Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કચ્છની ધરતી પર ઊઠેલા સ્વાસ્થ્યસમસ્યાના અનેક ફૂંફાડા સામે ઉકેલના બે જ શબ્દ:થઈ જશે

કચ્છની ધરતી પર ઊઠેલા સ્વાસ્થ્યસમસ્યાના અનેક ફૂંફાડા સામે ઉકેલના બે જ શબ્દ:થઈ જશે

Published : 27 March, 2026 11:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉપરના બે શબ્દો વાંચીને તરત મનમાં સવાલ ઊઠે, પણ શું થઈ જશે? તો ચાલો તમને કહી દઉં કે આ તો એક પુસ્તકનું શીર્ષક છે. છેલ્લા બે દિવસથી આ પુસ્તક સાથે રહી અને સમજાયું કે આ તો એક જાંબાઝ ઇન્સાનના હોઠે વસેલો એક સ્થાયી જવાબ છે.

લીલાધર માણેક ગડા

PoV

લીલાધર માણેક ગડા


થઈ જશે.
ઉપરના બે શબ્દો વાંચીને તરત મનમાં સવાલ ઊઠે, પણ શું થઈ જશે? તો ચાલો તમને કહી દઉં કે આ તો એક પુસ્તકનું શીર્ષક છે. છેલ્લા બે દિવસથી આ પુસ્તક સાથે રહી અને સમજાયું કે આ તો એક જાંબાઝ ઇન્સાનના હોઠે વસેલો એક સ્થાયી જવાબ છે. ૮૮ વર્ષના આ જણ એટલે કચ્છની ધીંગી ધરાનું એક ધરખમ વ્યક્તિત્વ નામે લીલાધર માણેક ગડા. પણ તેમને બધા ઓળખે ‘અધા’ તરીકે. 

આ ‘અધા’ની ઓળખ તેમને કેવી રીતે મળી? ૧૯૭૨માં લીલાધર ગડાએ પોતે જ લખેલા એક નાટકમાં અધા (બાપુજી)ની ભૂમિકા ભજવી હતી. ત્યારથી લોકો તેમને અધા તરીકે જ ઓળખવા લાગ્યા. રંગભૂમિના મંચ પરથી મળેલી ઓળખને અધાએ હજારો લોકોની અસીમ કરુણાથી અનન્ય સેવા કરીને જિંદગીના રંગમંચ પર પણ સાકાર કરી છે.



બાવન વર્ષથી સમાજસેવાનો ધૂણો ધખાવીને દોડતા આ ઓલિયાએ કચ્છની ધરતી પર ઊઠેલા સ્વાસ્થ્યસમસ્યાના અનેક ફૂંફાડા સામે ઉકેલનું એક જ બીન બજાવ્યું છે : ‘થઈ જશે’. અને ખરેખર, કચ્છના વસાહતીઓના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો હોય; અધાએ એ બધાના ઉકેલ આણ્યા છે. અધાને સમસ્યા દેખાય ત્યારે અધા એના સ્થાયી ઉકેલનો જ વિચાર કરે, યોજના ઘડે. એ પહેલાં એ બીમારી વિશે ઊંડો અભ્યાસ કરી લે. તેમના જેવા જ ઉદારદિલ અને ઉત્સાહી સાથીઓ અધાના સેવાયજ્ઞોમાં જોડાઈ જાય. અને અશક્ય લાગતા પડકારો પાર પડી જાય. 
છેલ્લા પાંચ દાયકાથી કચ્છના અનેક વિસ્તારોમાં મેડિકલ કૅમ્પ્સના આયોજન કરીને આંખોની, હાડકાંની, કિડનીની સમસ્યાથી પીડાતા દરદીઓ કે હૃદયરોગના અને સ્ત્રી-રોગોના દરદીઓને સાજા કર્યા છે. પોલિયોનાબૂદી કે મલેરિયામુક્તિ જેવાં અભિયાનો સફળતાથી યોજ્યાં છે. જે દરદીઓને સર્જરી અને વધુ સારવારની જરૂર હોય તેમને મહાનગર મુંબઈમાં કે.ઈ.એમ. જેવી હૉસ્પિટલમાં સારામાં સારા ડૉક્ટર્સ અને સર્જ્યન્સ પાસેથી સારવાર મળી છે અને તેમને મુંબઈ લઈ જવાથી માંડીને સાજા થયા પછી પાછા ફરવા સુધ્ધાંની તમામ વ્યવસ્થા અધા જેની સાથે સંકળાયેલા છે એવા કચ્છના સેવાભાવી સર્વોદય ટ્રસ્ટ અને સાથી દાતાઓ તેમ જ સ્વયંસેવકોએ સંભાળી લીધી છે. 


