પિતા-પુત્રીના લાગણીસભર સંબંધોની સપ્તરંગી કથા
ઇલસ્ટ્રેશન
મૌન પોતાનામાં જ એક અનોખો સંવાદ છે. વ્યક્ત થવા માટે હંમેશાં શબ્દોની જરૂર નથી પડતી. ઉકેલી શકો તો આંખોની પણ પોતાની એક લિપિ હોય છે.
ઢળતી રાત. હીંચકા પર મેજર રણજિત અને અનિકા ધીમે-ધીમે ઝૂલી રહ્યાં છે.
‘બાબા, તમારા મોબાઇલમાં વૉટ્સઍપ ચૅટ ખુલ્લી છે. ઍપ્લિકેશન બંધ કરો.’
મેજર રણજિતે મોબાઇલ તરફ જોયું. અનિકા સાથેની વૉટ્સઍપ ચૅટ ખુલ્લી હતી. તેમણે તરત મોબાઇલ ઊલટો કર્યો.
‘મારી સાથેની ચૅટમાં તમે વિડિયો ડિલીટ કર્યો બાબા, પણ એ માત્ર તમારી ચૅટમાં જ ડિલીટ થયો. મારી પાસે છે.’
મેજર રણજિતને કોઈ જવાબ સૂઝ્યો નહીં.
‘બાબા, ક્યાંથી જાણી લાવ્યા આ ફિલ્મની વાત?’
રણજિત સાબદા થયા. ફરી એક વાર ખોટું બોલવાનું હતું. તેમણે હિંમત કરી.
‘ગૂગલ કર્યું હતું.’
‘બધા જવાબો ગૂગલમાંથી જ મેળવો છો?’
રણજિતે અનિકાની આંખોમાં જોયું.
‘પ્રયત્ન તો કરું છું!’
હવે નજર ચોરવાનો વારો અનિકાનો હતો, કારણ કે આંખો ભીની થઈ ચૂકી હતી.
થોડી વાર ચુપ્પી તોળાતી રહી. હીંચકાનો લોખંડી કિચૂડાટ સંભળાતો હતો. પવનમાં ઝૂલા પર પથરાયેલી રાતરાણી વેલ અને ફૂલ ડોલી રહ્યાં હતાં. બાપ-દીકરી બન્ને વૃક્ષોની ડાળીઓ અને પાંદડાંમાંથી ચળાતા આકાશ તરફ જોઈ રહ્યાં હતાં.
‘બાબા, અહીં મુંબઈ આવીને તમે શું મિસ કરો છો?’
‘મારા પહાડો પરથી દેખાતું આકાશ.’
‘અને તને અહીં મુંબઈમાં બેઠાં-બેઠાં શું મિસ થાય છે અનિકા?’
રણજિતના આ સવાલથી અનિકા ચમકી. તેણે સ્મિત ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો અને વાતમાં ક્યાંય કડવાશ ન આવે એની પૂરી કાળજી રાખીને તે બોલી, ‘બારીમાં આખ્ખું આકાશ!’
‘મતલબ?’
‘ડલહાઉઝીનું એ બે માળનું લાકડાનું ઘર બાબા. મારા ઓરડાની કાચવાળી મોટી બારી. એ બારીમાં હું આકાશ જોયા કરતી. મને લાગતું કે આમાં દેખાય છે એટલું આકાશ મારું પોતાનું આકાશ છે બાબા. આ બારીમાંથી દેખાતા આકાશમાં જેટલા પણ તારાઓ છે એ મારા તારાઓ છે. એ બધા તારાઓનાં મેં નામ પાડેલાં. વરસાદ વરસતો ત્યારે પહાડોની ખીણમાંથી સૂર્યપ્રકાશમાં મેઘધનુષ્યના સાત રંગોની કમાન આકાશમાં રેલાતી. એ રંગો મેં મારી એ બારીમાંથી જોયા છે, મારી અંદર ઉતાર્યા છે. મને થતું કે મારે જીવનમાં બીજું કશું નથી જોઈતું. મારી પાસે મારી બારી છે, મારું આકાશ છે, મારા રંગો છે. મારું વિશ્વ બારીમાં આખ્ખું આકાશ...’
અનિકાનું ગળું ભરાઈ આવ્યું. મેજરની આંખો ભીની થઈ ગઈ. તે ઊભા થયા અને રસોડામાં ગયા. અનિકાએ પોતાનાં આંસુ લૂછ્યાં અને સ્વસ્થતા કેળવવા લાગી. મેજર રણજિત પાણીનો ગ્લાસ લઈને પાછા આવ્યા. અનિકાએ પાણી પીધું.
‘અનિકા, આપણે બધાં છૂટાં પડ્યાં એ પછી તું ક્યારેય ડલહાઉઝી ગઈ છે?’
‘હા, બે વર્ષ પહેલાં ગઈ હતી.’
‘આપણા ઘરની મુલાકાત લીધી?’
‘ઘર તો ક્યારનુંય તૂટી ગયું છે બાબા.’
મેજર રણજિત અનિકાના આ વાક્યના ભાવાર્થને સમજી રહ્યા હતા.
‘એ ઘરની જગ્યાએ ચાર માળનું ગેસ્ટહાઉસ બન્યું છે બાબા. ઘર વેચી દો પછી ઘર બચતું નથી.’
રણજિતે પોતાની નજરો ઢાળી દીધી.
‘બાબા, હું હિંમત કરીને ગઈ, પણ મને એવું લાગ્યું નહીં કે હું અહીં ક્યારેય રહેતી હતી. બધું બદલાયેલું. રસ્તાઓ, ઊંચાં દેવદાર ચીડનાં વૃક્ષો, લીલ ઓઢેલો ઢાળ, વરસાદ, પાંદડાંમાંથી નીતરતો અજવાશ, ખીણમાંથી ઊઠતાં વાદળો, ધુમ્મસના ઓળા... બધું અજાણ્યું. જે સ્થળકાળને તમે તમારી સ્મૃતિમાં સાચવ્યું હોય એ જગ્યા પર પાછા ફરો અને ત્યાં તમારી જગ્યા જ ન હોય એ કેવું!’
તેનો અવાજ કોરો હતો. એ કોરા અવાજમાં પડઘાતો ખાલીપો મેજર રણજિતની છાતીમાં ઊતરી રહ્યો હતો.
‘એક વાત કહું અનિકા? તું ડલહાઉઝી ગઈ અને આપણા એ ઘરની મુલાકાત લીધી ત્યારે એ જગ્યા તને કેમ અજાણી લાગી ખબર છે?’
અનિકાને રસ પડ્યો કે બાબા પાસે મારી વાતનો કયો જવાબ છે જેની મને આજ સુધી રાહ રહી છે.
‘એ જગ્યા તને અજાણી એટલે લાગી કેમ કે તારી સ્મૃતિમાં રહી છે. એ જગ્યામાં તું હજી પણ સાત વર્ષની છે. સાત વર્ષે ગૂંથાયેલી તારી યાદો, પહાડ, ધુમ્મસ, ઝાડવાં, ઝાકળ, ઢાળ અને આકાશ છોડીને તું આગળ નથી વધી. આ બધું સતત તારી સાથે રહ્યું છે. મુંબઈના આ ઘરમાં પણ તેં તારા હિસ્સાનું ડલહાઉઝી, તારી સ્મૃતિઓ, તારા પહાડ અને તારી એ બારી બધું સાચવીને રાખ્યું છે. આ ઘરના એક-એક ખૂણાને તારા બાળપણની ખબર છે. આ ઘરમાં આવ્યો છું ત્યારથી મને ત્રીસ વર્ષની નહીં, સાત વર્ષની અનિકા મળે છે દરેક ક્ષણે. બેટા, તારી એ બારી ક્યાંય નથી ગઈ. તેં તારી આ બન્ને આંખોમાં બારી રોપી દીધી છે.’
અનિકાના ચહેરા પર પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એવું મોટું સ્મિત ઊગ્યું.
‘બાબા, આજકાલ કોને મળી રહ્યા છો તમે?’
અચાનક પકડાઈ ગયાની ક્ષણ હોય એમ રણજિત વધુ સાવધાન થયા. ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો, જાણે લોહી ઊડી ગયું. અનિકાથી નજર ચોરીને ખોંખારો ખાધો. રખેને આંખોમાં જોઈને અનિકા ક્યાંક ડૉ. આદિત્ય કશ્યપનું નામ વાંચી લે તો?
‘એટલે તું... તું કહેવા શું માગે છે?’
‘એ જ કે તમે આવા ક્યારેય નહોતા.’
‘તો કેવો હતો?’
‘એક્ઝૅક્ટ્લી કેવા હતા એનો જવાબ નથી મારી પાસે, પણ આવા તો બિલકુલ નહોતા. આઇ મીન, આટલો સારો જવાબ મેં તમારી પાસેથી ક્યારેય એક્સ્પેક્ટ નહોતો કર્યો બાબા.’
