Mumbai Local Train Updates: બુધવારે સવારે કર્જત જતી લાઇન પર બદલાપુર અને વાંગણી સ્ટેશનો વચ્ચે રેલ તિરાડ પડતા ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી; જોકે પ્રશાસને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી
તસવીર સૌજન્યઃ મિડ-ડે
આજે વહેલી સવારે બદલાપુર (Badlapur) અને વાંગણી (Vangani) સ્ટેશનો વચ્ચે રેલ તિરાડ પડવાને કારણે બદલાપુરથી આગળની ટ્રેન સેવાઓ ખોરવાઈ (Mumbai Local Train Updates) હતી. જોકે, પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા હતા અને રેલવે ફ્રેક્ચરની ક્ષતિ દુર કરી હતી. બાદમાં લોકલ ટ્રેનો ફરી દોડતી થઈ હતી. આજે સવારે લગભગ દોઢ કલાક ટ્રેન સેવાઓને અસર થઈ હતી.
બુધવારે સવારે કર્જત (Karjat) જતી લાઇન પર બદલાપુર અને વાંગણી સ્ટેશનો વચ્ચે રેલ તિરાડ પડવાને કારણે બદલાપુરથી આગળની ટ્રેન સેવાઓ ભારે ખોરવાઈ ગઈ હતી. સવારે ૭.૦૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને કારણે ઉપનગરીય, મેલ/એક્સપ્રેસ અને માલગાડીઓના સંચાલન પર અસર પડી હતી, જેના કારણે વ્યાપક વિલંબ થયો હતો.
ADVERTISEMENT
રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ‘૭૪/૨૪ કિલોમીટરના અંતરે રેલ તિરાડ જોવા મળી હતી અને ત્યારબાદ તરત જ પુનઃસ્થાપનના પ્રયાસો શરૂ થયા હતા.’ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સવારે ૭.૦૦ વાગ્યાથી, ડાઉન (કર્જત જતી) ટ્રેનોને થોડી મિનિટો માટે રોકી રાખવામાં આવી હતી અને ત્યારબાદ પુનઃસ્થાપન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.’
કર્જત તરફ જતી ઘણી લોકલ ટ્રેનોને બદલાપુર ખાતે ટૂંકા ગાળા માટે રોકી દેવામાં આવી હતી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus - CSMT) તરફ પાછી મોકલી દેવામાં આવી હતી, જેના કારણે પહેલાથી જ ભારણવાળા ઉપનગરીય નેટવર્ક પર વધુ ભીડ અને વિલંબ થયો હતો. લાંબા અંતરની સેવાઓ પણ ખોરવાઈ હતી.
પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે, સવારે ૮:૩૬ વાગ્યા સુધીમાં લાઇન સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, અને ત્યારથી સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. અધિકારીએ માહિતી આપી હતી કે, ‘બદલાપુર અને કર્જત વચ્ચેની ટ્રેન સેવાઓ સરળતાથી શરૂ થઈ ગઈ છે. એક લોકલ ટ્રેન સવારે ૮:૩૬ વાગ્યે બદલાપુર રેલ્વે સ્ટેશનથી કર્જત તરફ રવાના થઈ છે.’
જોકે, આ વિક્ષેપને કારણે સવારના ભીડના સમયે કર્જત તરફ જતા મુસાફરોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડ્યો. આ વિક્ષેપને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર, ખાસ કરીને એક્સ (X) અને લોકપ્રિય કમ્યુટર એપ, એમ-ઇન્ડિકેટર (m-Indicator) પર ફરિયાદોનો દોર શરૂ થયો. તેના ચેટ વિભાગમાં કામ પર મોડા પહોંચેલા ફસાયેલા મુસાફરો તરફથી હતાશાભર્યા સંદેશાઓનો પ્રવાહ જોવા મળ્યો, જેમાં ઘણા લોકોએ અધિકારીઓ તરફથી સમયસર સંદેશાવ્યવહારના અભાવે અસંતોષ વ્યક્ત કર્યો. તિરાડ પડેલા ટ્રેકના દ્રશ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ ગયા હતા, જેનાથી નિયમિત ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
સેન્ટ્રલ રેલવે (Central Railway)ના અધિકારીઓએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી, સમસ્યાની પુષ્ટિ કરી અને મુસાફરોને તાત્કાલિક સમારકામનું ખાતરી આપી. ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, મુંબઈ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર (કોચિંગ) એ જણાવ્યું હતું કે, ‘ટ્રેનને બદલાપુર-વાંગણી સેક્શનમાં ટ્રેક સંબંધિત સમસ્યાને કારણે વિલંબ થયો હતો જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે, ટ્રેક હવે સુરક્ષિત છે, અને ટ્રેન અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે. વધુ વિલંબ ઓછો કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ.’

