શેન વૉર્નની આગેવાનીમાં ૨૦૦૮માં એકમાત્ર ટાઇટલ જીત્યા પછી માત્ર ૨૦૨૨માં ફાઇનલ મૅચ રમ્યું હતું રાજસ્થાન
રાજસ્થાન રૉયલ્સનો નવો રેગ્યુલર કૅપ્ટન રિયાન પરાગ અને નવો હેડ કોચ કુમાર સંગકારા.
IPL 2025ની નવમા ક્રમની ટીમ રાજસ્થાન રૉયલ્સ હવે નવા નેતૃત્વ હેઠળ ટ્રોફીનો દુકાળ ખતમ કરવાનો ટાર્ગેટ રાખશે. છેલ્લી સીઝનમાં રાજસ્થાનનો કૅપ્ટન સંજુ સૅમસન અને હેડ કોચ ગૌતમ ગંભીર બન્ને ઇન્જર્ડ હતા. જોકે તે બન્નેએ નવી સીઝન પહેલાં રાજસ્થાન રૉયલ્સને અલવિદા કહી દીધી છે. નવો રેગ્યુલર કૅપ્ટન રિયાન પરાગ અને નવો હેડ કોચ કુમાર સંગકારા હવે યંગસ્ટર્સથી ભરપૂર ટીમની પાસે કઈ રીતે મજબૂત પ્રદર્શન કરાવશે એના પર સૌની નજર રહેશે.
૨૦૨૫માં રિયાન પરાગ ટીમ માટે ૮ મૅચમાં સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન હતો. તે ટીમને માત્ર બે મૅચમાં જીત અપાવી શક્યો હતો અને ૬ મૅચમાં હાર મળી હતી. ૨૪ વર્ષ ૧૩૦ દિવસની ઉંમર સાથે રિયાન પરાગ વર્તમાન સીઝનનો સૌથી યંગેસ્ટ કૅપ્ટન પણ છે.
ADVERTISEMENT
૨૦૨૧થી ૨૦૨૪ સુધી હેડ કોચની જવાબદારી સંભાળ્યા બાદ કુમાર સંગાકારા એક સીઝનના બ્રેક બાદ ફરી હેડ કોચની જવાબદારી સંભાળશે. કોચિંગ-સ્ટાફમાં વિક્રમ રાઠોડ બૅટિંગ કોચ અને શેન બૉન્ડ પેસ બોલિંગ કોચ તરીકે સામેલ છે.
રાજસ્થાન રૉયલ્સની બૅટિંગ લાઇન-અપ વૈભવ સૂર્યવંશી, યશસ્વી જાયસવાલ, શિમરન હેટમાયર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ જેવા સ્ટાર પ્લેયર પર જ આધારિત છે. ઑલરાઉન્ડર રૂપે આ ટીમ પાસે રવીન્દ્ર જાડેજા અને ડૅવોન ફરેરા જેવા ઓછા વિકલ્પો છે. બોલિંગ યુનિટમાં રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા, જોફ્રા આર્ચર, ક્વેના મફાકા, તુષાર દેશપાંડે અને વિગ્નેશ પુથુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન કેવું રહ્યું છે?
૨૦૦૮ની પહેલવહેલી સીઝનમાં ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને ચૅમ્પિયન બની હતી. ૨૦૦૯થી ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૯થી ૨૦૨૧, ૨૦૨૩ અને ૨૦૨૫ની સીઝનમાં લીગ-સ્ટેજમાં જ ટીમને નિરાશા મળી હતી. ૨૦૧૩ અને ૨૦૨૪ની ક્વૉલિફાયર-ટૂ મૅચમાં ટીમને હાર મળી હતી. ૨૦૧૫ અને ૨૦૧૮ની સીઝનમાં એલિમિનેટરમાં હાર મળી હતી. ૨૦૨૨માં ટીમને ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ મૅચમાં હાર મળી હતી. ૨૦૧૬ અને ૨૦૧૭ની સીઝનમાં ફિક્સિંગ સહિતના વિવાદોને કારણે ટીમ સસ્પેન્ડ રહી હતી.
રાજસ્થાન રૉયલ્સનો રેકૉર્ડ
ટોટલ મૅચ - ૨૩૯
જીત - ૧૧૬
હાર - ૧૧૭
નો-રિઝલ્ટ - ૬
જીતની ટકાવારી - ૪૮.૫૪ ટકા
67
આટલી સૌથી વધુ વિકેટ શેન વૉટ્સને રાજસ્થાન માટે લીધી છે.
4219
આટલા હાઇએસ્ટ રન સંજુ સૅમસને ફટકાર્યા છે રાજસ્થાન રૉયલ્સ માટે.
ટીમમાં સૌથી યંગેસ્ટ અને ઓલ્ડેસ્ટ પ્લેયર કોણ?
૧૪ વર્ષ ૩૫૮ દિવસની ઉંમર સાથે વૈભવ સૂર્યવંશી ટીમની સાથે ટુર્નામેન્ટના ઇતિહાસનો પણ સૌથી યંગેસ્ટ પ્લેયર છે. ૨૦૦૮ અને ૨૦૦૯ની સીઝન બાદ રવીન્દ્ર જાડેજા ફરી રાજસ્થાન માટે રમતો જોવા મળશે. તે આ ટીમનો ૩૭ વર્ષ ૧૦૪ દિવસની ઉંમરવાળો સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે.
25.88
આટલી ઍવરેજ ઉંમર સાથે રાજસ્થાન રૉયલ્સની ટીમ વર્તમાન સીઝનની સૌથી યંગ સ્ક્વૉડ છે.