‘તેં હજી તારા બાબાને સરખી રીતે ઓળખ્યો જ નથી.’
‘હા, ખરી વાત છે, પણ હવે નવેસરથી ઓળખાણ કેળવવી પડશે.’
‘આજે રસોઈ ન બનાવતી. તને ભાવે છે એ પીત્ઝા ઑર્ડર કર. આપણે બન્ને સાથે બેસીને નિરાંતે વાતો કરીએ.’
‘હોલ્ડ ઑન જેન્ટલમૅન. મને આટલા બધા અટેન્શનની ટેવ નથી.’
હળવા સ્મિતની આપ-લે થઈ. અનિકાએ પીત્ઝા ઑર્ડર કર્યો.
‘બાબા, તમે મને કહ્યું કે તમે મુંબઈમાં અહીં બેસીને ધરમશાલાનું આકાશ મિસ કરો છો, કેમ?’
‘કેમ કે એ આકાશમાં એવા અસંખ્ય તારાઓ છે જેમને હજી મારે ઓળખવાના બાકી છે. મારે એ તારાઓનાં નામ શોધવાનાં છે.’
‘જેમ તમે તમારી દીકરીને ઓળખવા અહીં મુંબઈ આવ્યા છો એમ જને!’
રણજિતે જવાબમાં માત્ર સ્મિત કર્યું.
‘અનિકા, ત્યાં પહાડોમાં ધરમશાલા પાસે નડ્ડી ગામમાં રહું છું. સામે નદીની પેલે પાર પહાડોમાં બલ ગામ છે. બહુ ભલી પ્રજા વસે છે પહાડોમાં. સમથળ જમીનની સમજદારીથી આ પહાડીઓ હજારો કિલોમીટર દૂર છે, સારું છે. ત્યાં નદીકાંઠે એક સરસમજાની નાનકડી કૅફે છે, રુદ્રાક્ષ કૅફે. તારા જેવડો જ છોકરો છે માણિક શર્મા. તે આ કૅફે ચલાવે છે. તું વેકેશનમાં આવજે, તને મળાવીશ. મારો શેરા કૂતરો મને બહુ યાદ આવે છે. અત્યારે કૅફેમાં શિઝુકા કૂતરી સાથે બેસીને પહાડી રસ્તાઓ તરફ નજર પાથરીને બેઠો હશે કે હું હમણાં આવીશ અને એને પાછો ઘરે લઈ જઈશ. તને મારો શેરા બહુ ગમશે.’
‘બાબા, એ સુખમાં હું તમને ક્યારેય યાદ નથી આવી?’
‘સાચું કહું કે સારું કહું?’
‘કશું જ ન કહો!’
થોડી વાર બન્ને ચૂપ રહ્યાં. ડોરબેલ વાગી. ડિલિવરી-બૉય પીત્ઝા લઈને આવી ચૂક્યો હતો. બાપ-દીકરી બન્ને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં.
મેજર રણજિત પીત્ઝા સાથે બહુ કમ્ફર્ટેબલ નહોતા એ અનિકા જોઈ શકતી હતી. છતાં એને ગમાડવાનો પ્રયત્ન કરતા હતા.
‘બાબા, તમને પીત્ઝા નથી ભાવતાને?’
‘દુનિયામાં બધું આપણને મનભાવતું અને ફાવતું જ હોય ચારેકોર એવું જરૂરી તો નથીને બેટા.’
‘એટલે તમને અમુક બાબતો ન ગમતી હોય, પણ તમારી નજીકની વ્યક્તિને એ પસંદ હોય તો તમારે પરાણે ગમાડવાનું?’
‘એને જ તો સંબંધ કહેવાય, જે આજ સુધી હું સાચવતાં નથી શીખ્યો.’
અનિકા બાબાના ચહેરાને જોતી રહી જેમાં કશેક પીડા તો કશેક ફરિયાદની કરચલીઓ દેખાતી હતી.
‘બાબા, આ તો જાત સાથે કૉમ્પ્રોમાઇઝ કર્યું ન કહેવાય?’
‘દરેક સંબંધની એક કિંમત હોય છે બેટા, તમારે ચૂકવવી જ પડે છે. કોણે કેટલું આપ્યું અને કોણે કેટલું જતું કર્યું એ હિસાબ-કિતાબથી સંબંધ નથી ટકતો. દરેક સંબંધનો પાયો સમજણથી ટકેલો છે.’
