ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના સાથી પ્લેયર ડિઓગો જોટાએ બે ટાઇટલ જીત્યા બાદ ગયા મહિને કર્યાં હતાં લગ્ન, ત્રણ બાળકોનો હતો પપ્પા
છેલ્લા બે મહિનામાં બે ફુટબૉલ ટાઇટલ જીતીને કરીઅરના શ્રેષ્ઠ સમયમાં હતો ડિઓગો જોટા.
ગઈ કાલે સ્પેનમાં રાતના સમયે થયેલા કાર-ઍક્સિડન્ટમાં પોર્ટુગલના બે ફુટબૉલર ભાઈઓની જોડીના અવસાનના સમાચારથી રમતજગત આશ્ચર્યમાં મુકાયું છે. ૨૮ વર્ષના પોર્ટુગલના નૅશનલ પ્લેયર ડિઓગો જોટાની કારના ઍક્સિડન્ટમાં તેના પચીસ વર્ષના નાના ભાઈ આન્દ્રે સિલ્વાએ પણ કારમાં લાગેલી આગમાં જીવ ગુમાવ્યો હતો. કાર-ઍક્સિડન્ટનું મુખ્ય કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
ડિઓગોએ ઇન્ટરનૅશનલ અને ક્લબ ફુટબૉલમાં ૧૫૦થી વધુ ગોલ કરી ચૂક્યો હતો. આન્દ્રે પોર્ટુગલની સેકન્ડ ડિવિઝનનો ફુટબૉલ પ્લેયર હતો. જ્યારે છેલ્લા બે મહિનામાં તેણે બે મોટી ફુટબૉલ ટુર્નામેન્ટનાં ટાઇટલ જીત્યાં હતાં. તેણે લિવરપૂલ ક્લબ સાથે ઇંગ્લૅન્ડની પ્રીમિયર લીગ અને પોર્ટુગલ ટીમ સાથે નૅશનલ લીગનું ટાઇટલ જીત્યું હતું. બાવીસ જૂને તેણે પોતાની ગર્લફ્રેન્ડ રૂટ કાર્ડોસો સાથે લગ્ન કર્યાં હતાં. સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ટ્વીટ કરીને પોતાના સાથી પ્લેયર્સને ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કરીને તેનાં ત્રણ બાળકો અને પત્ની માટે સંવેદના વ્યક્ત કરી હતી.

