દિલ અભી ભી સચ્ચે ઔર ઘર ભી કચ્ચે
શુભમન ગિલે તેના ખાસ મિત્રો અભિષેક શર્મા અને ઈશાન કિશન સાથેનો એક ફોટો શૅર કર્યો
મંગળવારે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો પરાજય થતાં ૨૦૨૨થી ચાલતો આવતો ગુજરાત ટાઇટન્સ સામેનો હારનો સિલસિલો જળવાઈ રહ્યો હતો. ૨૦૨૨માં બન્ને ટીમ વચ્ચેની પ્રથમ ટક્કરમાં હૈદરાબાદનો ૮ વિકેટે વિજય થયો હતો, પણ ત્યાર બાદ અત્યાર સુધી રમાયેલી ૭ મૅચમાંથી છમાં ગુજરાતનો વિજય થયો છે અને ૨૦૨૪માં એક મૅચ વરસાદને લીધે પડતી મૂકવામાં આવી હતી. મંગળવારે જીત બાદ ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે હૈદરાબાદના ધુરંધર બૅટરો અને તેના ખાસ મિત્રો અભિષેક શર્મા અને ઈશાન કિશન સાથેનો એક ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘દિલ અભી ભી સચ્ચે, ઔર ઘર ભી કચ્ચે’. શરૂઆતમાં લોકોને ગિલની આ કૅપ્શન સમજાઈ નહીં પણ જ્યારે થોડા દિવસો પહેલાં ક્રિકેટ બોર્ડના નમન અવૉર્ડ્સ દરમ્યાનનો ગિલનો વિડિયો યાદ આવ્યો એટલે ગિલના આ વન-લાઇનર પંચનો ભેદ ઉકેલાઈ ગયો હતો. નમન અવૉર્ડ્સ દરમ્યાન જ્યારે ઍન્કરે અભિષેકની હાજરીમાં ગિલને પૂછ્યું કે હૈદરાબાદ છેલ્લે ગુજરાત સામે ક્યારે જીત્યું હતું ત્યારે ગિલે અભિષેક અને હૈદરાબાદની તેમની સામેની સતત હારની મજાક ઉડાવતાં કહ્યું હતું કે હૈદરાબાદ ગુજરાત સામે છેલ્લે ત્યારે જીતી હતી જ્યારે દિલ સચ્ચે ઔર મકાન કચ્ચે હોતે થે.
સતત ત્રીજી સીઝનમાં ૫૦૦ પ્લસ રન સાથે સુદર્શને કરી વિરાટ અને ગેઇલની બરોબરી
ADVERTISEMENT
મંગળવારે હૈદરાબાદ સામે ૪૪ બૉલમાં ૬૧ રનની ઇનિંગ્સ સાથે ગુજરાતના ઓપનર સાઈ સુદર્શને આ સીઝનમાં ૫૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. સુદર્શનના હવે આ સીઝનમાં ૧૨ મૅચમાં એક સેન્ચુરી અને ૩ હાફ સેન્ચુરી સાથે સેકન્ડ હાઇએસ્ટ ૫૦૧ રન થયા છે. સુદર્શને ૨૦૨૪માં ૫૨૭ રન બનાવ્યા હતા અને ૨૦૨૫માં ૭૫૯ રન સાથે ઑરેન્જ કૅપ જીતી હતી. સુદર્શને હવે આ સીઝનમાં ૫૦૧ રન સાથે સતત ૩ સીઝનમાં ૫૦૦ પ્લસ રન બનાવનાર વિરાટ કોહલી (૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫), ક્રિસ ગેઇલ (૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩) અને શિખર ધવન (૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧)ની બરોબરી કરી લીધી હતી. જોકે આ મામલે ડેવિડ વૉર્નર (૨૦૧૪થી ૨૦૨૦) સતત ૬ સીઝનમાં આવી કમાલ કરીને ટૉપમાં છે અને કે. એલ. રાહુલ (૨૦૧૮થી ૨૦૨૨) સતત પાંચ સીઝન સાથે બીજા નંબરે છે. આ બધામાં સુદર્શન અને ગેઇલ જ એવા ખેલાડી છે જેમણે દરેક વખતે ૧૪૦ પ્લસની સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા છે.
