બોરીવલી પટેલ સમાજ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલમાં આર્ય વૉરિયર્સને ચાર વિકેટે હરાવી: પ્લેયર ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બૅટર બન્યો જનક દિહોરા.
વિજેતા ટીમ મીત ઇલેવન અને પ્લેયર આૅફ ધ સિરીઝ જનક દિહોરા
બોરીવલી પટેલ સમાજ દ્વારા કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ૧૦ અને ૧૧ મેએ યોજાયેલી ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘બોરીવલી પ્રીમિયર લીગ’ મીત ઇલેવન ટીમે જીતી હતી. ટુર્નામેન્ટની આ પાંચમી સીઝનમાં મીત ઇલેવન, આર્ય વૉરિયર્સ, મહાદેવ ઇલેવન, વિપુલ ડાયમન્ડ, સ્ટાર ઇલેવન, વનકૅરૅટ વર્લ્ડ ઇલેવન એમ કુલ છ ટીમે ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાઓ બાદ મીત ઇલેવન (કૅપ્ટન વિનોદ મિયાણી) અને આર્ય વૉરિયર્સ (કૅપ્ટન જનક દિહોરા) ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૮-૮ ઓવર્સના ફાઇનલ જંગમાં ટૉસ જીતીને મીત ઇલેવને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને આર્ય વૉરિયર્સને ૮ ઓવર્સમાં ૬ વિકેટે ૬૮ રન સુધી સીમિત રાખવામાં સફળ રહી હતી. મીત ઇલેવને ૭.૪ ઓવર્સમાં ૬ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી ચાર વિકેટે જીત મેળવીને પાંચમી સીઝનમાં ચોથી વાર ચૅમ્પિયન બની હતી.
૧૯ બૉલમાં ૩૦ રન બનાવનાર કેવિન સભાડિયાને ફાઇનલનો મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. જનક દિહોરાને ટુર્નામેન્ટમાં મૅન ઑફ ધ સિરીઝ (૧૩૩ રન અને ૭ વિકેટ) અને બૅસ્ટ બૅટ્સમૅન તથા અક્ષય પટેલને બેસ્ટ બોલર (૮.૬૭ની ઇકૉનૉમી સાથે ૭ વિકેટ) જાહેર કરવામાં આવ્યા હતા.

