વાંચો આખું પ્રકરણ - ૧૬ અહીં
ઇલસ્ટ્રેશન
આપણે બધા એક અજાણી યાત્રાના મુસાફરો છીએ. ક્યાં પહોંચવાનું છે એની કોઈને ખબર નથી, પણ બધા ચાલી રહ્યા છે. યાત્રાના જુદા-જુદા વળાંકો પર નવા લોકો અને નવા સંબંધો આપણી સાથે જોડાઈ જાય છે. ધૂળિયે મારગ અમુકતમુક ગંતવ્યમુકામ સુધી એ પગલાં આપણી સાથે ચાલે છે અને પછી એનો સમય પૂરો થાય એટલે સાથે ચાલનારાઓની કેડી ફંટાઈ જાય છે. કોઈને ક્યાંક પહોંચવાની ઉતાવળ છે તો તે લાંબી છલાંગો ભરે છે, કોઈને કશી ઉતાવળ નથી તો ધીમા ડગલે ધરતીનું મન પૂછી-પૂછીને આગળ વધે છે. સૌ ચાલે છે, કાળની કેડી ચલાવે છે. જો કોઈ થંભી જવાનું નક્કી કરે તો પણ સમય તેને થોભવા નથી દેતો. આપણે નથી બદલાતા તો આપણી આસપાસનું બધું જ બદલાઈ જાય છે! આ યાત્રા વધુ ને વધુ એ રીતે સુંદર છે કે અજાણ્યા હોંકારા આપણી રાહ જુએ છે, જૂના જાકારા અને આપણી સ્મૃતિમાં પડેલાં એનાં પગલાં ભૂંસાતાં જાય છે. આવનાર જણને મળવાનું, ભળવાનું અને સમયે આવ્યે અળગા થવાનું... લખાયેલું જ છે!
મેજર રણજિત આવી જ એક અજાણી યાત્રાના મુસાફર બનીને મુંબઈ આવ્યા હતા. સાવ અજાણ્યા જણ બનીને અનિકાના બારણે ટકોરા માર્યા અને આજે સાત ડગલાં સાથે ચાલીને સાથી બન્યા. સંજનાની સલાહો માનીને રણજિતે અનિકાની સામે ખૂલીને જીવવાનું શરૂ કર્યું. સંજનાએ તેમને સમજાવેલું કે સંબંધને સાચવવા આપણે ઘણી બાબતો સંતાડીએ, પણ એ જ સંતાડેલી બાબતો સંબંધમાં અવિશ્વાસનું કારણ બને તો સંબંધોની એવી સાચવણ શું કામની? એના કરતાં ખુલ્લી હથેળી જેવું જીવો.
ADVERTISEMENT
કૅલેન્ડરમાં શિયાળો અડધો પૂરો થયો, પણ મેજર રણજિતને મુંબઈમાં શિયાળા જેવું કશું અનુભવાતું નથી. તે ઘણી વાર ઉત્સાહમાં આવીને અનિકાને પહાડોના શિયાળા વિશે વાતો કરતા. કપમાં કૉફી થીજી જાય એવી ઠંડી, નદી પર બરફની પર્ત બાઝી જાય એવી ઠંડી, પાંદડાં પર પથરાતો ભેજ બરફની કણીઓ બની જાય એવી ઠંડી, માણસના મોઢામાંથી સફેદ ધુમાડા નીકળે ધુમ્મસ જેવા એવી ઠંડી, સહેજ સૂરજ ઊગે અને જામેલો બરફ પીગળે તો બધે ચોમાસાના વરસાદ જેવું વાતાવરણ થઈ જાય એવી ઠંડી, પાણીમાં પગ બોળો તો ચામડી નીલી પડી જાય એવી ઠંડી.
બાબા પહાડોની ઠંડી વિશે વધારે કંઈ બોલે એ પહેલાં સ્મિત કરીને નાના બાળક જેવા એક્સપ્રેશન સાથે અનિકા બોલતી, ‘અચ્છા બાબા, એવું એમ? વાહ! હું તો પહાડોમાં રહી જ નથી. હું તો ત્યાં મોટી થઈ જ નથી એટલે મને તો કેવી રીતે ખબર હોય? ડલહાઉઝી અને દેહરાદૂન તો દક્ષિણ ભારતમાં છે કેરલાની બાજુમાં!’
અને પછી અનિકા જ ખડખડાટ હસી પડતી. મેજર રણજિત નાના બાળક જેવું મોં ચડાવીને બોલતા, ‘ઠીક છે, હવે તો પહાડો વિશે કંઈ બોલીશ જ નહીંને!’
અનિકા બાબાના હાથમાં ચાનો કપ પકડાવીને મલકાતા બોલતી, ‘બાબા, પહાડી માણસની વાતોમાંથી અને વર્તનમાંથી પહાડ કોઈ ઓગાળી ન શકે. ઊંચાઈ પર રહીનેય પહાડી જણ વાદળ જેવો હોય છે હળવો ફૂલ. દુનિયાદારીથી ૧૦૦ જોજન દૂર. તમે નહીં બોલો તો તમારા મૌનમાં પણ પહાડ, ખીણોમાંથી ઊઠતા ધુમ્મસ
અને કોતરોમાંથી વહેતાં ઝરણાં બોલ્યા કરશે સતત!’
અનિકા યુનિવર્સિટી જવા માટે તૈયાર થતી અને મેજર રણજિત આ સુખને કોઈની નજર ન લાગે એટલે લાકડાની બારીને સ્પર્શી લેતા. આખરે ઘણા સમયે અનિકા અને મેજર રણજિત વચ્ચે કડવાશ કે અવિશ્વાસ વિના સંવાદોની આપ-લે થઈ રહી હતી. મેજર રણજિત મનોમન આ ઉકેલાયેલી ગૂંચનું સંપૂર્ણ શ્રેય સંજનાને આપતા હતા.
‘બાબા, હું યુનિવર્સિટી જાઉં છું. સાંજે મોડી આવીશ.’
‘...પણ આજે તો તારે કોઈ લેક્ચર નથી!’
અનિકા એકદમથી ચોંકી ગઈ, ‘તમને કેવી રીતે ખબર? આઇ મીન છે, એટલે પાછળથી નક્કી થયાં, પણ તમને કોણે કહ્યું?’
‘તારા સ્ટુડન્ટ્સ છેને. આજે બપોરે ઈસવીસન ૧૯૭૧ના ભારત-ચીન યુદ્ધ વિશેની વાતો સાંભળવા આવવાના છે. મેં તેમને કહ્યું છે કે સાંજે મારે ડૉ. આદિત્ય કશ્યપને ત્યાં કૉફી માટે જવાનું છે, એ પહેલાં આવી જજો. તો એ લોકોએ કહ્યું કે મેજરસાહેબ, આજે અનિકામૅમનાં કોઈ લેક્ચર નથી તો અમે બપોરે જ આવી જઈશું.’
‘ઓહ! તમે તો જાસૂસ પાળી રાખ્યા છે એમ. તમે તો મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ મિક્સ કરવા લાગ્યા બાબા. આજ સુધી મેં દૂર રાખ્યા હતા લોકોને.’
‘એમાં શું થઈ ગયું, પણ તો તું મને એમ કહે કે બપોરે લેક્ચર નથી તો તારે યુનિવર્સિટી જવાની શું જરૂર પડી?’
અનિકા જાણે કે પકડાઈ ગઈ. તેણે કપાળે બાઝેલો પરસેવો દુપટ્ટાના છેડાથી લૂછ્યો અને પછી બાબાની નજરથી બચતી હોય એમ વગર કારણે પર્સ ખોલીને એમાં સામાન તપાસવાનું નાટક કરતાં બોલી, ‘બાબા, ભણાવવા સિવાય પણ મારે કામ હોય કે નહીં? હું ત્યાં થોડું વહીવટી કામ પતાવવા જઈ રહી છું. હવે તમે સ્ટુડન્ટ્સને પાછું એવું ક્લિયર કરીને ન કહેતા કે હું વહીવટી કામ માટે નીકળી છું.’
‘ઓકે. તારે મને કહેતા રહેવું કે મારે શું નહીં કહેવું. બાકી હું તો ફ્લો-ફ્લોમાં બધું બોલી કાઢું છું.’
‘તો પછી એ ફ્લો-ફ્લોમાં તમારા ડૉ. આદિત્ય કશ્યપને મારું હાય પણ કહી દેજો. કહેજો કે અનિકાએ લગ્ન માટે હા પાડી છે.’
મેજર રણજિત ભોંઠા પડ્યા અને અનિકા ખડખડાટ હસી પડી.
‘હવે આ એકની એક વાત પર તું અને આદિત્ય બન્ને ક્યાં સુધી મારી મજા લેશો? ભૂલ થઈ ગઈ મારી કે એ ગઝલ-નાઇટમાં ભાગ લીધો.’
‘ભાગ લીધો અને બહુબધો પીધો. ફ્રી કી દારૂ એટલે આખું રજવાડું મારું. ભંડ થઈને આવેલા બાબા.’
‘અરે મારી મા, તું હવે જા.’
અનિકાએ ચંપલ પહેર્યાં અને દરવાજાની બહાર નીકળી. ઘરના ઉંબરા સુધી મેજર રણિજત તેને વળાવવા આવ્યા.
‘અનિકા...!’
‘બોલો બાબા. જતાં-જતાં એક વાર રોકશો અને ટોકશો નહીં તો તમારી ચા નહીં પચે. બોલો!’
‘તું જો લેસ્બિયન ન હોત તો ડૉ. આદિત્ય કશ્યપને પરણી જાતને?’
બારણે મોટા કૂંડામાં પાંગરેલાં ડોલરનાં ફૂલોને પંપાળી એની સુગંધ શ્વાસમાં ભરીને અનિકાએ આંખો બંધ કરી. બે ચકલીઓ ઊડતી-ઊડતી બારણા પર બેઠી. રણજિત આછો ગુલાબી શિફૉનનો ડ્રેસ પહેરેલી અનિકા તરફ જોઈ રહ્યા. અનિકાએ એક ડોલર ફૂલ ચૂંટ્યું અને ખુલ્લા વાળમાં લગાવ્યું. તેના ચહેરા પર ગુલાબી બિંદી, ગુલાબી શિફૉન દુપટ્ટો, ગુલાબી લિપસ્ટિક અને ગુલાબી ગાલ બધા રંગો એકમેકમાં ભળી ગયા.
‘બાબા, સાચ્ચું કહું તો આઇ રિયલી ડોન્ટ નો. જો હું લેસ્બિયન ન હોત તો લાઇફ કેવી હોત? એ બાબતે મેં ક્યારેય વિચાર્યું નથી. પણ હા, મારે એ કબૂલવું જોઈએ કે તમારા ડૉ. આદિત્ય કશ્યપમાં કંઈક તો એવું છે જે મેં આજ સુધી બીજા કોઈ છોકરામાં નથી જોયું કે અનુભવ્યું. ખાસ કરીને તેમની આંખો. એ આંખોમાં પોતીકો આવકાર છે. આઇ મીન, તમને એ આંખો બિલકુલ અજાણી ન લાગે. લાઇક મને આજ સુધી કોઈ છોકરાની આંખો આટલી અટ્રૅક્ટિવ નથી લાગી.’
‘લે! આખી વાતમાં ગમ્યું શું? તો કે ખાલી આંખો. કમ્માલ છે તું અને તારી આખી જનરેશન.’
‘મારી જનરેશન તો તમને સમજાણી નથી અને મારી પછીની જનરેશન સાથે તમે કલાકો સુધી ગપ્પાં લડાવો છો. આઇ વન્ડર તમને મિલેનિયલ જનરેશન નથી સમજાતી, પણ જેન-ઝી સાથે બહુ ફાવે છે. યુ બૂમર્સ!!’
મેજર રણજિતના ચહેરા પર એકસાથે અનેક પ્રશ્નાર્થચિહનની સળો ઊપસી આવી. અનિકા જતાં-જતાં બોલી, ‘તમારા ફેવરિટ્સ આવે છેને વૉર-સ્ટોરીઝ સાંભળવા, તેમને પૂછી લેજો બધી ટર્મ્સ. સમજાવી દેશે કે હું શું બોલી.’
અનિકા ઉતાવળા પગે હસતી-હસતી જતી રહી. મેજર રણજિતે ઉપર નજર કરી તો પેલી બે નાની ચકલીઓ વાંસની પટ્ટીઓ વચ્ચે એક નાની બખોલમાં તણખલાં ગૂંથીને માળો બનાવી રહી હતી. મેજર રણજિતના ચહેરા પર સ્મિત રેલાયું.
lll
સાઉથ મુંબઈમાં મરીન લાઇન્સ પાસે સૌથી જૂની ઈરાની કૅફે કયાની બેકરી ઍન્ડ કંપનીમાં બેસીને અનિકા અને સંજના ચા પી રહ્યાં હતાં. વાદળી-લીલા રંગના કૉટન ચૂડીદારમાં સંજના સુંદર લાગી રહી હતી. તેણે પોતાના વાળને પોની સ્ટાઇલમાં ઉપર બાંધીને બક્કલ લગાવ્યું હતું. ગળામાં સફેદ મોતીની માળા અને બન્ને કાનમાં એક-એક મોટું સફેદ મોતી પહેર્યું હતું. ઈરાની કૅફેમાં ચીઝ-મસકા બનને ચામાં બોળીને સંજના એવા રજવાડી ઢંગથી ખાઈ રહી હતી જાણે છપ્પનભોગ હોય. અનિકા પારસી ડિઝાઇનની કાચની પ્લેટમાં મુકાયેલું પફ ખાઈ રહી હતી. લાલ અને સફેદ રંગના ચેક્સવાળા ટેબલ-ક્લૉથ પર જાડો ઈરાની ગ્લાસ, ફરતી લાકડાની જૂના ઘાટના ફર્નિચરવાળી ટ્રેડિશનલ ખુરસીઓ. છત પર મોટી લાંબી દાંડીના છેડે લટકીને ગોળ-ગોળ ફરતા પંખા, લાકડાના પિલર અને લાકડાનો જૂનો દાદરો જેના પર ચડીને ઉપર મેડી જેવા સેક્શનમાં અંગત પળો શોધતાં કપલ કલાકો સુધી બેસીને ઈરાની ચાની લિજ્જત માણતાં વાતો કરતાં. કાઉન્ટર પર જાતભાતની પરંપરાગત પારસી કુકીઝ અને બિસ્કિટ ભરેલી ગ્લાસની બરણીઓની પેલે પાર લાકડાની મોટી ચૅર પર બેસેલા કૅફેના માલિક પારસી બાવા રેડિયો પર બેગમ અખ્તરની ગઝલ સાંભળી રહ્યા હતા.
અનિકા અને સંજના બે-ત્રણ મહિને એક વાર કોઈને કશું કહ્યા વગર સમય ચોરીને અહીં અચૂક ખાસ આવતાં. ઈરાની કૅફેમાં નાસ્તો કર્યા પછી બન્ને જણ એકબીજાનો હાથ પકડીને જૂના મુંબઈની પુરાણી હવેલી જેવાં મકાનો જોતાં-જોતાં કલાકો સુધી બ્રિટિશકાળની પથ્થરની સડકો પર ચૂપચાપ ચાલ્યા કરતાં. અલબત્ત, અનિકા છત્રી ખોલીને પોતાનો ચહેરો ઢાંકી રાખતી, પણ સંજનાને પોતાનો ચહેરો ઢાંકવાની ખાસ પરવા નહોતી.
પારસી બાવા દર વખતે પોતાના તરફથી સંજના અને અનિકાને પરંપરાગત પારસી વાનગી અકૂરી ખવડાવતા, ‘છોકરીલોગ, તુમ હમકો બહુત અચ્છા લગતા હૈ. કિતના મસ્ત ચકાચક તૈયાર હોકે આતા હૈ. મેરે કૅફે કા રૌનક બદલ જાતા હૈ! યે રુસ્તમ, સાયરસ, ક્યા કરતા હૈ તુમ ગધેરા લોગ? ઇનકા ચાય કા કપ ખાલી છે. ગરમાગરમ ચાય દે દે બાવા.’
છત પર ગોળ-ગોળ ફરતા પંખાને એકચિત્તે જોતી અનિકા વિચારોમાં ખોવાયેલી છે એ જોઈને સંજના બોલી, ‘તું ક્યાંક પેલા ડૉ. આદિત્ય કશ્યપના વિચારોમાં તો નથીને?’
‘વૉટ રબ્બિશ!’
‘રબ્બિશ? મારે તને ટોકવી પડેલી એટલી વાતો કરેલી તે તેની આંખો વિશે. એક પૉઇન્ટ પર તો મને લાગ્યું કે આ લેસ્બિયન મટી ગઈ, મારા હાથમાંથી ગઈ.’
‘ઓહ યસ, કપડાં બદલી શકાય એટલી સરળતાથી સેક્સ્યુઅલ પ્રેફરન્સ પણ બદલી શકાય છે નહીં?’
‘શું ખબર તું લેસ્બિયન નહીં, બાયસેક્સ્યુઅલ પણ હોઈ શકે! ગૉડ નોઝ તને છોકરા-છોકરી બન્નેમાં રસ હોય.’
‘શટ-અપ સંજના.’
‘ઓકે સૉરી. શું કરે છે મારા નવા ફ્રેન્ડ મેજર રણજિત?’
‘ત્રાસ આપે છે ત્રાસ. તેં તેને સોશ્યલ મીડિયા વાપરતાં શીખવ્યું છે ત્યારથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જેટલા હોય એ બધા ફોટો વીણી-વીણેને અપલોડ કરે છે. પાછા હૅશટૅગ શીખ્યા છે માય ગૉડ! મારું અકાઉન્ટ તેં તેને શોધી આપ્યું એટલે બધામાં મને ધરાર ટૅગ કરે છે. મારા બધા સ્ટુડન્ટ્સ બાબાના ફૉલોઅર્સ એટલે મારી લાઇફમાં પ્રાઇવસી જેવું કંઈ બચ્યું નથી. બાબા દરરોજ એક સેલ્ફી લઈને અપલોડ કરે છે. મારે ના પાડવી પડે કે બાબા, હજી હું નાહી નથી કે મારા વાળ ભીના છે તો પણ ફોટો ક્લિક કરે. હું ઘરે કેવાં કપડાં પહેરું છું, શું ખાઉં છું, ઘરમાં કેવાં વાસણો છે, કયા છોડ છે, ક્યાં બેસીને અમે ચા પીએ છીએ એ બધું સોશ્યલ મીડિયા પર અવેલેબલ છે.’
સંજના ખડખડાટ હસી પડી. તેને આ રીતે હસતી જોઈને અનિકાને પણ હસવું આવી ગયું તો પણ હસવું રોકીને તે બોલી, ‘આમાં ફની શું છે સંજના?’
‘યા, ઇટ્સ ફની ઍન્ડ આયરની તો જો. જે બાબા કશું બોલતા નહોતા ત્યારે અનિકાને પ્રૉબ્લેમ હતો એ બાબા હવે બોલે છે તો પણ અનિકાને સમસ્યા છે.’
અનિકાએ જવાબમાં હાથ જોડ્યા.
‘તમારા બન્નેની ફ્રેન્ડશિપની કિંમત ચૂકવી રહી છું. તમને લોકોને ભેગાં કર્યાં એ જ મારી ભૂલ.’
ઈરાની ચાની ચૂસકી લેતાં સંજના બોલી, ‘તું જ તો મને કહેતી હતી કે સંજના, મારા બાબા સેક્સોલૉજિસ્ટ પાસે જઈને મારી સેક્સ્યુઅલિટી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે... દેશ-દુનિયાના પૉડકાસ્ટ જોઈ રહ્યા છે, ડૉક્ટર્સના ટેડ ટૉક્સ સાંભળી રહ્યા છે, જાતભાતની બુક્સ વાંચી રહ્યા છે. આટલી મહેનત તો મેં બોર્ડની એક્ઝામમાં નહોતી કરી જેટલી મહેનત મારા બાબા સંબંધોની કસોટીમાં પાર ઊતરવા કરી રહ્યા છે.’
‘યસ, ધૅટ્સ રિયલી સ્વીટ ઑફ હિમ. અઘરું તો છે જ સંજના. જે નથી જોયું કે જાણ્યું એને આ ઉંમરે પચાવવું સહેલું નથી. આપણે આપણી નાપસંદનું કપડું નથી સ્વીકારતા, અહીં તો આખો સંબંધ જીરવવાનો છે. ન ગમતું કપડું તો ફેંકી દેવાય, ઢાંકી દેવાય; પણ જીવનમાં ગળે બાઝેલા સંબંધને કાપવા કે સંતાડવા ક્યાં જવું?’
અનિકાની વાત સાંભળીને સંજનાએ અનિકાના હાથ પર પોતાનો હાથ મૂક્યો એટલે અનિકા થોડી સંકોચાઈ. અનિકાએ તરત પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને આસપાસ નજર કરી લીધી. થડા પર બેસેલા કૅફેના માલિક પારસી બાવા ‘મિડ-ડે’ વાંચતા હતા એ છાપાનું પાનું તેમણે સહેજ વધારે પડતું ઊંચું કરીને પોતાનું મોં એવી રીતે ઢાંક્યું જાણે તેમણે કશું જોયું જ નથી. કૅફેમાં બેગમ અખ્તરના અવાજમાં ઠૂમરી ગુંજી રહી હતી...
હમરી અટરિયા પે આઓ સાંવરિયા
દેખા દેખી બલમ હુઈ જાએ
તસવ્વુર મેં ચલે આતે હો
કુછ બાતેં ભી હોતી હૈં
શબ એ ફુરકત ભી હોતી હૈ
મુલાકાતેં ભી હોતી હૈં
દરિયાઈ પવન આવ્યો અને ઈરાની કૅફેમાં બારી પર લાગેલા પારસી એબ્રૉઇડરીવાળા ઑફવાઇટ પડદાઓ ઝૂલવા લાગ્યા.
‘સંજના!’
‘હમમમમ્...’ સંજનાએ અનિકા સામે જોયું અને તે જરા સાવચેત થઈ. અનિકાના આ અવાજને તે બરાબર ઓળખે છે.
‘મને એક પ્રશ્નનો તારી પાસેથી સ્પષ્ટ જવાબ જોઈએ છે.’
‘બોલ.’
સંજનાએ ટેબલ પર બન્ને જણ વચ્ચે મુકાયેલા ચાના કપને દૂર કરીને અનિકાની હથેળી પર પોતાની હથેળી ભારપૂર્વક મૂકી.
‘આપણે ક્યાં સુધી આ રીતે સંતાઈને મળીશું? આપણા સંબંધનું ભવિષ્ય શું સંજના? તને એવું લાગે છે કે તારા ઘરમાં ક્યારેય હું કોઈ હિસ્સો બની શકીશ?’
અનિકાની હથેળી પરની સંજનાની પકડ ઢીલી થઈ.
‘અનિકા, શબ્દ ચોર્યા વગર હું તને સાચ્ચો જવાબ આપીશ કે મારી પાસે ખરેખર આનો કોઈ જવાબ નથી!’