અતિવૃષ્ટિ, દુકાળ કે ભૂકંપ જેવી કુદરતી હોનારતોમાં પણ અધા અને તેમની ટીમોએ જે ઝડપથી આપત્તિગ્રસ્તોને સહાય કરીને થાળે પાડ્યા છે એ વાતો વાંચતાં દંગ રહી જવાય છે: ડિસેમ્બર ૨૦૦૦માં કચ્છના બિદડા અને ભોજાયના મેડિકલ કૅમ્પ્સ પતાવી ૨૦૦૧ની ચોવીસમી જાન્યુઆરીએ અધા પોતાનાં વ્હીલચૅર-બાઉન્ડ પત્ની (બાઈને અસાધ્ય બીમારી હતી) સાથે ઍમ્બ્યુલન્સમાં મુંબઈ પાછા ફર્યા હતા. ૨૬ જાન્યુઆરીની સવારે એક મિત્રની ઑફિસમાં બધા ભેગા થયા હતા. ત્યાં ૧૦.૪૫ વાગ્યે સૅટેલાઇટ ફોન પર કચ્છથી બાબુભાઈ મેઘજી શાહનો સંદેશ મળ્યો કે કચ્છમાં ધરતીકંપથી પારાવાર નુકસાન થયું છે, લીલાધરભાઈ-અધાને સમાચાર આપો કે ડૉક્ટરોની ટીમ અને દવાઓ સાથે તરત જ કચ્છ માટે રવાના થાઓ. પંદરમી મિનિટથી અધાના કૉલ ચાલુ થઈ ગયા. સાંજે પાંચ વાગ્યે ડૉક્ટરો, પૅરામેડિકોઝ, સમાજના આગેવાનો, દાતાઓ, સ્વયંસેવકો બધાએ માટુંગા બોર્ડિંગમાં મળવાનું નક્કી થયું. અને એ મીટિંગમાં પાંચસોથી વધુ લોકો પહોંચી ગયા હતા. ડૉક્ટરો અને સ્વયંસેવકો સાથે મળીને અધાએ ‘ઑપરેશન રિલીફ પ્લાન’ ઘડ્યો. ધરતીકંપમાં સૌથી વધારે હાડકાંના દરદી હોવાના એટલે ઑર્થોપેડિક ડૉક્ટરો પાસેથી જરૂરી દવા, પ્લાસ્ટર ઇત્યાદિનું લિસ્ટ તૈયાર કરાવ્યું. MBBS ડૉક્ટરોએ વૉર્ડની દવાઓ તથા જરૂરી સામાન્ય દવાઓનું લિસ્ટ બનાવ્યું. મુંબઈના એરિયા અનુસાર સ્વયંસેવકોની ટુકડી બનાવી પોતાને ફાળવાયેલા એરિયાની મેડિકલ દુકાનો ખોલાવી જરૂરી દવાઓનો જેટલો જથ્થો મળે એ લઈને રાત સુધીમાં પાર્લામાં એક નક્કી કરેલા સ્થાને પહોંચાડાયો. સ્વયંસેવકોની મદદથી સોથી વધુ કાર્ટનમાં પૅક કરેલી બેથી અઢી ટન જેટલી દવાઓ રાત્રે બે વાર ઍરપોર્ટ પહોંચી ગઈ. ઍરપોર્ટ ઑથોરિટી સાથે સંકલન કરનાર ભાઈએ બીજા દિવસે પરોઢે ચાર વાગ્યા સુધીમાં ભુજ જવા રવાના થનારા પહેલા વિમાનમાં એ દવાનો જથ્થો ચડાવી દીધો. 

