૬૮ બૉલમાં ૧૩૫ રન ઝૂડીને પોતાની બીજી IPL સદી નોંધાવી : ભારતીય તરીકે હાઇએસ્ટ નવમી T20 સદી ફટકારીને વિરાટ સાથે જોડાયો, જોકે કિંગ કોહલી કરતાં વધુ ઝડપે આ કમાલ કરી : IPLમાં પહેલી વાર ઓપનર તરીકે તમામ ૨૦ ઓવર ટક્યો
350 T20 સિક્સ પૂરી કરી અભિષેક શર્માએ.
અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ગઈ કાલે શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૧૯૮.૫૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૦ ફોર અને ૧૦ સિક્સના આધારે અણનમ ૧૩૫ રન ફટકાર્યા હતા. તે ૮૪ મૅચની IPL કરીઅરમાં પહેલી વખત ઓપનર તરીકે ૨૦ ઓવર સુધી ટકી રહ્યો હતો. તેણે ભલે પોતાની સ્લોએસ્ટ પચીસ બૉલની IPL ફિફટી ફટકારી હતી, પણ ટીમનો સ્કોર ૨૪૨ રન સુધી લઈ ગયો હતો.
ગઈ કાલે તેણે બીજી IPL સદી સાથે ઓવરઑલ નવમી T20 સેન્ચુરી નોંધાવી હતી. આ મામલે તેણે વિરાટ કોહલી, સાહિબઝાદા ફરહાન, ક્વિન્ટન ડી કૉક અને રિલી રોસોઉની બરાબરી કરી હતી. આ બધા કરતાં વધારે T20 સેન્ચુરી ફટકારવાની રેસમાં ક્રિસ ગેઇલ (૨૨), બાબર આઝમ (૧૨) અને ડેવિડ વૉર્નર (૧૦) સૌથી આગળ છે. ભારતીય તરીકે સૌથી વધુ T20 સેન્ચુરીના મામલે તેણે વિરાટ કોહલીની બરાબરી કરી છે. જોકે અભિષેક શર્માએ ૧૮૪મી ઇનિંગ્સમાં વિરાટ કોહલી (૨૭૧ ઇનિંગ્સ) કરતાં પહેલાં આ કમાલ કરી છે. ઓવરઑલ ક્રિસ ગેઇલે ફાસ્ટેસ્ટ (૧૨૪ ઇનિંગ્સ) અને સાહિબઝાદા ફરહાને (૧૬૦ ઇનિંગ્સ) અભિષેક શર્મા કરતાં વહેલી ૯ T20 સેન્ચુરી ફટકારી છે. 5 વખત T20 ઇનિંગ્સમાં ૧૦ કે એથી વધુ સિક્સર ફટકારી અભિષેક શર્માએ. માત્ર ક્રિસ ગેઇલ (૧૮ વખત) તેના કરતાં સારો રેકૉર્ડ ધરાવે છે.
ADVERTISEMENT
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 2000 રન કરનાર ચોથો બૅટર બન્યો અભિષેક શર્મા.
સૌથી વધુ ૧૩૦-પ્લસની ઇનિંગ્સ રમવાના મામલે સૌથી આગળ
અભિષેક શર્માએ ૧૩૦ રનથી વધુની ઇનિંગ્સ રમવાના મામલે ઍરોન ફિન્ચ અને ક્રિસ ગેઇલનો ૩-૩ વખતનો રેકૉર્ડ તોડ્યો છે. અગાઉ તેણે ત્રણ ૧૩૦ +નો સ્કોર ૨૦૨૫માં કર્યો હતો. તે પંજાબ કિંગ્સ સામે પંચાવન બૉલમાં ૧૪૧ રનની ભારતીય તરીકેની હાઇએસ્ટ IPL ઇનિંગ્સ રમ્યો હતો. તેણે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ૧૩૫ રન અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ સામે ૧૪૮ રન કર્યા હતા.
