રાંચીમાં રેકૉર્ડબ્રેક સદી ફટકારનાર વિરાટ કોહલીએ કહ્યું...
રાંચીમાં રેકૉર્ડબ્રેક સદી ફટકારનાર વિરાટ કોહલી
રાંચીમાં રવિવારે શાનદાર સદી ફટકારી ભારતને સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝમાં વિજયી શરૂઆત આપનાર વિરાટ કોહલીએ પોતાની રમત અને માનસિકતા વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘જો હું કોઈ જગ્યાએ આવ્યો છું તો હું ત્યાં મારું ૧૨૦ ટકા યોગદાન આપીશ. હું રાંચીમાં વહેલો આવ્યો હતો, કારણ કે હું પરિસ્થિતિને થોડી સમજવા માગતો હતો. મેં મૅચ પહેલાં એક દિવસનો બ્રેક લીધો, કારણ કે હું ૩૭ વર્ષનો છું અને મારે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. હું મારા મનમાં રમતની ખૂબ જ કલ્પના કરું છું.’
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૭૦મા પ્લેયર ઑફ ધ મૅચ જીતનાર વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે ‘અનુભવ કામમાં આવે છે. હું ક્યારેય તૈયારીમાં માનતો નથી. મારું બધું ક્રિકેટ માનસિક રહ્યું છે. જ્યાં સુધી મારું શારીરિક સ્તર સારું છે અને મારી માનસિક-તીક્ષ્ણતા અકબંધ છે ત્યાં સુધી બધું બરાબર છે. જો તમે લગભગ ૩૦૦ વન-ડે મૅચ અને આટલું બધું ક્રિકેટ રમ્યું છે તો તમારી અંદર બૅટિંગ કરવા માટેની પ્રતિક્રિયાઓ અને શારીરિક ક્ષમતા રહે છે.’
ADVERTISEMENT
ટેસ્ટ-રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન લેશે વિરાટ?
પોસ્ટ મૅચ પ્રેઝન્ટેશન સમયે કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ આડકરી રીતે તેને પૂછી લીધું હતું કે ‘શું તે આગળ પણ એક જ ફૉર્મેટ રમતો રહેશે કે ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી વિશે કોઈ વિચાર છે?’ ત્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આગળ પણ આવું જ રહેશે, હું રમતનું ફક્ત એક જ ફૉર્મેટ રમી રહ્યો છું.’ હર્ષા ભોગલેએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે ટેસ્ટ-રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન વિશેનો પ્રશ્ન તેણે પહેલાંથી વિરાટની પરવાનગી લઈને જ પૂછ્યો હતો જેથી તે લાઇવ ઇન્ટરવ્યુ દરમ્યાન મૂંઝવણમાં ન મુકાઈ જાય.
681
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની આટલી હાઇએસ્ટ રનવાળી વન-ડે રમાઈ હતી રાંચીમાં.
6
આટલી હાઇએસ્ટ વન-ડે સદી સાઉથ આફ્રિકા સામે ફટકારનાર બૅટર બન્યો વિરાટ કોહલી.
વિરાટ કોહલીના ભવિષ્ય વિશે કોઈ પ્રશ્ન નથી : સિતાંશુ કોટક
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે સ્ટાર બૅટર વિરાટ કોહલીના ભવિષ્ય વિશે મોટી કમેન્ટ કરી છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી કોહલી રમશે? એ પ્રશ્નનો જવાબ આપતાં સિતાંશુ કોટકે કહ્યું કે ‘મને ખરેખર ખબર નથી કે આપણે આ બધા પર કેમ ધ્યાન આપવાની જરૂર છે. તે ખૂબ સારી બૅટિંગ કરી રહ્યો છે. આપણે તેના ભવિષ્ય વિશે વાત કરવાની શું જરૂર છે? તે જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે, તેની ફિટનેસ કેવી છે એવી કોઈ પણ બાબતમાં કોઈ પ્રશ્ન નથી.’
અનુભવી ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર આખી દુનિયાની નજર છે ત્યારે ભારતના બૅટિંગ-કોચે કહ્યું હતું કે ‘ખેલાડીઓ કે ટીમ મૅનેજમેન્ટ ૨૦૨૭ના વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યાં નથી. સિનિયર ખેલાડીઓની ચર્ચા તો છોડી દો. તેઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને ટીમમાં યોગદાન આપી રહ્યા છે.’


