બૉલીવુડ-ટેલીવુડના બૅન્કિંગમાં આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સ એકના શૅરદીઠ ૧૫૦ના ભાવે આજે ૭૯૨ કરોડનો ઇશ્યુ લાવશે, ગ્રે માર્કેટમાં ૪૦નું પ્રીમિયમ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૉલીવુડ-ટેલીવુડના બૅન્કિંગમાં આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સ એકના શૅરદીઠ ૧૫૦ના ભાવે આજે ૭૯૨ કરોડનો ઇશ્યુ લાવશે, ગ્રે માર્કેટમાં ૪૦નું પ્રીમિયમ : પુણેની મોનાર્ક સર્વેયર્સનું ધારણા કરતાં નબળું લિસ્ટિંગ, શૅરદીઠ ૧૫૦નો લિસ્ટિંગ ગેઇન : પારાદીપ ફૉસ્ફેટ, ઝુઆરી ઍગ્રો, મૅન્ગલોર કેમિકલ્સ, તિસ્ટા ઍગ્રો જેવા ખાતર શૅર ડલ માર્કેટમાં જોરમાં : ટૉરન્ટ ફાર્મા બુલિશવ્યુમાં નવા શિખરે, પરિણામ પૂર્વે જેબી કેમિકલ્સ મજબૂત : પરિણામ પૂર્વે વૉલ્યુમ સાથે લાર્સન સવાબે ટકા વધ્યો : અનિલ ગ્રુપના શૅરમાં બૂરાઈ અટકી
થાઇલૅન્ડ અને સાઉથ કોરિયાના પોણાથી એક ટકાના સુધારા અને જપાન તથા તાઇવાનના એકાદ ટકાના ઘટાડા વચ્ચે એશિયન બજારો મંગળવારે મિશ્ર વલણમાં હતાં. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી સામાન્ય સુધારે તો અન્ય માર્કેટ પોણાથી એક ટકો પ્લસ દેખાયાં છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૫૩૨ પૉઇન્ટની ખરાબીમાં ૧૩૭૮૪૭ ચાલતું હતું. બિટકૉઇને ૧.૧૮ લાખથી ૧.૨૦ લાખ ડૉલરની વચ્ચે ઉપર-નીચે થવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. રનિંગમાં એ પોણો ટકો સુધરી ૧૧૮૯૨૦ ડૉલર દેખાયો હતો. અમેરિકા-યુરોપ વચ્ચે બહુધા ૧૫ ટકાના ટૅરિફ સાથેની ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાની કવાયત જોરમાં છે. ટ્રમ્પ હવે ભારતનો નંબર ક્યારે લગાડે છે એની ખાસ રાહ જોવાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડૉલર નજીક ટકેલું છે.
ADVERTISEMENT
ચાઇનાના કેસમાં ૯૦ દિવસનો ટૅરિફ વિરામ બીજા ૯૦ દિવસ લંબાવીને ટ્રમ્પે હાલ તો નિરાંતનો માહોલ પેદા કર્યો છે. જોકે કાલનું કશું કહેવાય નહીં, આ તો ટ્રમ્પ છે ભાઈ, ગમે ત્યારે કૂકરી ગાંડી થઈ શકે છે.
ઘરઆંગણે નરમાઈની હૅટ ટ્રિકમાં ૧૯૩૫ પૉઇન્ટની કુલ ખરાબી બાદ સેન્સેક્સ ગઈ કાલે ૪૪૭ પૉઇન્ટ વધીને ૮૧૩૩૮ તથા નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ સુધરીને ૨૪૮૨૧ બંધ થયો છે. બજાર આગલા બંધથી ૨૭૧ પૉઇન્ટ નરમ, ૮૦૬૨૦ ખૂલી નીચામાં ૮૦૫૭૫ અને ઉપરમાં ૮૧૪૩૦ થયું હતું. બીજું સત્ર એકંદર ક્રમશઃ સુધારાનું હતું. બન્ને બજારના લગભગ તમામ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં હતા. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો, ટેલિકૉમ દોઢ ટકો, મેટલ ૦.૯ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૪ ટકા પ્લસ હતા. ઑઇલ-ગૅસ, પાવર-યુટિલિટીઝ, ઑટો-કૅપિટલ ગુડ્સ જેવાં સેક્ટોરલ અડધાથી એક ટકો સુધર્યાં છે. ડિફેન્સ બેન્ચમાર્ક ૦.૪ ટકા ઢીલો હતો.
માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. NSEમાં વધેલા ૧૯૩૪ શૅરની સામે ૧૦૨૫ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૫૭ લાખ કરોડ વધીને ૪૫૧.૪૪ લાખ કરોડ થયું છે. પ્રાઇમરી માર્કેટમાં મેઇન બોર્ડ ખાતે મુંબઈની શાંતિ ગોલ્ડ ઇન્ટરનૅશનલનો ૧૦ના શૅરદીઠ ૧૯૯ના ભાવનો ૩૬૦ કરોડનો ઇશ્યુ કુલ ૮૧ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ચાલે છે. SME કંપની શ્રી રેફ્રિજરેશનનો શૅરદીઠ ૧૨૫ના ભાવનો ૧૧૧ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ ૧૮૭ ગણા, સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૮૩ના ભાવનો ૨૮૭૬ લાખનો ઇશ્યુ કુલ ૩૫ ગણો તથા પટેલ કેમ સ્પેશ્યલિટીઝનો શૅરદીઠ ૮૪ના ભાવનો ૫૫૮૩ લાખનો ઇશ્યુ કુલ ૧૬૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલમાં શ્રી રેફ્રિજરેશન્સમાં ૮૫નું, સેલોરેપમાં ૧૪નું અને પટેલ કેમમાં ૩૫નું પ્રીમિયમ ગ્રેમાર્કેટ ખાતે બોલાય છે.
પુણેની મોનાર્ક સર્વેયર્સનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૮૮૫૮ લાખનો BSE SME ઇશ્યુ સારી ફૅન્સીમાં હોવાથી ગ્રેમાર્કેટ ખાતે ૨૧૦નું પ્રીમિયમ ચાલતું હતું. ગઈ કાલે ભાવ ૪૨૧ ખૂલી ઉપરમાં ૪૩૫ થઈ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૪૦૦ થઈ ત્યાં જ બંધ થતાં એમાં ૬૦ ટકા કે શૅરદીઠ ૧૫૦ રૂપિયા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે બુધવારે ઇન્ડિક્યુબ, GNG ઇલેક્ટ્રૉનિક્સ તથા TSC ઇન્ડિયાનું લિસ્ટિંગ છે. હાલમાં GNGમાં ૯૦ રૂપિયા, TSCમાં ૮ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.
અદાણી પાવરે શુક્રવારે પરિણામની સાથે શૅરવિભાજન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. શૅર ૫૯૫ નજીક જઈ ૩.૯ ટકા વધી ૫૯૨ બંધ રહ્યો છે. ED અને CBIના દરોડાના પગલે ખરાબીની હૅટ ટ્રિક બાદ ગઈ કાલે અનિલ ગ્રુપની રિલાયન્સ પાવર ૪.૩ ટકા તથા રિલાયન્સ ઇન્ફ્રા ૪.૫ ટકા વધીને બંધ હતી.
છેવટે TCSમાં નવા બૉટમની સફર શરૂ, ભાવ ૩૩ મહિનાના તળિયે
ઇન્ડસઇન્ડ બૅન્ક દ્વારા જૂન ક્વૉર્ટરમાં કોન્સોલિટેડ ધોરણે ૭૨ ટકાના ગાબડામાં ૬૦૪ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. બૅન્કનું ધિરાણ અને થાપણ ઘટ્યાં છે. NPA વધી છે. કૅપિટલ એડિક્વસી રેશિયો નીચે ગયો છે. માર્ચ ક્વૉર્ટરમાં ડેરિવેટિવ્સના ગોટાળાને કારણે બૅન્કે ૨૨૩૬ કરોડની ઐતિહાસિક નેટ લૉસ કરી હતી. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તથા નેટ નફામાં જૂન ક્વૉર્ટરમાં જે ઘટાડો થયો છે એ બજારની એકંદર ધારણા કરતાં ઓછો છે એ એક આશ્વાસન કહી શકાય. શૅર ગઈ કાલે ચારેક ગણા કામકાજમાં ઉપરમાં ૮૧૮ વટાવી અંતે દોઢ ટકો સુધરી ૮૧૪ બંધ આવ્યો છે. કોટક બૅન્ક પરિણામ પાછળ આગલા દિવસના સાડાસાત ટકાના ધબડકા બાદ મંગળવારે નીચામાં ૧૯૫૩ બતાવી નહીંવત્ સુધારામાં ૧૯૬૯ હતી. ઍક્સિસ બૅન્ક અડધો ટકો ઘટી છે. HDFC બૅન્ક પોણો ટકો પ્લસ, તો ICICI બૅન્ક નજીવી ઘટી છે. SBI સામાન્ય સુધારામાં ૭૯૯ હતી.
TCS ૧૨,૨૬૦ કર્મચારીની છટણીના પ્લાનમાં ૩૦૪૧ની ૩૩ મહિનાની નીચી સપાટી બનાવી પોણો ટકો ઘટી ૩૦૫૬ રહી છે. વિપ્રો પોણો ટકો પ્લસ, લાટિમ નહીંવત્ નરમ હતી. ઇન્ફી પણ નજીવી ઘટી છે. ટેક મહિન્દ્ર અને HCL ટેક્નો અડધો ટકો સુધારામાં હતી. એશિયન પેઇન્ટ્સનો નફો ૬ ટકા ઘટી ૧૧૦૦ કરોડ થયો છે. શૅર ૧.૮ ટકા વધી ૨૪૦૨ થયો છે. નિફ્ટી અને જિયો ફાઇનૅન્સ સાડાચાર ટકા ઊંચકાઈ ૩૨૧ બંધમાં મોખરે હતી. રિલાયન્સ તાજેતરની ખરાબી બાદ ૨.૨ ટકાના બાઉન્સ બૅકમાં ૧૪૧૮ બંધ આપી સેન્સેક્સને ૧૭૬ પૉઇન્ટ ફળી છે. લાર્સન પરિણામ પૂર્વે ૧૨ ગણા કામકાજે ૨.૧ ટકા વધીને ૩૪૯૫ બંધ આવી છે. તાતા મોટર્સ દોઢ ટકો, અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા, આઇશર ૧.૬ ટકા, કોલ ઇન્ડિયા ૧.૪ ટકા, મારુતિ સવા ટકો, ભારતી ઍરટેલ એક ટકો, તાતા સ્ટીલ સવા ટકો, અપોલો હૉસ્પિટલ ૧.૪ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ એક ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકા નજીક વધી છે.
NSDLનો ઇશ્યુ રોકાણકારોને CDSL જેટલો ફળશે?
આજે બુધવારે મેઇન બોર્ડમાં ૩ ભરણાં છે જેમાં હાઈ-પ્રોફાઇલ NSDL બેના શૅરદીઠ ૮૦૦ની અપર બૅન્ડમાં કુલ ૪૦૧૧ કરોડ રૂપિયાથી વધુનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કરવાની છે. ગ્રેમાર્કેટ ખાતે ૧૫૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૧૬૭ થયા બાદ હાલમાં ૧૩૨ બોલાય છે. કંપનીએ ગયા વર્ષે ૧૫૩૫ કરોડની આવક પર ૩૪૩ કરોડ નફો કરી શૅરદીઠ ૧૭.૧૬ની EPS મેળવી છે. IPOના પગલે અનલિસ્ટેડ માર્કેટમાં શૅરના સોદા બંધ કરી દેવાયા ત્યારે છેલ્લો ભાવ ૧૦૨૫ ક્વોટ થયો હતો. એની હરીફ CDSLનો શૅર ગઈ કાલે એક ટકો સુધરીને ૧૫૪૦ બંધ થયો છે. ગયા વર્ષે એણે ૧૦૮૨ કરોડની આવક પર ૫૨૪ કરોડ જેવો નેટ નફો કરી ૨૫.૨ની શૅરદીઠ કમાણી મેળવી છે. એણે જુલાઈ ૨૦૨૪માં શૅરદીઠ એકનું બોનસ આપ્યું છે. CDSL જૂન ૨૦૧૭માં ૧૦ના શૅરદીઠ ૧૪૯ના ભાવે ૫૨૪ કરોડ રૂપિયાનો ઇશ્યુ લાવી હતી જે ૧૭૦ ગણો છલકાયો હતો. ૨૦૧૭ની ૩૦ જૂને લિસ્ટિંગમાં ભાવ ઉપરમાં ૨૭૦ થઈ ૭૪ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં શૅર ૨૬૧ ઉપર બંધ રહ્યો હતો. NSDLનો ઇશ્યુ CDSL જેટલો રોકાણકારોને લાભદાયી નીવડશે કે નહીં એ શંકા છે. જુહુની શ્રી લોટસ ડેવલપર્સ એકના શૅરદીઠ ૧૫૦ની અપર બૅન્ડમાં ૭૯૨ કરોડનું ભરણું આજે કરવાની છે. ગ્રેમાર્કેટમાં ૫૧થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૪૦ છે. કંપનીએ ગયા વર્ષે ૨૨ ટકાના વધારામાં ૫૬૯ કરોડની આવક પર ૯૧ ટકાના વૃદ્ધિદરથી ૨૨૮ કરોડ નેટ નફો બતાવી દીધો છે. પ્રમોટર આનંદ પંડિત બૉલીવુડ અને ટીવી-જગતની જાણીતી વ્યક્તિ છે. મોશન પિક્ચર્સ તેમનું પ્રોડક્શન-હાઉસ છે. શાહરુખ, બિગબી, હૃતિક રોશન, એકતા કપૂર ઇત્યાદિ સહિત ઘણી બધી જાણીતી હસ્તીએ પ્રાઇવેટ પ્લેસમેન્ટમાં શૅર લીધા હોવાનું કહેવાય છે. ત્રીજી કંપની અમદાવાદની એમઍન્ડબી એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૩૮૫ની અપર બૅન્ડમાં ૬૫૦ કરોડનો ઇશ્યુ કરશે. એમાંથી ૩૭૫ કરોડ રૂપિયા OFS પેટે સીધા પ્રમોટર્સ પટેલ પરિવારના ઘરમાં જશે. કંપનીએ ગયા વર્ષે ૨૩ ટકાના વધારામાં ૯૯૭ કરોડની આવક પર ૬૯ ટકા વૃદ્ધિદરથી ૭૭૦૫ લાખ નેટ નફો બતાવ્યો છે. ભરણામાં QIB પોર્શન ૭૫ ટકા તથા રીટેલ પોર્શન ૧૦ ટકા રાખવાની ફરજ પડી છે. ગ્રેમાર્કેટમાં ૬૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલમાં ૩૪ ચાલે છે.
મેઇન બોર્ડનાં ત્રણ ઉપરાંત SME સેગમેન્ટમાં પણ ત્રણ ભરણાં આજે ખૂલવાનાં છે. ગોવંડી-વેસ્ટની બીડી ઇન્ડસ્ટ્રીઝ પુણે લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૦૮ની અપર બૅન્ડમાં ૪૫૩૬ લાખનો BSE SME ઇશ્યુ, મલાડ-વેસ્ટની મેહુલ કલર્સ ૧૦ના શૅરદીઠ ૭૨ની અપર બૅન્ડમાં ૨૧૬૬ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ તથા ઉત્તર પ્રદેશના લખનઉની ટેકયૉન નેટવર્ક્સ ૧૦ના શૅરદીઠ ૫૪ની અપર બૅન્ડમાં ૨૦૪૮ લાખનો BSE SME ઇશ્યુ આજે કરશે. ગ્રેમાર્કેટમાં હજી કોઈના સોદા શરૂ થયા નથી.
ગૉડફ્રે ફિલિપ્સમાં મેઇડન બોનસ માટે ૪ ઑગસ્ટે બોર્ડ-મીટિંગ
ટૉરન્ટ ફાર્માનો નફો ૨૦ ટકા વધીને આવતાં બ્રોકરેજ હાઉસ સિટી ગ્રુપે ૪૩૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર નવ ગણા કામકાજે ૩૭૮૪ના શિખરે જઈ ૪.૨ ટકા કે ૧૫૩ રૂપિયા વધી ૩૭૭૮ બંધ થયો છે. ગૉડફ્રે ફિલિપ્સ દ્વારા ૪ ઑગસ્ટની બોર્ડ-મીટિંગમાં પરિણામ સાથે બોનસનો એજન્ડા સામેલ કરવામાં આવતાં શૅર ઉપરમાં ૮૯૮૮ થઈ ૩ ટકા કે ૨૫૬ રૂપિયા વધીને ૮૯૪૪ રહ્યો છે. પીએનસી ઇન્ફ્રાટેકને ૨૯૫૭ કરોડનો ઑર્ડર મળ્યાના અહેવાલે ભાવ ઉપરમાં ૩૨૨ થઈ ૬.૮ ટકા વધીને ૩૧૮ હતો. ટૉરન્ટ ફાર્માનું જેમાં ટેકઓવર નક્કી થયું છે એ જેબી કેમિકલ્સ પરિણામની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૮૧૨ બતાવી સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૧૮૦૨ થઈ છે. આઇનૉક્સ વિન્ડ એક્સરાઇટ થતાં એક ટકો સુધરીને ૧૫૬ હતી. શૅરદીઠ સાત બોનસમાં એક્સ-બોનસ તથા બે દિવસ ૫-૫ ટકાની ઉપલી સર્કિટે બંધ થયેલી મુંબઈની શાઇન ફૅશન્સ ગઈ કાલે ૬૬ના બેસ્ટ લેવલે જઈ પાંચ ટકાની નીચલી સર્કિટે ૬૦ થઈ ત્યાં જ રહી છે.
પારાદીપ ફૉસ્ફેટસનો નફો ૫૩૦ લાખથી ૪૭૨૬ ટકા ઊછળીને ૨૫૫૮૦ લાખ રૂપિયા આવતાં શૅર બીજા દિવસે ડબલ ડિજિટની તેજીમાં ૨૩૪ના બેસ્ટ લેવલે જઈ સાડાઆઠ ટકા ઊંચકાઈ ૨૧૬ બંધ હતો. પરિણામની ખરાબી આગળ વધારતાં પારસ ડિફેન્સ પાંચમા દિવસે ગગડી ૬૬૦ થઈ ૪.૪ ટકા બગડી ૬૭૩ બંધ થયો છે. ઝુઆરી ઍગ્રોનાં પરિણામ ૩૧મીએ છે. શૅર ૨૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૫૧ થઈ ૧૩.૪ ટકાના જમ્પમાં ૨૪૮ રહ્યા છે. અન્ય ખાતર કંપની મૅન્ગલોર કેમિકલ્સે ૪૦.૪ ટકાના વૃદ્ધિદરમાં ૬૧૬૩ લાખ ચોખ્ખો નફો કરતાં ભાવ ૩૬૫ની નવી ટૉપ બતાવી સાડાનવ ટકાના ઉછાળે ૩૫૪ જોવા મળ્યો છે. તિસ્ટા ઍગ્રોનાં રિઝલ્ટ ૩૧મીએ છે એ પણ ૧૬૪ની નવી ઊંચી સપાટી નોંધાવી સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૧૪૯ થઈ છે. એરિસ ઍગ્રો બમણા કામકાજે ઉપરમાં ૪૦૩ બનાવી ૨.૮ ટકા ઊંચકાઈને ૩૮૦ હતી.