આ દરમિયાન વેકેશન માણવા ગયેલા ડૉક્ટરો રજા ટૂંકાવીને પાછા આવી ગયા હતા અને એ જ દિવસે એટલે કે ૨૭ જાન્યુઆરી ૨૦૦૧ની સવારે ૭ વાગ્યે ૮૬ ડૉક્ટરો, નર્સો, વૉલન્ટિયર્સ અને અન્ય કાર્યકરોનો કાફલો મુંબઈ ઍરપોર્ટ પર જમા થઈ ગયો હતો. અધાએ તેમને બે વાત કહી: મિત્રો તમામ તકલીફો, અડચણો વચ્ચે કોઈ પણ કામ તમારે ફાળે આવે ત્યારે મક્કમ મને તમારે કહેવાનું છે: ‘થઈ વેંધો, થઈ જશે, હો જાએગા.’


ફ્લાઇટનું જામનગરમાં ચાર કલાકનું રોકાણ હતું. એ દરમિયાન ડૉક્ટર કે. ડી. શાહ., ડૉ. તરલ નાગડા, ડૉ. અમૃત વોરાએ ‘ઑપરેશન રિલીફ’ની ફૉર્મ્યુલા ઘડી કાઢી. પહેલી ટીમ બિદડા અને બીજી ભોજાયમાં કાર્ય કરશે એવું આયોજન થઈ ગયું. બન્ને જગ્યાએ ઑપરેશન માટેની જરૂરી સુવિધાઓ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો. સાંજે ચાર વાગ્યે ભુજ ઍરપોર્ટ પર ટીમે જ પોતાનો સામાન ઉતાર્યો કેમ કે કોઈ પણ મજૂર હાજર નહોતો.

એ સાંજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી ૬ બસ ભરીને ઘાયલ દરદીઓને બિદડા ટ્રસ્ટની હૉસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરી અધા સાડાપાંચે બિદડા પહોંચી ગયા અને ૭ વાગ્યે ડૉ. કે. ડી. શાહે ઑપરેશન થિયેટરનું સંચાલન સંભાળી લીધું. ડૉ. અમૃત વોરાએ વૉર્ડની અને ડૉ. તરલ નાગડાએ ઑપરેશન થિયેટર તથા વૉર્ડ વચ્ચેના સંકલનની જવાબદારી ઉપાડી લીધી. આમ બિદડાનું કામ શરૂ કરાવી અધા ભોજાય ગયા અને ત્યાંની હૉસ્પિટલમાં બીજા દિવસથી ઑપરેશન્સ શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવી અડધી રાત્રે બિદડા પાછા ફર્યા. બીજા દિવસથી, ૨૮ જાન્યુઆરીથી બન્ને હૉસ્પિટલોમાં દરદીઓની સારવાર અને સર્જરી શરૂ થઈ ગઈ હતી.

૨૮ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી સુધી અધાનો દિવસ સવારે ૩.૪૫ શરૂ થઈ જતો તે રાત્રે સાડાબાર-એક વાગ્યે પથારીભેગા થતા.

અકલ્પનીય હિંમત, ખંત, મહેનત, આયોજનશક્તિ, નેટવર્કિંગ અને સંપૂર્ણ નિષ્ઠા; આ બધાં ભેગાં થાય ત્યારે આશ્ચર્યજનક સફળતા જ હાથ લાગેને. અધાના બીજા બધા પ્રોજેક્ટ્સ વિશે પણ વાંચીએ તો એમ જ થાય કે કોઈ પણ મૅનેજમેન્ટ અભ્યાસક્રમમાં કેસ-સ્ટડી તરીકે સ્થાન પામવાની તમામ ક્ષમતા અને સજ્જતા એમાં રહેલી છે. આ નિસ્વાર્થ સેવકના કાર્યને દેશ-વિદેશનાં અનેક સમ્માનોથી નવાજવામાં આવ્યું છે એમાં કોઈ નવાઈ?

પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK