ભારતીય ફુટબૉલની પ્રગતિ જોવા ઇચ્છતા ફૅન્સ રવિવારની રાત્રે સૌથી વધુ ખુશ જોવા મળ્યા હતા
SAFF અન્ડર-19 ચૅમ્પિયનશિપમાં ભારતે ફાઇનલ મૅચ જીતી
ભારતીય ફુટબૉલની પ્રગતિ જોવા ઇચ્છતા ફૅન્સ રવિવારની રાત્રે સૌથી વધુ ખુશ જોવા મળ્યા હતા, કારણ કે SAFF અન્ડર-19 ચૅમ્પિયનશિપમાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં બંગલાદેશને ૪-૩થી હરાવીને ફાઇનલ મૅચ જીતી હતી. ૨૦૧૫થી રમાતી સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF)ની આ ટુર્નામેન્ટની સાત સીઝનમાં ભારત ચોથી વાર ચૅમ્પિયન બન્યું છે. ભારત સિવાય નેપાલ (બે વાર) અને બંગલાદેશ (એક વાર) આ ટુર્નામેન્ટ જીતી શક્યાં છે.
અરુણાચલ પ્રદેશમાં ફૅન્સથી ખીચોખીચ સ્ટેડિયમમાં નિયમિત સમય પછી મૅચ ૧-૧થી બરાબરી પર રહી હોવાથી પરિણામ માટે પેનલ્ટી શૂટઆઉટની જરૂર પડી હતી. આ ખુશીઓમાં વધારો ત્યારે થયો જ્યારે ટુર્નામેન્ટના ચાર મહત્ત્વપૂર્ણ અવૉર્ડ જેમ કે મોસ્ટ વૅલ્યુએબ્લ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, ટૉપ સ્કોરર અને ફેર પ્લેનો અવૉર્ડ ભારતના યંગ ફુટબૉલર્સે જીત્યા હતા.

