દવાના ભાવ ઘટાડવા મોટી ૧૯ કંપનીઓને ટ્રમ્પની તાકીદથી ફાર્મા અને હેલ્થકૅર સેક્ટરમાં ફફડાટ : આઇટી, મેટલ, ઑઇલ-ગૅસ, રિયલ્ટી, ટેક્નૉલૉજી, નિફ્ટી ડિફેન્સ જેવાં સેક્ટોરલ પોણાબેથી બે ટકા ડૂલ : અનિલ અંબાણીને ૧૭૦૦૦ કરોડના લોન ફ્રૉડ કેસમાં EDના સમન્સ, શૅર ગગડ્યા
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- તગડા રિઝલ્ટમાં શેલે હોટેલ્સ ૧૦૮૦ના શિખરે જઈ સવાબે ટકા ડાઉન
- ચેન્નઈની ફ્લાય એસબીએસના ઇશ્યુમાં પ્રીમિયમ ઊછળીને ૧૯૫ રૂપિયે
- માર્કેટકૅપની રીતે રોકાણકારોના ૫.૨૧ લાખ કરોડ રૂપિયા સાફ
મીડિયાની હેડલાઇન્સમાં નરેન્દ્ર મોદીની જગ્યા આજકાલ ડોનલ્ડ ટ્રમ્પે બથાવી પાડી છે. ભારત પર ૨૫ ટકાની ટૅરિફ પ્લસ પેનલ્ટી નાખ્યા પછી ટ્રમ્પે ૬૧ દેશોને આવરી લેતા ટૅરિફની યાદી જાહેર કરી છે એમાં આ માણસનો ભારત માટેનો પ્રેમ કચકચાવીને દેખાઈ રહ્યો છે. એશિયાની વાત કરીએ તો જપાન, થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેટનામ, અફઘાનિસ્તાન, તાઇવાન, બંગલાદેશ, શ્રીલંકા, કમ્બોડિયા, ફિલિપીન્સ, સાઉથ કોરિયા પરની ટૅરિફ ૧૫થી ૨૦ ટકા છે. ઈવન પાકિસ્તાન પર ૧૯ ટકા જકાત નખાઈ છે. એકમાત્ર ભારત ૨૫ ટકા ડ્યુટી ભરશે અને એમાંય પેનલ્ટી-ક્લોઝ ભારત સિવાય કોઈ માટે નથી. ટ્રમ્પના વિજય માટે કરાયેલાં હોમ-હવન અને પૂજા-પાઠ ભારતને અવળાં પડ્યાં છે. દરમ્યાન પેનલ્ટીની ધમકીને પગલે દેશની સરકારી તેલ કંપનીઓએ રશિયન ઑઇલની આયાત અટકાવી દીધી હોવાના અહેવાલ છે. જો એ સાચા હોય તો સારા નથી. ચાલો, આપણે કોની સાથે વેપાર કરવો અને કોની સાથે નહીં કરવો એય ટ્રમ્પ નક્કી કરશે? દરમ્યાન ટ્રમ્પે પેનલ્ટી ૧૦૦ ટકા સુધીની હશે એવો નિર્દેશ હાલમાં આપ્યો છે. વધુમાં વિશ્વની અગ્રણી ૧૯ કંપનીઓને દવાના ભાવ ઘટાડવાની તાકીદ કરતી લેખિત જાણ કરી હોવાના ૫ણ અહેવાલ છે. ટૅરિફની ઊથપાથલમાં વિશ્વનાં તમામ અગ્રણી બજારોએ ઑગસ્ટનો આરંભ નરમાઈથી કર્યો છે. ઇન્ડોનેશિયા અડધો ટકો સુધર્યું હતું એ સિવાય તમામ એશિયન બજાર ઘટ્યાં છે. સાઉથ કોરિયા ૪ ટકા, થાઇલૅન્ડ પોણાબે ટકા, હૉન્ગકૉગ ૧.૪ ટકા, જપાન-સિંગાપોર અને તાઇવાન અડધો ટકો ડાઉન હતા. લંડન ફુત્સી રનિંગમાં અડધા ટકાથી વધુ માઇનસ હતો. અન્યત્ર દોઢથી બે ટકાની ખરાબી જોવા મળી છે. બિટકૉઇન રનિંગમાં ૧૧૫૨૨૪ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૭૧ ડૉલર ઉપર હતું.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૧૧ પૉઇન્ટની નરમાઈમાં ૮૧૦૭૪ ખૂલી ૫૮૬ પૉઇન્ટ ઘટી ૮૦૬૦૦ નીચે તથા નિફ્ટી ૨૦૩ પૉઇન્ટ બગડી ૨૪૫૬૩ શુક્રવારે બંધ થયો છે. લગભગ મિડલ ફિંગર જેવી પૅટર્નમાં શૅરઆંક ઉપરમાં ૮૧૩૧૭ અને નીચામાં ૮૦૪૯૫ દેખાયો હતો. મેઇન બેન્ચમાર્કના પોણા ટકા જેવા ઘટાડા સામે બ્રૉડર માર્કેટ એક ટકો, મિડકૅપ-સ્મૉલકૅપ દોઢેક ટકા, ટેલિકૉમ ૨.