‘વાઉ બાબા, ધિસ ઇઝ સો ન્યુ યુ. ટેલ મી ના? કોની સંગતની અસર છે આ?’
‘મારી દીકરી છે અનિકા. તેની બારીમાં આખ્ખું આકાશ દેખાય છે. જોકે મને આ સમજતાં વાર લાગી છે. હજી સંપૂર્ણ રીતે સમજી ગયો છું એવો દાવો તો નહીં કરું, પણ સમજી રહ્યો છું. મૂળે તો એની જ આ અસર છે.’
અનિકાની આંખો ભરાઈ આવી. તેને થયું કે કાશ અત્યારે ઊભી થઈને સહજ રીતે બાબાને વળગી શકતી હોત.
કાશ, બાબા તેનો હાથ પકડીને પોતાના તરફ વહાલથી ખેંચે અને તે ફરી સાત વર્ષની બની બાબાની છાતી પર આંખો મીંચીને ઊંઘી શકત તો જીવનભરનો થાક ઊતરી જાત.
પણ અનિકા જાણતી હતી કે બાપ અને દીકરી બન્નેમાંથી કોઈ શીખ્યાં નથી... આ ભેટવાનું, પીઠ પસવારવાનું, આંખોનાં આંસુ ગમતા જણની છાતીએ રોપવાનું, વાળ પંપાળવાનું અને કલાકો સુધી ચૂપ રહીને ધબકારા અનુભવવાનું.
આંખો બંધ કરીને આવા દૃશ્યની કલ્પના પણ અનિકાને મુશ્કેલ લાગી છે કાયમ.
જો સમાજની દૃષ્ટિએ હું ‘નૉર્મલ’ નથી તો મારા ઘરમાં કોઈ નૉર્મલ નથી. સંબંધોમાં અને અભિવ્યક્તિમાં બધા અસહજ છે.
અનિકાએ વિચાર્યું કે એ હિસાબે તો જગતમાં એ બધા જ લોકો ‘ઍબ્નૉર્મલ’ છે જેઓ ક્યારેય ખૂલીને પોતાનાં માતા-પિતા કે પસંદગીની વ્યક્તિને ભેટી નથી શકતા, ગાલને કે હથેળીને ચૂમી નથી શકતા, પીઠ પસવારી નથી શકતા, માથાના વાળને સૂંઘી નથી શકતા, હથેળી પર હથેળી મૂકીને ‘તમે મને ગમો છો અને હું આભારી છું!’ એવું કહી નથી શકતા.
સ્ટાફમાં અને આસપાસના જગતમાં પોતાનાં માબાપના ફોનકૉલ્સને સંતાનો જે અભાવથી રિસીવ કરતાં હોય છે એ અનિકાએ જોયું છે. ફોન પર એકદમ બેપરવા અને અકળામણ ભરેલું ‘બોલો શું છે?’ એવું બોલતાં સંતાનોને જોતી ત્યારે-ત્યારે અનિકાને લાગતું કે માત્ર હું નહીં, આખું જગત ‘ઍબ્નૉર્મલ’ છે.
‘અનિકા?’
અચાનક તેના વિચારોનો વંટોળ શાંત થયો. તેને સમજાયું કે બાબા ક્યારના બોલાવી રહ્યા હતા.
‘ક્યાં ખોવાઈ ગઈ?’
‘તમે કશું કહેતા હતા બાબા?’
‘હા.’
‘બોલોને.’
‘મારે સંજનાને મળવું છે.’
‘શું?’
પહેલાં તો તેને થયું કે આ ભ્રમ છે કે ખરેખર બાબાએ સંજનાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
અનિકાને એક જ ક્ષણમાં બાબા અને સંજનાની એ પહેલી મીટિંગ યાદ આવી ગઈ. વરસાદ કરતાં વધુ વરસેલા બાબા. અનિકાએ એક-એક શબ્દ છૂટો પાડીને બાબાને સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું કે
‘બાબા, સંજનાને હું પ્રેમ કરું છું. મુંબઈમાં તે એક જ જણ છે જેને હું મારો પરિવાર ગણું છું. પ્લીઝ, અમારા સંબંધને બહુ કૉમ્પ્લિકેટેડ નહીં બનાવતા, નૉર્મલ બિહેવ કરજો. તે મારી બહેનપણી નથી, મારી પાર્ટનર છે એટલો ભેદ સમજજો.’
ને તો પણ જે કટાક્ષબાણો ચાલ્યાં હતાં એ તિખારા અનિકા આજે પણ ભૂલી નથી.
તેણે તીખી નજરે બાબા સામે જોયું.
‘તમારે સંજનાને શું કામ મળવું છે?’
‘હા, એટલે વાત કરવી છે.’
‘બાબા, શું વાત કરવી છે?’
‘અરે, તું ચિંતા નહીં કર’
‘ચિંતા થાય એવું જ કર્યું હતું તમે.’
‘હું એ ઘટના માટે દિલગીર છું.’
એકદમ બોદા અવાજમાં મેજર રણજિતે વાત કરી.
‘મને નથી ખબર બાબા કે મારે તમને બન્નેને મળાવવા જોઈએ કે નહીં!’
‘અનિકા, હું પ્રૉમિસ કરું છું કે તને ચિંતા થાય એવું કશું નહીં કરું.’
‘સારું, હું ઘરે બોલાવી લઉં છું.’
‘ના!’
‘અરે? ના કેમ? હમણાં તો કહેતા હતા કે મળવું છે તમારે.’
‘હા, મળવું જ છે, પણ અહીં ઘરે નહીં.’
‘એટલે?’
‘એટલે એમ બેટા કે બહાર મળીશું. માત્ર હું અને સંજના, તું નહીં!’
‘મને આ વિચારીને જ ગભરામણ થાય છે કે તમને બન્નેને એકલાં મૂકવાં કે નહીં.’
‘નાના છોકરાઓ નથી અમે.’
‘પણ વર્તન તો એવું જ હોય છે બાબા.’
‘ઠીક છે, જે થયું એને કંઈ ભૂંસી નથી શકવાનો હું, પણ તું અમારી મીટિંગ ગોઠવી આપ. માત્ર હું અને સંજના. બીજું કોઈ નહીં. ગુડ નાઇટ!’
મેજર રણજિત હાથમાં પ્લેટ લઈને ઊભા થયા. પ્લેટ રસોડામાં મૂકી અને પોતાની રૂમમાં જતા રહ્યા.
અનિકા ક્યાંય સુધી વિચારતી રહી કે તેણે હવે શું કરવું જોઈએ?
‘મને તારું આ સપનું શબ્દશ: યાદ છે અનિકા. તું આસપાસ નજર કરે છે. બધા લોકો મોબાઇલમાં, લૅપટૉપમાં કે ફાઇલ્સમાં માથું ઘાલીને ચાલી રહ્યા છે. કોઈ કોઈની સામું નથી જોતું. કોઈ કોઈ સાથે અથડાતું પણ નથી. કોઈને કોઈનો સ્પર્શ નથી થઈ રહ્યો. તું મૂંઝાઈ રહી છે, ગભરાઈ રહી છે. તારે આ ભેદી વ્યસ્ત રસ્તો ઓળંગીને સામા કાંઠે પહોંચવું છે. એટલી બધી વાર તારી પાસે તારા આ સપનાની વાત સાંભળી છે કે મને બધું યાદ છે.’
lll
મેજર રણજિત પોતાના ઓરડામાં ગયા અને લૅપટૉપ ઑન કર્યું. છેલ્લા કેટલાક દિવસોમાં ડૉ. આદિત્ય કશ્યપે સૂચવેલાં પૉડકાસ્ટ, ઇન્ટરવ્યુ અને ડૉક્યુમેન્ટરીઝ તે જોઈ રહ્યા હતા.
અનેક માબાપ પોતાનાં ગે-લેસ્બિયન સંતાનો વિશે ખૂલીને વાત કરતાં હતાં.
સંતાનો પોતાનાં માબાપના સપોર્ટની વાતો કરતાં હતાં.
પરિવાર સાથે કેવા સંઘર્ષ થતા, પરિવારને લીધે કેવી રીતે એકલતાનો શિકાર થતાં બચી ગયાં એની વાતો હતી.
જગતમાં બધા લોકો તમને સ્વીકારે, પણ પરિવાર તરફથી હોંકારો કે આવકારો ન હોય ત્યારે ગે-લેસ્બિયન લોકોની પીડા કેવી હોય એના સંવાદો ભીની આંખે તે જોઈ રહ્યા હતા.
પોતાની ડાયરીમાં નોટ્સ બનાવતા. વચ્ચે આંખો ભીંજાઈ જતી, ક્યારેક હસી પડતા, ક્યારેક ખૂબ મૂંઝાતા તો ક્યારેક હાશકારો અનુભવતા.
તેમનાં ચશ્માંના ગ્લાસની સામે કમ્પ્યુટરની સ્ક્રીનબારીએથી એક નવું આકાશ ઊઘડતું હતું. એ આકાશના રંગો, ઉમંગોને તે જોયા કરતા; સ્ક્રીનના આકાશે ગોરંભાયેલા મૂંઝારાને ભીની આંખે સમજવાનો પ્રયત્ન કરતા.
મેજર રણજિત સમજી રહ્યા હતા કે આ વિશ્વ જુદું છે, પણ છે તો અહીં જ!
ક્ષિતિજની પેલે પાર જગત પૂરું થઈ ગયું એવું લાગે; પણ એ મર્યાદા જગતની નહીં, આપણી નજરની છે.
lll
મોડી રાતે અનિકા દરરોજની જેમ આજે પણ મેજર રણજિતના ઓરડામાં ધીમા પગલે આવી. બિસ્તર પર ઓશીકાના ટેકે નાના બાળકની જેમ પલાંઠી વાળીને બાબા સૂઈ રહ્યા હતા. તેમની બંધ આંખો પર ચશ્માં હતાં અને નસકોરાંના અવાજ કાઢતું મોં ખુલ્લું હતું. તેમની છાતી પર ખુલ્લી ડાયરીનાં પાનાંઓ પંખાની હવાના કારણે કબૂતરની પાંખની જેમ ફફડી રહ્યાં હતાં. બેડ પર લૅપટૉપમાં પૉડકાસ્ટ ચાલી રહ્યો હતો. કોઈ અમેરિકન પેરન્ટ્સ પોતાની દીકરી લેસ્બિયન તરીકે કમઆઉટ થઈ એ વાતે તેમના પર કેવી અસર થઈ કે દીકરીને કેવી રીતે સપોર્ટ કર્યો એના વિશે બોલી રહ્યા હતા. અનિકાના ચહેરા પર સ્માઇલ આવ્યું. તેણે ધીરેથી લૅપટૉપનો વિડિયો બંધ કર્યો. બ્રાઉઝરમાં ઉપર જઈને સર્ચ-હિસ્ટરી તપાસી કે બાબા શું જોઈ રહ્યા છે અને કોને સાંભળી ચૂક્યા છે. તેણે ધીરેથી લૅપટૉપ બંધ કર્યું. બાબાની છાતી પરથી ડાયરી લીધી. રોજની જેમ આજે પણ તેણે નોટ્સ વાંચી કે બાબાએ શું નોંધ ટપકાવી છે. લેસ્બિયન સંબંધોની હિસ્ટરી, કેવી રીતે સંવાદ કરવો, કઈ વાતોનું ધ્યાન રાખવું, કેવી રીતે તેમની મૂંઝવણો સમજવી, શું કોઈ લેસ્બિયન હોય તો તેને બદલી શકાય? જો ન બદલી શકાય તો તેના વિશ્વને કેવી રીતે
સમજી શકાય? કેવી રીતે સંબંધો વધુ દૃઢ બને? લોકોએ શું-શું ભૂલો કરી? તેમણે પોતાનાં ગે-લેસ્બિયન બાળકોનો વિશ્વાસ કેવી રીતે કેળવ્યો?
વાંચતાં-વાંચતાં આંખો ભીની થઈ ગઈ. બાબા પર વહાલ છલકાયું. હળવેથી મેજર રણજિતના માથા પર હાથ મૂક્યો. બાબાનાં ચશ્માં કાઢ્યાં. ડાયરીને બેડની ડાબી બાજુ ખૂણા પર મૂકી એના પર ચશ્માં ગોઠવ્યાં. બાબાને ધીરેથી ચાદર ઓઢાડી.
બારીમાંથી રાતનું અજવાળું ઓરડામાં ઢોળાઈ રહ્યું હતું!
lll
અનિકા પોતાની રૂમમાં આવી. તેણે સંજનાને કૉલ કર્યો. સંજનાએ કૉલ કટ કર્યો અને વળતો વિડિયો-કૉલ કર્યો. અનિકાએ વિડિયો-કૉલ રિસીવ કર્યો, ‘હાય!’
સંજના પોતાના ઘરની અગાસી પર બેસીને સિગારેટ પી રહી હતી.
‘હેલો બ્યુટિફુલ!’
‘અરે યાર સંજના, તેં ફરી સિગારેટ શરૂ કરી દીધી?’
‘અરે, એક જ પીઉં છું. તું મધર ટેરેસા ન બનીશ યાર.’