ઇન્ફોબીન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે નવી ટોચે
માઝગાવ ડૉકનો ત્રિમાસિક નફો ૩૫ ટકા ઘટી ૪૫૨ કરોડ થયો છે. સામે આવક ૧૧.૪ ટકા વધી ૨૬૨૫ કરોડ રહી છે. શૅર મંગળવારે નીચામાં ૨૬૪૫ થઈ અઢી ટકાના ઘટાડે ૨૭૨૦ રહ્યો છે. પિયર ગ્રુપમાં કોચીન શિપયાર્ડ પોણો ટકો પ્લસ તથા ગાર્ડન રીચ પણ પોણો ટકો સુધરીને બંધ હતી. ગાર્ડન રીચનાં રિઝલ્ટ ૮ ઑગસ્ટે છે. રેલટેલ કૉર્પોરેશનની આવક ૩૩ ટકા તથા નફો ૩૫.૮ ટકા વધી ૬૬ કરોડ થયો છે. માર્જિન ૧૮.૫ ટકા હતું એ ઘટીને ૧૫.૬ ટકા જોવા મળ્યું છે. શૅર સવા ટકો સુધરી ૩૮૪ બંધ આવ્યો છે.
ગો ડિજિટ જનરલ ઇન્શ્યૉરન્સે ૩૬.૫ ટકાના વૃદ્ધિદરથી ૧૩૮ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. શૅર ૪.૭ ટકાની તેજીમાં ૩૬૦ બંધ થયો છે. LICનાં રિઝલ્ટ ૭ ઑગસ્ટે આવશે. ભાવ પોણો ટકો વધી ૮૯૮ હતો. સાંઘી ઇન્ડસ્ટ્રીઝની આવક ૧૦ ટકા વધી ૨૪૫ કરોડ થઈ છે. કંપનીની નેટ લૉસ ૮૮ કરોડથી ઘટી ૭૫ કરોડ રહી છે. શૅર પોણો ટકો વધીને ૬૮ હતો. સરકારી કંપની NTPC ગ્રીને ૫૯ ટકાના વૃદ્ધિદરથી ૨૨૧ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર એક ટકાની નરમાઈમાં ૧૦૬ થયો છે. ગેઇલ ઇન્ડિયાએ ૮ ટકાના ઘટાડામાં ૧૮૮૬ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. બજારની ધારણા એકંદર ૨૦૪૯ કરોડના નફાની હતી. શૅર દોઢ ટકો વધીને ગઈ કાલે ૧૮૩ રહ્યો છે.
વારિ એનર્જીઝે જૂન ક્વૉર્ટરમાં ૨૯.૮ ટકાના વધારામાં ૪૪૨૬ કરોડની આવક પર ૮૯ ટકાના વૃદ્ધિદરથી ૭૪૫ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. માર્જિન સવાસોળ ટકાથી વધી ૨૨.૫ ટકા નોંધાયું છે. શૅર ૩૨૯૧ વટાવી અંતે બે ટકા સુધરીને ૩૧૭૩ થયો છે. અરવિંદ ફૅશન્સે કુલ ૯૬૨ કરોડની સામે ૧૧૨૨ કરોડની ત્રિમાસિક આવક પર ૧૪ કરોડની સામે ૨૫ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. શૅર ૫૬૨ વટાવી આઠ ટકા ઊછળી ૫૪૦ થયો છે. ઇન્ફોબીન્સ ૬૨૫ની નવી ટોચે જઈ ૧૦ ટકા વધીને ત્યાં જ રહ્યો છે.