૪ ટકા, આઇટી ૧.૮ ટકા, મેટલ ૧.૯ ટકા, ઑઇલ-ગૅસ ૧.૯ ટકા, યુટિલિટીઝ ૧.૩ ટકા, રિયલ્ટી ૧.૮ ટકા, ટેક્નૉલૉજી ૧.૮ ટકા, ઑટો એક ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૧ ટકો, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૨.૧ ટકા સાફ થયા છે. નિફ્ટી ફાર્મા ૩.૩ ટકા અને હેલ્થકૅર ઇન્ડેક્સ અઢી ટકા ડૂલ થયો છે. એકમાત્ર FMCG બેન્ચમાર્ક ૦.૪ ટકાની આગેકૂચમાં સામા પ્રવાહે રહ્યો છે. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૭૪૫ શૅર સામે ૨૧૭૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૫.૨૧ લાખ કરોડ ધોવાઈને ૪૪૪.૫૨ લાખ કરોડ રહ્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૮૬૩ પૉઇન્ટ કે ૧.૧ ટકા તથા નિફ્ટી ૧.૧ ટકા કે ૨૭૨ પૉઇન્ટ ઘટ્યો છે.
ADVERTISEMENT
TCSમાં ૫૬ મહિનાનો નીચો ભાવ, સનફાર્મા ટૉપ લૂઝર
તાતાની ટ્રેન્ટનાં પરિણામ ૬ ઑગસ્ટે છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપરમાં ૫૨૭૪ બતાવી સવાત્રણ ટકા વધી ૫૧૮૨ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, નેસ્લે સવા ટકો, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૨ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા, આઇશર એક ટકો પ્લસ હતો. ITC પરિણામ પૂર્વે ૧.૧ ટકા વધી ૪૧૬ હતો. સનફાર્માનો નફો ૨૦ ટકા ઘટીને આવતાં શૅર સાડાચાર ગણા વૉલ્યુમે નીચામાં ૧૬૦૮ થઈ સાડાચાર ટકા બગડી ૧૬૩૦ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ ચારેક ટકા, સિપ્લા ૩.૩ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ ૩.૩ ટકા, તાતા સ્ટીલ ત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૬ ટકા, SBI લાઇફ અઢી ટકા, અપોલો હૉસ્પિટલ્સ બે ટકા, અદાણી પોર્ટ્સ ૧.૯ ટકા, HDFC લાઇફ ૧.૮ ટકા, JSW સ્ટીલ બે ટકા, ONGC ૧.૮ ટકા, હિન્દાલ્કો દોઢ ટકો, કોલ ઇન્ડિયા એક ટકો, તાતા મોટર્સ ૨.૬ ટકા, મારુતિ સુઝુકી ૨.૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૧.૬ ટકા, ભારતી ઍરટેલ ૧.૭ ટકા, મહિન્દ્ર ૧.૪ ટકા, લાર્સન સવા ટકો ખરડાઈ છે.
ઇન્ફોસિસ અઢી ટકા ગગડી ૧૪૭૦ બંધમાં બજારને સર્વાધિક ૧૧૫ પૉઇન્ટ નડી છે. TCS ૩૦૦૦ના નવા મલ્ટિયર તળિયે જઈ ૧.૧ ટકા ઘટી ૩૦૦૩ હતી. વિપ્રો સવાબે ટકા, HCL ટેક્નો એક ટકો, ટેક મહિન્દ્ર પોણાબે ટકા, લાટિમ ૧.૮ ટકા કપાઈ હતી. રિલાયન્સ પરચૂરણ સુધારામાં ૧૩૯૩ રહી છે. જિયો ફાઇનૅન્સ ૩૨૯ના લેવલે ફ્લૅટ હતી. ICICI બૅન્ક ૦.૭ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૯ ટકા, HDFC ૦.૩ ટકા, ઍક્સિસ બૅન્ક અડધો ટકો તથા સ્ટેટ બૅન્ક સાધારણ નરમ હતી.
