ઇન્જરી બાદ કમબૅક કરી રહેલા વિકેટકીપર-બૅટરની ૯૦ રનની ફાઇટિંગ ઇનિંગ્સ, સાઉથ આફ્રિકા-A સામે લોઅર આૅર્ડર બૅટર્સે અપાવી ત્રણ વિકેટે રોમાંચક જીત
ગઈ કાલે મૅચ જીતી ગયા બાદ ખલીલ અહમદ, મૅન ઑફ ધ મૅચ મુંબઈકર તનુષ કોટિયન અને ભારત-A ટીમનો કૅપ્ટન રિષભ પંત.
બૅન્ગલોરમાં ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સ ગ્રાઉન્ડ પર રિષભ પંતના નેતૃત્વ હેઠળ ભારત-Aએ પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકાની A ટીમ સામે ૩ વિકેટે રોમાંચક જીત મેળવી બે મૅચની સિરીઝમાં ૧-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ૨૭૫ રનનો ટાર્ગેટ પંતસેનાએ ૭૩.૧ ઓવરમાં ૭ વિકેટે ૨૭૭ રન બનાવીને મેળવી લીધો હતો. મૅચમાં ૧૦૯ રનમાં કુલ ૮ વિકેટ લેનાર મુંબઈકર તનુષ કોટિયન મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
પંતે બતાવ્યું ફૉર્મ
ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન ઈજા પામ્યા પછી ફિટ થયેલા રિષભ પંતને ઘરઆંગણે ટેસ્ટ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પસંદ કરતાં પહેલાં સિલેક્ટરોએ તેને આ મૅચમાં કૅપ્ટન બનાવીને મેદાનમાં ઉતાર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં જોકે તે માત્ર ૨૦ બૉલમાં ૧૭ રન જ કરી શક્યો હતો, પણ બીજી ઇનિંગ્સમાં ૨૭૫ રનના ટાર્ગેટ સામે ૩૨ રનમાં ૩ વિકેટની કટોકટીભરી સ્થિતિમાં મેદાનમાં ઊતરીને ૧૧૩ બૉલમાં ચાર સિક્સર અને ૧૧ ફોર સાથે ૯૦ રનની ઇનિંગ્સ રમીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. જોકે માત્ર ૧૦ રન માટે તે સેન્ચુરી ચૂકી ગયો હતો અને ૪૮મી ઓવરમાં ૧૭૨ રનમાં સ્કોરે પાંચમી વિકેટરૂપે તે આઉટ થયો હતો. પંતે ફૉર્મ બતાવતાં સિલેક્ટરોએ રાહતનો શ્વાસ લીધો હશે.
ADVERTISEMENT
લોઅર-આૅર્ડરે લાજ રાખી
પંત આઉટ થયો ત્યારે ટીમને જીતવા માટે ૧૦૩ રનની જરૂર હતી. આયુષ બદોની ૩૪, તનુષ કોટિયન ૨૩ તથા માનવ સુથારના અણનમ ૨૦ અને અન્સુલ કમ્બોજના અણનમ ૩૭ રનના ઉપયોગી યોગદાનને લીધે ટીમે ૭૩.૧ ઓવરમાં જીત મેળવી લીધી હતી. કોટિયનની સાતમી વિકેટ પડી ત્યારે જીતવા માટે ૬૦ રનની જરૂર હતી પણ કમ્બોજ અને મનાવ સુથારે અડીખમ રહીને ૬૨ રનની પાર્ટનરશિપ કરી ટીમને રોમાંચક જીત અપાવી હતી. પહેલી ઇનિંગ્સમાં આફ્રિકન ટીમે ૭૫ રનની લીડ લીધી હતી પણ ભારતે કમબૅક કરીને બાજી પલટી નાખી હતી.
બીજી મૅચ હવે આ જ ગ્રાઉન્ડ પર ગુરુવારથી રમાશે. બીજી મૅચમાં ટીમ સાથે કે. એ. રાહુલ, મોહમ્મદ સિરાજ, ધ્રુવ જુરેલ વગેરે જોડાશે.


