ગઈ કાલે બ્રિસબેનની મૅચ રદ રહી, ભારતે ૨-૧થી પાંચ મૅચની સિરીઝ પર કબજો કર્યો
T20 સિરીઝની ટ્રોફી સાથે સૂર્યા ઍન્ડ કંપની.
ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રમાયેલી પાંચ મૅચની T20 સિરીઝની શરૂઆતની જેમ અંત પણ વરસાદના વિઘ્ન સાથે થયો હતો. કૅનબેરાની જેમ બ્રિસબેનની T20 મૅચ પણ વીજળી, વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે રદ કરવી પડી હતી. સૂર્યા ઍન્ડ કંપનીએ ૨-૧થી આ સિરીઝ પર કબજો કર્યો છે. ડિસેમ્બર ૨૦૨૦થી ભારતે કાંગારૂઓને સતત ચોથી T20 સિરીઝમાં માત આપી છે. આ ચારેય સિરીઝમાં ઑસ્ટ્રેલિયા એક-એક મૅચ જ જીતી શક્યું છે. કાંગારૂઓ સામે એની ધરતી પર આ ફૉર્મેટની સિરીઝ ન હારવાનો રેકૉર્ડ પણ ભારતે જાળવી રાખ્યો છે.
ધ ગૅબા સ્ટેડિયમમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં ભારતે ૪.૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર બાવન રન કર્યા હતા. અભિષેક શર્માએ ૧૩ બૉલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી ૨૩ રન કર્યા હતા, જ્યારે શુભમન ગિલે ૧૬ બૉલમાં ૬ ફોરની મદદથી ૨૯ રન ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ ચાર ઓવરની અંદર અભિષેક શર્માના બે કૅચ છોડ્યા હતા. પહેલાં વીજળી પડવાના ડર અને પછી વરસાદને કારણે મૅચ આગળ વધી શકી નહોતી.
ADVERTISEMENT
અભિષેક શર્માએ ફાસ્ટેસ્ટ ૧૦૦૦ T20 ઇન્ટરનૅશનલ રન ફટકાર્યા
ભારતીય ઓપનર અભિષેક શર્મા ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં ૧૬૩ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે T20 ઇન્ટરનૅશનલમાં ફુલ મેમ્બર ટીમના પ્લેયર તરીકે એક મોટો રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો છે. તે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૫૭૩ બૉલ)ને પછાડીને T20 ઇન્ટરનૅશનલમાં ૫૨૮ બૉલમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન ફટકારનાર બૅટર બની ગયો છે. તેણે ભારત માટે ૨૮ ઇનિંગ્સમાં બે સદી અને ૬ ફિફ્ટી ફટકારીને ૧૦૧૨ રન કર્યા છે. તેની બૅટિંગ-ઍવરેજ ૩૭.૪૮ અને સ્ટ્રાઇક-રેટ ૧૮૯.૫૧નાં હતાં.
વીજળીને કારણે પ્લેયર્સ અને દર્શકોનો જીવ હતો જોખમમાં
બ્રિસબેનમાં ભારતે મૅચમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. જોકે પાંચમી ઓવર પૂર્ણ થાય એ પહેલાં ધ ગૅબા સ્ટેડિયમની થોડે દૂર વીજળી પડી હોવાની ચેતવણી મળી હતી. એને ધ્યાનમાં લઈને મૅચ રોકવામાં આવી હતી. ગ્રાઉન્ડ પર હાજર તમામ પ્લેયર્સ, અમ્પાયર્સ, બ્રૉડકાસ્ટિંગ ટીમને સ્ટેડિયમમાં સુરક્ષિત રૂમમાં મોકલવામાં આવ્યાં હતાં. દર્શકોને પણ તેમના સ્ટૅન્ડમાં પાછળની તરફ મોકલવાની ફરજ પડી હતી. આ પગલાં તમામની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યાં હતાં.