અદાણી પાવરનો નફો સાડાતેર ટકા ઘટીને ૩૩૮૫ કરોડ થયો છે. કંપનીએ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કર્યું છે. શૅર ૩.૫ ટકાની ખરાબીમાં ૫૬૭ બંધ હતો. એસીસી ૦.૩ ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણાત્રણ ટકા તથા સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ૨.૧ ટકા અપ હતી. એ સિવાય અદાણીના બાકીના ૭ શૅર માઇનસ હતા. ૧૭૦૦૦ કરોડના ફ્રૉડ કેસમાં કોર્ટે અનિલ અંબાણીને સમન બજાવ્યા છે. રિલાયન્સ પાવર તથા રિલાયન્સ ઇન્ફ્રા પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ હતા.
MDના રાજીનામા પાછળ PNB હાઉસિંગમાં ૪૬૩૪ કરોડ સાફ
સ્કિપર લિમિટેડે અગાઉના ૩૨ કરોડ સામે ૪૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. કંપનીએ ઓવરસીઝ બિઝનેસ માટે અલગ સબસિડિયરી રચવાની જાહેરાત કરી છે. શૅર ૫૩ ગણા કામકાજમાં ૫૪૮ થઈ ૬.૫ ટકાના ઉછાળે ૫૧૭ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. સરકારની ૯૯ ટકા માલિકીની KIOCL (અગાઉની કુદ્રમુખ આયર્નઓર) ઉપરમાં ૩૭૪ વટાવી ૧૩.૭ ટકાના જમ્પમાં ૩૬૨ રહી છે. નેટવર્ક૧૮ પાંચ ગણા કામકાજે ૬૧ નજીક જઈ ૩.૭ ટકાની મજબૂતીમાં ૫૭ હતી. પીએનબી હાઉસિંગના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને CEOએ અણધાર્યું રાજીનામું આપી દેતાં શૅર ૪૦ ગણા વૉલ્યુમે નીચામાં ૮૦૩ બતાવી ૧૮ ટકા કે ૧૭૮ રૂપિયા ગગડીને ૮૦૮ બંધ આવ્યો છે. નબળા પરિણામને પગલે સ્ટ્રાઇડ ફાર્મા ઘટાડાની હૅટ ટ્રિકમાં નીચામાં ૮૧૭ થઈ ૪.૨ ટકા ખરડાઈ ૮૩૭ હતી. ન્યુલૅન્ડ લૅબની આવક ૩૩ ટકા ઘટી છે. સામે નેટ નફો ૮૫.૮ ટકા ગગડી ૧૩૯૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૧૨૨૩૬ થઈ ત્રણ ટકા કે ૩૮૪ રૂપિયા ઘટીને ૧૨૮૮૬ બંધ હતો. IIFL ફાઇનૅન્સનો નફો ૩૩૮ કરોડથી ઘટી ૨૭૪ કરોડ આવતાં શૅર બીજા દિવસની ખરાબીમાં સવાદસ ટકા બગડી ૪૨૭ બંધ હતો. ઝુઆરી ઍગ્રો તેજીની હૅટટ્રિકમાં ૫૫ ટકા ઊછળી ૭ વર્ષની ટોચે ગયા પછી પ્રૉફિટ બુકિંગમાં ગઈ કાલે ૯.૨ ટકા ખરડાઈ ૩૦૭ રહી છે.
