Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનને મળવા માટે દિલ્હીનું ઘર છોડીને ભાગ્યા ત્રણ બાળકો, નાસિકમાં હેમખેમ મળ્યા

સલમાન ખાનને મળવા માટે દિલ્હીનું ઘર છોડીને ભાગ્યા ત્રણ બાળકો, નાસિકમાં હેમખેમ મળ્યા

Published : 30 July, 2025 02:01 PM | Modified : 31 July, 2025 06:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મળવા ત્રણ સગીર ફેન્સ દિલ્હીથી ભાગી ગયા; જોકે ચાર દિવસ પછી નાસિકમાં સુરક્ષિત મળી આવ્યા; બાળકોએ ગેમિંગ એપ પર મળેલા શખ્સ સાથે બનાવ્યો હતો ‘ભાઈજાન’ને મળવાનો પ્લાન

સલમાન ખાનની ફાઇલ તસવીર

સલમાન ખાનની ફાઇલ તસવીર


બોલિવૂડ (Bollywood)ના પોતાના મનગમતા સ્ટાર્સને મળવાનું સપનું અને ઉત્સાહ દરેક ફેન્સને હોય છે. ઘણીવાર આ ઉત્સાહ ગાંડપણમાં ફેરવાઈ જતો હોય છે અને તેઓ ન ભરવાનું પગલું ભરી બેસે છે. આવું જ કંઈક રાજધાની દિલ્હી (Delhi)ના ત્રણ બાળકોએ કર્યું. ત્રણ સગીર બાળકો ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાન (Salman Khan)ને મળવા માટે મુંબઈ (Mumbai) આવવા ભાગી ગયા હતા. જોકે, ચાર દિવસ પછી તેઓ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક (Nashik)માં સલામત મળી આવ્યા હતા.


૨૫ જુલાઈના રોજ દિલ્હીથી ગુમ થયેલા ત્રણ સગીર છોકરાઓ મંગળવારે મહારાષ્ટ્રના નાસિકના એક રેલવે સ્ટેશન પર સુરક્ષિત મળી આવ્યા હતા. પોલીસ (Police)એ જણાવ્યું હતું કે, બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મળવાની આશામાં ઘરેથી મુંબઈ જવા નીકળ્યાના ચાર દિવસ પછી આ બાળકો મળી આવ્યા હતા. ૧૩, ૧૧ અને ૯ વર્ષના આ ત્રણેયે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા મહારાષ્ટ્રના જાલના (Jalna)ના વાહિદ નામના વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. પોલીસે માહિતી આપી કે, વાહિદે બાળકો સામે દાવો કર્યો કે તે સ્ટાર (સલમાન ખાન)ને એક વાર મળ્યા છે અને તે લોકોની ભાઈજાન સાથે મુલાકાત કરાવી શકે છે. આ જાણ્યા પછી બાળકોએ તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું.



કોઈને પણ જાણ કર્યા વિના, ત્રણ બાળકો ૨૫ જુલાઈના રોજ જાલના જવા રવાના થયા અને તેમણે મુંબઈ જઈને અભિનેતા સલમાન ખાનને મળવાનું આયોજન કર્યું. જોકે, જ્યારે વાહિદને ખબર પડી કે બાળકોના પરિવારો અને પોલીસ તેમને શોધી રહી છે, ત્યારે તેણે બાળકો સાથે મિટિંગ કરવાની ના પાડી દીધી હતી. એટલે છોકરાઓએ પોતાનો પ્લાન બદલી નાખ્યો અને નાસિકના એક રેલવે સ્ટેશન પર ઉતર્યા, જ્યાં પોલીસને તેઓ મળી આવ્યા હોવાની માહિતી પોલીસે આપી.


ત્રણેય સગીરો રાષ્ટ્રીય રાજધાનીના સદર બજાર (Sadar Bazar) વિસ્તારમાં એક જ શાળામાં અભ્યાસ કરે છે.

શરૂઆતની તપાસ દરમિયાન પોલીસને ગુમ થયેલા બાળકોમાંના એકના ઘરેથી હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી છે. જેમાં જાલનાના વાહિદ નામના વ્યક્તિને મળવાનો તેમનો ઇરાદો દર્શાવવામાં આવ્યો હતો. તેમના ઘરો નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજમાં છોકરાઓ અજમેરી ગેટ (Ajmeri Gate) તરફ આગળ વધતા દેખાતા હતા, જે સૂચવે છે કે તેઓ નવી દિલ્હી રેલવે સ્ટેશન (New Delhi Railway Station)થી ટ્રેનમાં ચઢ્યા હશે. ટ્રેન રૂટનું વિશ્લેષણ કર્યા પછી, પોલીસને શંકા ગઈ કે છોકરાઓ મહારાષ્ટ્ર જતી સચખંડ એક્સપ્રેસ (Sachkhand Express)માં ચઢ્યા હતા.


તે જ સમયે, દિલ્હી પોલીસ (Delhi Police)એ રેલવે પોલીસ (Railway Police) અને જાલનાના તેમના સમકક્ષો સાથે સંકલન કર્યું, અને અનેક સંભવિત સ્થળોએ ટીમો મોકલી. જાલનામાં વાહિદના નિવાસસ્થાનની તપાસમાં કોઈ કડી મળી ન હતી. જોકે, એક છોકરાના ફોન પર થયેલી ટૂંકી ગતિવિધિઓથી પોલીસને નાસિકમાં તેમનું સ્થાન શોધવામાં મદદ મળી.

દિલ્હી પોલીસે રેલવે પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ચાર દિવસ પછી, મંગળવારે, ત્રણેય બાળકો નાસિકના એક રેલવે સ્ટેશન પર સુરક્ષિત મળી આવ્યા. પોલીસે બાળકોને પોતાની સુરક્ષામાં લીધા અને તેમને દિલ્હી પાછા મોકલવાની તૈયારી શરૂ કરી. ત્રણેય બાળકો એકદમ સ્વસ્થ છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK