Mumbai Fire: ઘાટકોપર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી, જોકે જાનહાનિ થઈ નહોતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે બપોરે મુંબઈ (Mumbai)માં આગ લાગવા (Mumbai Fire)ની વધુ એક ઘટના બની છે. ઘાટકોપર (Ghatkopar)માં રેલવે સ્ટેશન પાસે આવેલી એક દુકાનમાં આગ લાગી હતી. જોકે, સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બુધવારે બપોરે ઘાટકોપર રેલવે સ્ટેશન નજીક એક બર્ગરની દુકાનમાં નાની આગ લાગી હતી. આ ઘટના બપોરે ૧૨.૫૨ વાગ્યાની આસપાસ શ્રદ્ધાનંદ રોડ (Shraddhanand Road) પર હિન્દુસભા હોસ્પિટલ (Hindusabha Hospital) નજીક બની હતી.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)એ તાત્કાલિક એલર્ટનો જવાબ આપ્યો અને એક ફાયર એન્જિન સ્થળ પર મોકલ્યું. બપોરે ૧.૧૭ વાગ્યા સુધીમાં આગ ઓલવાઈ ગઈ હતી અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો.
આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ગોરેગાંવમાં લાગી હતી આગ
મંગળવારે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવ (Goregaon)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (Western Express Highway) પર નેસ્કો ગેટ (NESCO Gate)ની સામે આવેલ મહાનંદા ડેરી (Mahanand Dairy)માં એમોનિયા ગેસ લીક થયો હતો અને આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર કોલ્ડ સ્ટોરેજ યુનિટમાં એક જ સિલિન્ડરમાંથી ગેસ લીક થવાની ઘટના બની હતી. આ ગેસ લીક થવાને કારણે તેની અસર લગભગ ૫૦૦ ચોરસ ફૂટ વિસ્તાર સુધી જોવા મળી હતી. જોકે, માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આખો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, પરિસ્થિતિ થોડાક જ સમયમાં નિયંત્રણમાં આવી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડોમ્બિવલીમાં MIDCમાં લાગી હતી આગ
ડોમ્બિવલી (Dombivli)માં MIDCમાં આવેલી ગાર્મેન્ટ ફૅક્ટરીમાં ગત બુધવારે ૨૩ જુલાઈએ બપોરે આગ લાગી હતી. માનપાડા પોલીસ-સ્ટેશનની પાછળ આવેલી એરોસોલ ગાર્મેન્ટ ફૅક્ટરીમાં બપોરે ૧૨.૩૦ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે એનો ધુમાડો અમુક કિલોમીટર સુધી દેખાતો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી એમ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર દીપક નિકમે જણાવ્યું હતું. સાંજ સુધીમાં આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ચર્ચગેટ સ્ટેશન પર લાગી હતી આગ
૧૭ જુલાઈએ ગુરુવારે સવારે ૮.૧૦ વાગ્યે ચર્ચગેટ (Churchgate) સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર ૧ તરફની લૉબીમાં આવેલા આઇસક્રીમના એક સ્ટૉલ પર આગ લાગી હતી. દરમ્યાન ત્યાં હાજર ટ્રેન-મૅનેજર એમ. એસ. જોશીએ સતર્કતા વાપરીને આગ ઓલવવા માટેના ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવી નાખી હતી. એને લીધે આગ વધુ ફેલાઈ નહોતી અને મુસાફરોના જીવનું જોખમ ટળ્યું હતું. પ્રાથમિક ધોરણે આ આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાયું હતું. ચર્ચગેટ સ્ટેશન પર બે મહિનાથી પણ ઓછા સમયમાં ફરી આગ લાગવાનો બનાવ બન્યો છે એટલે રેલવે પ્રશાસને સાવચેતીનાં યોગ્ય પગલાં લેવાં જોઈએ એવી માગણી મુસાફરોએ કરી હતી.

