્વિને કહ્યું હતું કે ‘કૅપ્ટન્સીની વધારાની જવાબદારી ઋતુરાજ ગાયકવાડની બૅટિંગ પર પણ અસર કરતી હોય એવું લાગે છે. ચેન્નઈ જેવી ટીમની અપાર અપેક્ષાઓ સાથે કૅપ્ટન્સીનો બોજ ઉઠાવવાથી ચોક્કસપણે કોઈ પણ ખેલાડી પર નોંધપાત્ર અસર પડી શકે છે. ટીમના પુનર્નિર્માણના સમયમાં આગળ વધવા માટે થોડી ધીરજની જરૂર છે.’ કૅપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડે ૨૦૨૪માં ૧૪ મૅચમાં ૫૮૩ રન, ૨૦૨૫માં પાંચ મૅચમાં ૧૨૨ રન અને ૨૦૨૬માં ૧૩ મૅચમાં ૩૨૧ રન કર્યા છે.