‘સારું, હું તને કંઈ નહીં કહું, તારે જેમ કરવું હોય એમ કરજે.’ આવું કહીને અનિકાએ મોં મચકોડ્યું.
‘અરે, તું રિસાઈ જઈશ તો પાછી દિવસો સુધી વાતો નહીં કરે. અનિકા, સારું ચલ હવે આ એક સિગારેટ પણ છોડી દઈશ ધીરે-ધીરે.’
અનિકાના ચહેરા પર સ્માઇલ આવ્યું.
‘અનિકા, હું સિગારેટને બદલે બીડી પીઉં તો તને ચાલશે?’
‘હું ફોન મૂકું છું, બાય.’
‘અરે સૉરી-સૉરી. સારું, બીડી પણ નહીં બસ?’
સંજના હસી પડી. અનિકાએ ખોટો ગુસ્સો કરતાં કહ્યું, ‘નથી સારી લાગતી.’
‘એમ? તું એક લિસ્ટ આપી દે કે હું તને ક્યારે સારી લાગું છું?’
‘જ્યારે તું મારી બાજુમાં હોય, કશું બોલતી ન હોય, તારી છાતી પર હું માથું મૂકીને આખી રાત ચૂપચાપ સૂઈ શકું અને તું ધીમે-ધીમે મારા વાળને પંપાળતી હોય ત્યારે. ત્યારે સારી લાગે છે તું.’
‘બોલ, આવી જાઉં અત્યારે?’
‘ના.’
‘અરે?’
‘બાબા ઘરે છે.’
‘તે અમરીશ પુરી કેટલા દિવસ રોકાવાના છે હજી.’
‘શટ-અપ સંજના, તે મારા બાબા છે.’
ખબર નહીં કેમ પણ ‘તે મારા બાબા છે’ એવું કહેતી વખતે અનિકાએ પોતાની અંદરથી એકદમ હર્ષોલ્લાસ અનુભવ્યો. આ બોલતી વખતે અનિકાના ચહેરા પર જે ઉત્સાહી સ્મિત આવ્યું એ સંજનાએ પણ નોંધ્યું.
‘એ બાબાની ચમચી. તું જે રીતે ‘મારા બાબા’ કરી રહી છે એ જોતાં મને હવે ખરેખર ડર લાગે છે કે તેને ખુશ કરવા તું કોઈ ચિન્ટુ-પિન્ટુને પાછી પરણી ન જતી હા?’
‘શટ-અપ સંજના. કેવી રબિશ વાતો કરે છે તું.’
‘હા, તારું ભલું પૂછો. બાપ-દીકરી જે રીતે એકબીજાની વકીલાત કરી રહ્યાં છો એ જોતાં મારા મનમાં એક ફડક તો પેસી જ ગઈ છે કે અનિકા ડૅડી’ઝ લિટલ ગર્લ બનીને મને બ્રેકઅપ સ્પીચ આપવા ન પહોંચી જાય કે સૉરી સંજના, મારા બાબા આપણો સંબંધ...’
‘ચૂપ રહીશ બે મિનિટ? એકધારું બક બક બક.’
સંજનાએ પોતાના હોઠ પર આંગળી મૂકી દીધી અને હવે હું ચૂપ રહીશ એવો ઇશારો કર્યો.
‘સંજના, બાબા તને મળવા માગે છે.’
સંજના કશું રીઍક્ટ કરવા ગઈ, પણ તરત યાદ આવ્યું એટલે ફરી પોતાના હોઠ પર આંગળી મૂકીને ચૂપ થઈ ગઈ.
‘બકવાસ કર્યા વગર બોલજે. શું કહેવું છે તારે?’ અનિકાએ હસવું રોકીને પૂછ્યું.
‘અનિકા, મેં સાંભળ્યું છે કે આર્મીવાળા લોકોને ત્રણ ખૂન માફ હોય છે. તેમની પાસે તો ગન પણ હશે. હું નમસ્તે કહીશ અને તે કહેશે રામનામ સત્ય હૈ... ધાંય ધાંય ધાંય!!!! મોગેમ્બો ખુશ હુઆ!’ અને અનિકા ખડખડાટ હસી પડી.
‘હાશ, ઘણા દિવસે તને હસતી જોઈ.’
‘તું આઇટમ છે સંજના.’
‘તો નાચી બતાવું?’