પૉલિસી બાઝારે ૪૧ ટકાના વધારામાં ૮૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપરમાં ૧૮૨૯ થઈ ૧.૮ ટકા ઘટી ૧૭૮૦ હતો. નેટવેબ ટેક્નૉલૉજીઝનો નફો બેવડાઈને ૩૦ કરોડ આવતાં શૅર ૨૬ ગણા કામકાજે ૨૨૯૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી પાંચ ટકા કે ૧૦૧ રૂપિયા ઊછળી ૨૧૩૪ બંધ થયો છે. કંપની બેના શૅરદીઠ ૫૦૦ના ભાવે જુલાઈ ૨૦૨૩માં ૬૩૧ કરોડનો IPO લાવી હતી. ૨૦૨૪ની ૧૭ ડિસેમ્બરે ભાવ ૩૦૬૦ના શિખરે ગયો હતો. સ્વિગીની આવક ૫૪ ટકા વધવાની સાથે ચોખ્ખી ખોટ પણ લગભગ બેવડાઈને ૧૧૯૭ કરોડ પર પહોંચી છે. શૅર નીચામાં ૩૮૬ થઈ ૨.૯ ટકા ઘટી ૩૯૨ હતો. સિમ્ફનીનો નફો ૫૨ ટકા ગગડી ૪૨ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૦૭૨ થઈ ૨.૮ ટકા ઘટી ૧૦૮૩ રહ્યો છે.
મોબીક્વિકની નેટલૉસ ૬૬૦ લાખથી વધી ૪૧૯૦ લાખ થતાં શૅર નીચામાં ૨૩૩ થઈ ૪.૬ ટકા તૂટી ૨૩૪ હતો. શેલે હોટેલ્સની આવક ૧૪૮ ટકા વધી છે. નફો ૬૦ કરોડ હતો એ વધીને ૨૦૩ કરોડ વટાવી ગયો છે. શૅર ૭૦ ગણા કામકાજે ૧૦૮૦ની વિક્રમી સપાટી નોંધાવી સવાબે ટકાની પીછેહઠમાં ૮૮૯ રહ્યો છે. થર્મેક્સની આવક દોઢ ટકો ઘટી છે, પણ માર્જિન વધતાં નફો ૩૧ ટકા વધી ૧૫૨ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૩૯૫૧ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૩૭૬૨ બતાવીને ચાર ટકા ગગડી ૩૭૮૦ બંધ આવ્યો છે.
શુક્રવારે ૬ ભરણાં પૂરાં થયાં, સોમવારે ૬ નવાં ભરણાં ખૂલશે
વિદાય લેતા સપ્તાહે કુલ ૧૪ મૂડીભરણાં આવ્યાં. એની સામે આગામી સપ્તાહે ૮ ઇશ્યુ આજની તારીખે નક્કી છે. એમાંથી સોમવારના દિવસે જ એકસાથે ૬ SME IPO ખૂલવાના છે. આ યાદીમાં ઇન્દોરની ભડોરા ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૧૦૩ના ભાવે ૫૫૬૨ લાખનો NSE SME ઇશ્યુ, બરોડાની પાર્થ ઇલેક્ટ્રિકલ્સ ઍન્ડ એન્જિનિયરિંગનો શૅરદીઠ ૧૭૦ના ભાવનો ૪૯૭૨ લાખનો NSE SME ઇશ્યુ, નવી મુંબઈની જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટનો શૅરદીઠ ૬૬ના ભાવે ૩૫૪૪ લાખનો NSE SME ઇશ્યુ, મધ્ય પ્રદેશના દેવાસની આરાધ્ય ડિસ્પોઝેબલ ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૧૧૬ના ભાવનો ૪૫૧૦ લાખનો NSE SME ઇશ્યુ, કલકત્તાની બીએલટી લૉજિસ્ટિક્સનો શૅરદીઠ ૭૫ના ભાવનો ૯૭૨ લાખનો નાનકડો BSE SME ઇશ્યુ તથા કલકત્તાની અન્ય કંપની એસેક્સ મરીનનો શૅરદીઠ ૫૪ના ભાવે ૨૩૦૧ લાખનો BSE SME IPO સામેલ છે. હાલની તારીખે જ્યોતિ ગ્લોબલમાં ૧૨ રૂપિયા પ્રીમિયમ છે.
