Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન છેક બે વર્ષ પછી ટેસ્ટ-સિરીઝ જીત્યું; છેલ્લી ૬ મૅચમાંથી ૩ હાર્યું હતું, ૩ ડ્રૉ રહી હતી

પાકિસ્તાન છેક બે વર્ષ પછી ટેસ્ટ-સિરીઝ જીત્યું; છેલ્લી ૬ મૅચમાંથી ૩ હાર્યું હતું, ૩ ડ્રૉ રહી હતી

Published : 21 November, 2026 09:24 AM | Modified : 21 November, 2026 09:26 AM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકા સામે બીજી ટેસ્ટ-મૅચ ૮ વિકેટે જીતીને સિરીઝ પર કબજો કર્યો, પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી.

શ્રીલંકા સામે ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે પાકિસ્તાની ખેલાડીઓ

શ્રીલંકા સામે ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે પાકિસ્તાની ખેલાડીઓ


રાવલપિંડીમાં આયોજિત શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ-મૅચ ૮ વિકેટે જીતીને પાકિસ્તાને બે ટેસ્ટ-મૅચની સિરીઝ પર ૧-૦થી કબજો કર્યો છે. બન્ને વચ્ચે રાવલપિંડીમાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ૨૦૧૭ પછી આ હરીફ સામે પાકિસ્તાન ત્રીજી ટેસ્ટ-મૅચ જીત્યું છે. એક સિરીઝ ડ્રૉ પણ રહી હતી.

પાકિસ્તાન બે વર્ષ પછી ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. ઑક્ટોબર ૨૦૨૪માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ જીત્યા પછી પાકિસ્તાન ત્રણ સિરીઝ હાર્યું હતું અને ત્રણ સિરીઝ ડ્રૉ રહી હતી. ૧૯૯૭ પછી પહેલી વખત શ્રીલંકા એક કૅલેન્ડર યર એક પણ ટેસ્ટ-જીત વગર સમાપ્ત કરશે. શ્રીલંકા માર્ચ ૨૦૨૪થી વિદેશમાં આયોજિત સતત ૪ ટેસ્ટ-સિરીઝ હાર્યું છે.



બીજી મૅચમાં પહેલી ઇનિંગ્સમાં ૯૮ રન કરનાર શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં ૯૫ ઓવરમાં ૩૧૬-૧૦નો સ્કોર કરીને માત્ર ૯૦ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૨૫-૧૦ કરનાર પાકિસ્તાને ૧૩ ઓવરમાં ૯૦-૨નો સ્કોર કરીને મૅચ જીતી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ ૬ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો અને ૮ વિકેટ લેવાને કારણે પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.


૩૦૯-૯ના સ્કોરથી ચોથા દિવસની શરૂઆત કરનાર શ્રીલંકન ટીમ માત્ર ૭ રન ઉમેરી શકી હતી. પાકિસ્તાન માટે અઝાન અવૈસે ૩૬ બૉલમાં ૩૨ રન અને આમિર જમાલે બાવીસ બૉલમાં ૩૪ રન કરીને ઝડપથી ૯૦ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.

WTCમાં પાકિસ્તાન-શ્રીલંકા હજી પણ તળિયાની ટીમ


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ-ટેબલમાં હજી પણ પાકિસ્તાન અને શ્રીલંકા તળિયાની ટીમોમાંથી એક છે. રાવલપિંડીમાં રમાયેલી બે ટેસ્ટ-મૅચની સિરીઝ પછી પાકિસ્તાનના પૉઇન્ટ ચારથી વધીને ૧૬ થયા છે. પૉઇન્ટ ટકાવારી ૩.૩૩થી વધીને ૧૨.૧૨ થઈ છે. ૯ ટીમો વચ્ચે આઠમા ક્રમે રહેલી શ્રીલંકન ટીમના પૉઇન્ટ ૧૩ જ રહ્યાં છે. પૉઇન્ટ ટકાવારી ૧૫.૪૮થી ઘટીને ૧૩.૫૪ ટકા થઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 09:26 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK