અંધેરી-ઈસ્ટના પૂનમનગરમાં રહેતા ૩૫ વર્ષના વેપારી પોતાના એક વર્ષના બીમાર પુત્ર માટે ઑનલાઇન દેશી ઘી શોધવા ગયા હતા
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટના પૂનમનગરમાં રહેતા ૩૫ વર્ષના વેપારી પોતાના એક વર્ષના બીમાર પુત્ર માટે ઑનલાઇન દેશી ઘી શોધવા ગયા હતા. ત્યારે સાઇબર ગઠિયાઓએ તેમની પાસેથી ૯૨,૨૫૧ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ MIDC પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. સોમવારે ગૂગલ પર દેશી ઘી માટે તપાસ કરતાં ઇન્સ્ટાગ્રામ પર દેશી ઘી મળશે એવી એક જાહેરાત દેખાઈ હતી. એના પર ક્લિક કરતાં ઘીના ઑર્ડર માટે ૧૦ રૂપિયા ઍડ્વાન્સ ભરવાનું કહેવામાં આવ્યું હતું. એ ભરતાં માત્ર પાંચ જ મિનિટમાં એક જ ટ્રાન્ઝૅક્શનમાં ૯૨,૨૫૧ રૂપિયા ઊપડી ગયા હતા. આ કેસમાં પોલીસ જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એની માહિતી કાઢી રહી છે.
શું હતો ઘટનાક્રમ?
સોમવાર રાતે ૮ વાગ્યાની આસપાસ વેપારીએ દેશી ઘી ઘેરબેઠાં મગાવવા ગૂગલ પર તપાસ કરી હતી.
ગૂગલ પર ઇન્સ્ટાગ્રામની એક લિન્ક પર દેશી ઘીની જાહેરાત દેખાઈ હતી.
ઇન્સ્ટાગ્રામની લિન્ક પર ક્લિક કરતાં ઘીની ડિલિવરી ઘેરબેઠાં મેળવવા એક ફૉર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું.
વેપારીએ ફૉર્મ ભર્યા બાદ ૧૦ રૂપિયાનું ઍડ્વાન્સ પેમેન્ટ ભરવા કહેવામાં આવ્યું હતું.
૧૦ રૂપિયાનું ઍડ્વાન્સ પેમેન્ટ ગૂગલ પેના માધ્યમથી કરતાં પાંચ મિનિટની અંદર વેપારીના અકાઉન્ટમાંથી ૯૨,૨૫૧ રૂપિયા ઊપડી ગયા હતા.
ઘટના બાદ તાત્કાલિક વેપારીએ સાઇબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

