બન્ને ટીમો આખી સીઝનમાં હજી સુધી માત્ર બે જ જીત નોંધાવી શકી છે, કૅપ્ટન હાર્દિક અને પંત હવે પ્રતિષ્ઠા બચાવવા રમશે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન લખનઉનો કૅપ્ટન રિષભ પંત અને એઇડન માર્કરમ
IPL 2026ની ૪૭મી મૅચ આજે પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ૧૦ ટીમના પૉઇન્ટ-ટેબલની સૌથી તળિયાની ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ આજે સીઝનની ત્રીજી જીત મેળવવાનો પ્રયાસ કરશે. ૯માંથી ૭ મૅચ હારનાર મુંબઈ પોતાની પહેલી મૅચ કલકત્તા સામે ૬ વિકેટે અને છઠ્ઠી મૅચ ગુજરાત સામે ૯૯ રને જીત્યું હતું. લખનઉ આઠમાંથી ૬ મૅચ હાર્યું છે. બીજી અને ત્રીજી મૅચમાં અનુક્રમે હૈદરાબાદ સામે પાંચ અને કલકત્તા સામે ૩ વિકેટે જીત મળી હતી.
બન્ને ટીમમાં કરોડો રૂપિયાની કિંમતવાળા સ્ટાર પ્લેયર્સ રમી રહ્યા છે. જોકે આવા સ્ટાર પ્લેયર્સના સાધારણ પ્રદર્શનને કારણે બન્ને ટીમ સંઘર્ષ કરી રહી છે. ૨૭ કરોડ રૂપિયાનો રિષભ પંત અને ૨૧ કરોડ રૂપિયાનો નિકોલસ પૂરન વ્યક્તિગત પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કરી શક્યા નથી. ૧૬.૩૫ કરોડ રૂપિયાનો મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા પણ મેદાન પર યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યો છે.
ADVERTISEMENT
૨૦૨૨થી રમી રહેલી લખનઉની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં ૬ મૅચ રમી છે એમાંથી એને ૩ જીત અને ૩ હાર મળી છે. હોમ-ટીમ સામે તેઓ અહીં ત્રણ મૅચ રમ્યા છે અને ૨૦૨૨, ૨૦૨૪ની મૅચ જીત્યા હતા. જોકે ૨૦૨૫ની અંતિમ ટક્કરમાં ટીમ હારી ગઈ હતી.
મુંબઈ હોમ-ગ્રાઉન્ડ પર ૯૭માંથી ૫૮ મૅચ જીત્યું છે અને ૩૯ મૅચ હાર્યું છે. વર્તમાન સીઝનમાં અહીં રમાયેલી પાંચમાંથી છેલ્લી ચાર મૅચમાં મુંબઈને લાગલાગટ હાર મળી છે. કલકત્તા સામેની પહેલી મૅચમાં જ જીત મળી હતી.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૮ |
|
લખનઉની જીત |
૬ |
|
મુંબઈની જીત |
૨ |
મુંબઈ ઇન્ડિયન્સ હજી પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ શકે છે?
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હાલમાં IPL 2026ના પૉઇન્ટ-ટેબલમાં ૧૦ ટીમમાંથી નવમા ક્રમે છે. ૯ મૅચમાં બે જીત, ૭માં હાર અને -૦.૮૦૩ના નેટ રનરેટ સાથે આ ટીમ પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર છે એવું માનવામાં આવી રહ્યું છે.
જોકે માત્ર ચાર પૉઇન્ટ સાથેની આવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ સતત જીત મેળવીને પ્લેઑફ સુધી પહોંચવામાં મુંબઈ સક્ષમ છે. પ્લેઑફની અંતિમ ૪ ટીમમાં સામેલ થવા મુંબઈએ હવે બાકીની પાંચેપાંચ મૅચ સારા માર્જિનથી જીતવી પડશે.
ટોટલ ૧૪ પૉઇન્ટ અને સારા નેટ-રનરેટને લીધે હાર્દિક પંડ્યાની આ ટીમને પ્લેઑફમાં ક્વૉલિફાય કરવાની તક મળશે. જોકે તેમનું ક્વૉલિફિકેશન અન્ય ટીમના આંકડા પર આધારિત હશે. અન્ય ટીમો પણ પોતાનો લીગ-સ્ટેજ ૧૪ પૉઇન્ટ પર પૂરો કરશે ત્યારે પ્લેઑફની રેસ વધુ રસપ્રદ બનશે.