ચેન્નઈની ફ્લાય એસબીએસ એવિયેશનનો ૧૦ના શૅરદીઠ ૨૨૫ની અપર બૅન્ડવાળો ૧૦૨૫૩ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૩.૨ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૧૯૫ છે. આ ઉપરાંત કુલ ૬ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. હાઈ-પ્રોફાઇલ NSDLનો બેના શૅરદીઠ ૮૦૦ના ભાવનો ૪૦૧૧ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ ૪૨ ગણા, શ્રી લોટસ ડેવલપર્સનો એકના શૅરદીઠ ૧૫૦ના ભાવનો ૭૯૨ કરોડ રૂપિયાનો ઇશ્યુ કુલ ૭૫ ગણો તથા અમદાવાદી એમએન્ડબી એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૩૮૫ના ભાવનો ૬૫૦ કરોડનો ઇશ્યુ કુલ ૩૮ ગણો પ્રતિસાદ મેળવીને પૂરો થયો છે. હાલમાં NSDLમાં ગ્રેમાર્કેટ ખાતે ૧૩૫ રૂપિયા, શ્રી લોટસમાં ૪૧ રૂપિયા તથા એમઍન્ડબી એન્જિનિયરિંગમાં ૫૫ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. જ્યારે SME કંપની મહેલુ કલર્સનો ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૦૫૬ લાખનો ઇશ્યુ કુલ આઠ ગણા, બીડી ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૪૩૦૩ લાખનો ઇશ્યુ ૧.૯ ગણો તેમ જ ટેકયોન નેટવર્ક્સનો શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૯૪૪ લાખનો ઇશ્યુ કુલ ૨૧.૮ ગણો ભરાઈને પૂરો થયો છે. ત્રણમાંથી એકેયમાં ગ્રેમાર્કેટમાં સોદા નથી.
SME સેગમેન્ટમાં કૅશ યૉર ડ્રાઇવનો શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૫૭૪૨ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૮ ગણો તથા રેનોલ પૉલિકેમનો શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૨૪૨૦ લાખનો ઇશ્યુ કુલ બે ગણો ભરાયો છે. હાલ કૅશ યૉર ડ્રાઇવમાં ૨૧ અને રેનોલમાં ૧૮ પ્રીમિયમ બોલાય છે.
શાંતિ ગોલ્ડ અને પટેલ કેમમાં એકંદર ધારણા મુજબ લિસ્ટિંગ
ગઈ કાલે ૪ IPO લિસ્ટેડ થયા છે. મેઇન બોર્ડમાં મરોલની શાંતિ ગોલ્ડ ઇન્ટરનૅશનલ ૧૦ના શૅરદીઠ ૧૯૯ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૪ના પ્રીમિયમ સામે ૨૨૯ ખૂલી નીચામાં ૨૨૭ અને ઉપરમાં ૨૩૮ બતાવી ૨૨૯ બંધ થતાં ૧૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં અમદાવાદી પટેલ કેમ સ્પેશ્યલિટીઝ શૅરદીઠ ૭૪ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૭ના પ્રીમિયમ સામે ૧૧૦ ખૂલી ઉપરમાં ૧૧૪ અને નીચામાં ૧૦૪ બતાવી ૧૦૪ બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મહારાષ્ટ્રના કરાડની વેરહાઉસસિંગ કોલ્ડ સ્ટોરેજ કંપની શ્રી રેફ્રિજરેશન્સ બેના શૅરદીઠ ૧૨૫ની ઇસ્યુ પ્રાઇસ અને ૭૦ના પ્રીમિયમ સામે કમજોર લિસ્ટિંગમાં ૧૭૦ નીચે ખૂલી ૧૬૧ થઈ ઉપરમાં ૧૭૮ થયા બાદ ૧૭૫ બંધ રહેતાં એમાં ૪૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈની સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૮૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગગડીને છેલ્લે પાંચ થઈ ગયેલા પ્રીમિયમ સામે ૯૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૪ વટાવી ત્યાં બંધ થતાં એમાં ૧૩.૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે. સોમવારે SME કંપની ઉમિયા મોબાઇલ તથા રિપોનો લિમિટેડનું લિસ્ટિંગ છે. હાલ રિપોનોમાં ૨૧ રૂપિયા પ્રીમિયમ ચાલે છે, જ્યારે ઉમિયા મોબાઇલમાં ઇશ્યુ પૂરો થયા બાદ જે ૪ રૂપિયા પ્રીમિયમ શરૂ થયું હતું એ હાલ ટકેલું છે. મંગળવારે આદિત્ય ઇન્ફોટેક, લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ તથા કીટેક્સ ફૅબ્રિક્સ લિસ્ટેડ થશે. આદિત્યમાં ૨૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી હાલ ૩૨૦ તો કીટેક્સમાં ૨૧થી શરૂ થયેલુ પ્રીમિયમ અત્યારે ૪૦ બોલાય છે, પણ લક્ષ્મી ઇન્ડિયામાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ ઘસાતું રહીને હાલમાં દોઢ રૂપિયો સંભળાય છે.

