સંતોના મુખેથી ભગવાનની કથા સાંભળીએ ત્યારે ભગવાનની કથામાં અનુરાગ થાય અને એ બિલકુલ સત્ય વાત છે
પ્રતીકાત્મક તસવીર
સૂર્ય એટલે વિશ્વનો આત્મા. હા, આપણા વેદોમાં સૂર્યને વિશ્વનો આત્મા કહ્યો છે. કૈકેયીએ કડવાં વેણ કહીને શ્રીરામને વનવાસ આપ્યો, પણ શ્રીરામે શું કર્યું હતું? તેમણે કૈકેયીને હૈયે લગાડ્યાં. ૧૪ વર્ષના વનવાસ બાદ ભગવાન રામ પાછા અયોધ્યા આવ્યા તો સૌથી મહત્ત્વની વાત એ છે કે જીવનમાં સતત સાતત્ય રાખવાનું છે. સાતત્ય સે શ્રદ્ધા નહીં હૈ તો બન જાએગી, ભગવાન રામ મેં અનુરાગ નહીં હૈ તો બન જાએગા. એટલા માટે જ જ્યારે શબરીને ભગવાન રામે નવધા ભક્તિનો ઉપદેશ કર્યો ત્યારે કથાને બીજી ભક્તિ કહી.
પ્રથમ ભક્તિ સંતન કર સંગા
ADVERTISEMENT
દુસરી રતિ મમ કથા પ્રસંગા
સંતોના મુખેથી ભગવાનની કથા સાંભળીએ ત્યારે ભગવાનની કથામાં અનુરાગ થાય અને એ બિલકુલ સત્ય વાત છે. કેટલીયે વાર ઘરમાં રામાયણનું પુસ્તક પડ્યું હોય અને અમે ઘરે પધરામણી કરીએ ત્યારે લોકો પ્રેમથી મંદિરમાં લઈ જાય અને ત્યાં દીવડો પ્રગટાવે અને દેખાડે કે ‘અમારા ઘરમાં રામાયણ, ભાગવત રહે છે. અમારા બાપા વાંચતા.’
બાપા વાંચતા એ બરાબર, પણ તેં ખોલ્યું નથી એનું શું?
ક્યારેક કોઈક જગ્યાએ કથા ચાલતી હોય અને માણસ ત્યાં પહોંચી જાય. ભલે વહેવાર નિભાવવા માટે પણ આવે અને કોઈ મહાપુરુષના મુખેથી કથા કાનમાં પડી જાય. તો કથા પ્રત્યે અનુરાગ થશે. અરે! ક્યારેક કોઈ કૅસેટ સાંભળી લે, ટીવીમાં જોઈ લે એનાથી માણસના જીવનની દિશા બદલાઈ જાય છે અને એવા તો કંઈકેટલાય દાખલાઓ છે.
સાધુ-સંતો બોલતા હોય છે કે જીવનની લંકામાંથી કોઈક વિભીષણ જાગી જાય અને રામના શરણમાં પહોંચી જાય. આવા ભાવથી સાધુ-સંતો રામગુણ ગાન કરતા હોય છે. એટલે તો મહાપુરુષો કહે છેને કે ‘અમારે તો ધૂળધોયાનો ધંધો છે.’
આ ધૂળધોયા એટલે આખો દિવસ મહેનત કરે અને સોનીબજારમાં ધૂળ ધોતા જાય. મહિને-દોઢ મહિને એકાદ વાર એવું બને કે કંઈક મળી જાય. એમ હજારો માણસમાંથી એકાદ-બે જાગી જાય તો બોલ્યું સફળ. એવું થાય છે અને થઈ રહ્યું છે એ હકીકત છે.
દુસરી રતિ મમ કથા પ્રસંગા
રતિ કોને કહે? દિવસે-દિવસે જે પ્રેમ વધતો જાય એને રતિ કહે. સાંભળતાં-સાંભળતાં તૃપ્તિનો અનુભવ કરે અને પછી પૂર્ણાહુતિ થાય એમાં એમ કહે કે હજી અમારી પ્યાસ બુઝાઈ નથી. એક પ્યાસ લઈને ઊભા થઈએ, અતૃપ્તિનો અહેસાસ લઈને ઊભા થઈએ એ જ તો કથાની સફળતા છે.
ભાગવતમાં પણ શૌનકાદિ ઋષિ વક્તા સુતજીને કહે છે કે ‘ભગવાન કી મંગલમય કથા સુનકે હમ તૃપ્ત નહીં હોતે.’
ભગવાનની કથામાં રતિ એ બીજી ભક્તિ છે. એ રતિ કોણ કરાવે? સંતોના માધ્યમથી જ ભગવાનની કથામાં પ્રેમ થાય. કહેવાનો અર્થ એ કે સત્સંગના સાતત્યથી જ શ્રદ્ધાનું નિર્માણ થશે અને સંત અને સદ્ગુરુનો સાથ હશે તો જીવન સ્વર્ગ બનશે.
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