‘શટ-અપ. મારી વાત ધ્યાનથી સાંભળ. બાબા તને ઘરે નહીં, બહાર મળવા માગે છે. તને જે રેસ્ટોરાં સારી લાગતી હોય એનું નામ મને કહી દે. હું તમારા બન્નેના નામવાળું એક ટેબલ બુક કરાવી દઈશ.’
‘એક મિનિટ? તું નથી આવવાની?’
‘ના, બાબાએ કહ્યું છે કે તેને માત્ર તારી સાથે વાત કરવી છે.’
‘આર યુ શ્યૉર અનિકા?’
‘ઍક્ચ્યુઅલી, નાઓ તો વેરી શ્યૉર.’
‘ઠીક છે, પ્યાર મેં યે ભી સેહ લેંગે થોડા.’
અનિકાના ચહેરા પર સ્માઇલ આવ્યું.
‘અનિકા, ઘણા દિવસે તારા ચહેરા પર આવું સ્માઇલ જોયું.’
અનિકાએ પોતાના ખોળામાં ઓશીકું દબાવ્યું અને બારી પાસે ખુરસી પર બેસી ગઈ. સંજનાના ચહેરા પર વાત જાણવાની ઇન્તેજારી હતી.
‘સંજના, તને યાદ છે મેં તને ઘણી વાર કહ્યું છે કે મને કાયમ એક એવું સપનું આવતું જેમાં સાત વર્ષની હું રોડના એક કાંઠે ઊભી છું. ચારે બાજુ મોટાં-મોટાં વાહનોની ફુલ સ્પીડે અવરજવર. એકધારા હૉર્નના અવાજો સંભળાયા કરે છે. મારે રસ્તો ક્રૉસ કરવો છે. રોડની સામેની બાજુ મારું ડલહાઉઝીવાળું ઘર છે. એ ઘરની મારી ગમતીલી બારી મને રોડના આ છેડેથી દેખાય છે.’
‘મને તારું આ સપનું શબ્દશ: યાદ છે અનિકા. તું આસપાસ નજર કરે છે. બધા લોકો મોબાઇલમાં, લૅપટૉપમાં કે ફાઇલ્સમાં માથું ઘાલીને ચાલી રહ્યા છે. કોઈ કોઈની સામું નથી જોતું. કોઈ કોઈ સાથે અથડાતું પણ નથી. કોઈને કોઈનો સ્પર્શ નથી થઈ રહ્યો. તું મૂંઝાઈ રહી છે, ગભરાઈ રહી છે. તારે આ ભેદી વ્યસ્ત રસ્તો ઓળંગીને સામા કાંઠે પહોંચવું છે. એટલી બધી વાર તારી પાસે તારા આ સપનાની વાત સાંભળી છે કે મને બધું યાદ છે.’
‘સંજના, આજે રાતે એ સપનું પૂરું થવાનું છે. કદાચ, આજ પછી એ સપનું હવે મને ક્યારેય નહીં આવે.’
‘મતલબ? હું કંઈ સમજી નહીં.’ સંજનાને બહુ નવાઈ લાગી, પણ તેને આ વાતમાં બહુ રસ પડ્યો.
‘આજે સપનામાં સાત વર્ષની રડતી અનિકાને રસ્તો ઓળંગવો છે ત્યારે તેની પાસે તેના બાબા આવશે. ગભરાયેલી નાનકડી અનિકાના ગાલે બાબા બચી ભરશે, હળવેથી અનિકાનો હાથ પકડશે અને કહેશે...’
‘બેબી, તું કેમ ભૂલી ગઈ કે તારી સાથે તારા બાબા છે. તું જો, આપણે બન્ને એક છલાંગે આ રોડ ક્રૉસ કરી લઈશું. અનિકા, જીવનમાં આ રીતે ગભરાઈને ઊભી રહીશ તો ક્યાંય નહીં પહોંચી શકે. ક્યાંય જવું છે તો એની પહેલી શરત એ છે કે એક ડગલું તો ભરો!!’
અનિકાનું ગળું ભરાઈ આવ્યું છતાં તે બોલી, ‘સંજના, આજે સપનામાં મારા બાબા તે સાત વર્ષની અનિકાને રસ્તો ક્રૉસ કરાવીને પેલી બારી સુધી પહોંચાડશે...’
અને અનિકા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. સંજનાની આંખો ભીંજાણી.
બારીમાં આખ્ખું આકાશ ધીમા-ધીમા ફોરે અનિકાની છાતી પર ભીનો અજવાશ છાંટવા લાગ્યું.
ADVERTISEMENT
(ક્રમશ:)

