૧૧૦૦ ઓવરમાંથી ૪૮૩ ઓવર વરસાદને કારણે રદ કરવી પડી હતી
શ્રીલંકા-પાકિસ્તાનની વરસાદને કારણે રદ થયેલી મૅચ સાથે કોલંબોમાં વર્તમાન વર્લ્ડ કપની નિર્ધારિત ૧૧ મૅચ સમાપ્ત થઈ હતી
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આયોજિત વિમેન્સ વર્લ્ડ કપ 2025ની મોટા ભાગની મૅચ વરસાદથી પ્રભાવિત રહી હતી. શુક્રવારે શ્રીલંકા-પાકિસ્તાનની વરસાદને કારણે રદ થયેલી મૅચ સાથે કોલંબોમાં વર્તમાન વર્લ્ડ કપની નિર્ધારિત ૧૧ મૅચ સમાપ્ત થઈ હતી. આ દરમ્યાન કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્લેયરો કરતાં વધારે ગ્રાઉન્ડ્સમેનને મેદાનને વરસાદથી બચાવવા દોડાદોડ કરવી પડી હતી.
કોલંબોમાં રમાયેલી ૧૧ મૅચમાં ફક્ત ૫૫૬.૪ ઓવર જ રમાઈ હતી. ૧૧૦૦ ઓવરમાંથી ૪૮૩ ઓવર વરસાદને કારણે રદ કરવી પડી હતી. કુલ ૪ મૅચ વરસાદને કારણે અહીં રદ રહી હતી. ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનના અભિયાનને કોલંબોની રદ મૅચોને કારણે સૌથી વધુ નુકસાન થયું હતું. સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મૅચ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી, પણ વરસાદમાં ફૅન્સ અને પ્લેયર્સનો ઉત્સાહ ધોવાઈ ગયો હતો.


