પાકિસ્તાને બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવી બે ટેસ્ટની સિરીઝ 1-1થી ડ્રૉ કરાવી. અબ્દુલ્લા શફીકની સદી અને સાજિદ ખાનની સ્પિન બોલિંગ જીતમાં નિર્ણાયક સાબિત થઈ.
અબ્દુલ્લા શફીક અને સાજિદ ખાન
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટમાં ગઈ કાલે પાકિસ્તાન ૮ વિકેટે જીતી મેળવીને સિરીઝ ૧-૧થી ડ્રૉ કરાવવામાં સફળ રહ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન ૨૧૧ રનના ટાર્ગેટ સામે માત્ર ૧૨૦ રનમાં ઑલઆઉટ થતાં જીતની બાજી ગુમાવી દીધી હતી. આ નાલેશીભરી હાર બાદ પાકિસ્તાનની ખૂબ જ ટીકા થઈ હતી. જોકે ટીમે બીજી ટેસ્ટમાં જીત મેળવીને ચાહકોનાં ગુસ્સાને થોડાઅંશે ઓછો કરવામાં પાકિસ્તાન ટીમ સફળ રહી હતી.
પાકિસ્તાન પ્રથમ ઇનિંગ્સમાં ૪૩ રનની લીડ લીધા બાદ બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝને સ્પિનર જોડી સાજિદ ખાન (૩૨ રનમાં ચાર) અને અલી ઉસ્માન (૩૯ રનમાં ચાર)ના તરખાટના જોરે માત્ર ૧૧૭ રનમાં પૅવિલિયન ભેગાં કરી દીધાં હતાં. ૭૫ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૨૩.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝના ૩૪૪ રનના જવાબમાં બે વિકેટે ૨૬૬ રનની મજબૂત સ્થિતિમાં શરૂઆત કરી હતી, પણ કૅપ્ટન બાબર આઝમ ૮૮ રન બનાવીને બિનજરૂરી રન લેવામાં રનઆઉટ થયા બાદ ટીમનો ધબકડો થયો હતો. સેન્ચુરિયન અબ્દુલ્લા શફીકના અણનમ ૧૬૦ રન અને સ્પિનર સાજિદ ખાનના ૩૦ રનના ઉપયોગી સાથને લીધે પાકિસ્તાન ૪૩ રનની મહત્ત્વપૂર્ણ લીડ લઈ શક્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ વતી સ્પિનર જોમેલ વૉરિકને ૧૧૨ રનમાં ૬ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. અબ્દુલ્લા શફીક મૅન ઑફ ધ મૅચ તથા બાબર અને જસ્ટિન ગ્રીવ્સ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયાં હતાં.
