પ્રો-લીગની પહેલી ચાર મૅચમાં ભારતીય મેન્સ ટીમ બે મૅચ જીતી અને બે મૅચ હારી છે. જ્યારે વિમેન્સ ટીમ ચારમાંથી માત્ર એક મૅચ જીતી છે
ભારતીય મેન્સ હૉકી ટીમ, ભારતીય વિમેન્સ હૉકી ટીમ
૨૦૨૬ના હૉકી વર્લ્ડ કપમાં ક્વૉલિફિકેશન માટે આયોજિત પ્રો-લીગમાં ભારતીય મેન્સ અને વિમેન્સ ટીમે સાધારણ શરૂઆત કરી છે. પ્રો-લીગની પહેલી ચાર મૅચમાં ભારતીય મેન્સ ટીમ બે મૅચ જીતી અને બે મૅચ હારી છે. જ્યારે વિમેન્સ ટીમ ચારમાંથી માત્ર એક મૅચ જીતી છે, બે મૅચ હારી અને એક મૅચ ડ્રૉ રહી છે. ૯ ટીમો વચ્ચે પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતીય મેન્સ ટીમ છઠ્ઠા ક્રમે અને વિમેન્સ ટીમ આઠમા ક્રમે છે.
જૂન ૨૦૨૫ સુધી આયોજિત આ પ્રો-લીગમાં ભારતની બન્ને ટીમે હજી ૧૨ મૅચ રમવાની છે. પ્રો-લીગના અંતે ટોચ પર રહેનારી ટીમ વર્લ્ડ કપ માટે ડાયરેક્ટ ક્વૉલિફાય થશે. ટૉપ પર પહોંચવા ભારતીય ટીમે જબરદસ્ત કમબૅકની જરૂર છે. ભારતીય મેન્સ આજથી બૅક-ટુ-બૅક આયરલૅન્ડ સામે અને વિમેન્સ ટીમ જર્મની સામે બે-બે મૅચ રમશે. પચીસ ફેબ્રુઆરી સુધી ભારતીય ટીમને ભુવનેશ્વરમાં ઘરઆંગણાની પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની તક રહેશે. જૂન ૨૦૨૫માં આ ટુર્નામેન્ટની મૅચ નેધરલૅન્ડ્સ, ઇંગ્લૅન્ડ, બેલ્જિયમ અને જર્મનીમાં રમાશે.