‘તો આપણે બન્ને શું કરી રહ્યા છીએ સંજના?’
અનિકાની આંખો ભીની થઈ. સંજનાએ પોતાની નજરો ઢાળી, પણ આંસુનું ટીપું તેના ગાલ પરથી નીતરીને ટેબલ પર પડ્યું.
‘આપણે સાથે મળીને આ કયા કૂવાનું અંધારું ઉલેચીએ છીએ જેનું કોઈ તળિયું જ નથી સંજના? હું જીવનમાં સરનામા વગર બહુ ભટકી છું, પણ ક્યાં સુધી? અને હું તને બ્લેમ નથી કરી રહી, કેમ કે આ જ પ્રશ્નો તેં જો મને પૂછ્યા હોત તો મારી પાસે પણ આનો જવાબ નથી. આ સવાલો હું તને નહીં મને પણ કરી રહી છું કે આપણા આ સંબંધનું ભવિષ્ય શું? સૅડલી, જેમ તારી પાસે જવાબ નથી એમ હું પણ નિરુત્તર છું! હું જ્યારે-જ્યારે આપણા સંબંધ વિશે વિચારું છું ત્યારે-ત્યારે મેં આજ સુધી ભણેલા બધા અસ્તિત્વવાદ અને છાયાવાદ ઝાંખા પડી જાય છે!’
પરંપરાગત પારસી વાનગી અકૂરીની ડિશ લઈને સંજના-અનિકાના ટેબલ પર જતા વેઇટરને પારસી બાવાએ આંખના ઇશારાથી રોક્યો અને કિચનમાં પાછો મોકલ્યો. પારસી બાવાએ રેડિયોનો અવાજ થોડો વધાર્યો અને ફરી બેગમ અખ્તરનો અવાજ ગુંજ્યો...
પ્રેમ કી ભીક્ષા માંગે ભિખારન
લાજ હમારી રખિયો સાજન
આઓ સજન તુમ હમરે દ્વારે
સારા ઝઘડા ખતમ હુઈ જાએ
અનિકા ઊભી થઈ અને પોતાના વાળને ઢળતા અંબોડામાં બાંધી પર્સ લઈને ચાલતી થઈ. સંજના ભીની આંખે તેને આમ બપોરનો તાપ ઝીલીને જતી જોઈ રહી!
lll
ડૉ. આદિત્ય કશ્યપની કૅબિનમાં બેસીને કૉફી પીતા મેજર રણજિત છેલ્લા એક કલાકથી અનિકાની વાતો કરી રહ્યા હતા. આદિત્યના ચહેરા પર સ્માઇલ હતું. તે ભારે રસથી મેજરની વાતો સાંભળી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે પોતાનું નાનુંમોટું કામ પતાવીને પણ પૂરું અટેન્શન રણજિતને આપી રહ્યા હતા. મેજર રણજિત ડૉ. આદિત્ય કશ્યપને કહી રહ્યા હતા કે અનિકા કેવી રીતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, કેટલાં અઘરાં રિસર્ચ-પેપર તે સરળતાથી સૉલ્વ કરે છે, અનિકાને દાળઢોકળી અને સાઉથ ઇન્ડિયન રેસિપી કેટલી સરસ આવડે છે, અનિકાનું ગાર્ડનિંગ કેટલું સુઘડ છે, અનિકાને બર્ડ-વૉચિંગમાં કેટલો રસ છે, અનિકાની એસ્થેટિક સેન્સ કેટલી સુંદર છે, અનિકાને વાંચનનો કેટલો શોખ છે, અનિકા પાસે લતા મંગેશકરનાં ગીતોની ગ્રામોફોન રેકૉર્ડ્સનું કેટલું મોટું કલેક્શન છે, અનિકા રાતે જલદી સૂઈને સવારે વહેલી જાગવા કેવી ટેવાયેલી છે, અનિકા પાસે સિલ્વર જ્વેલરીનાં કેટલાં બધાં બૉક્સ છે...
અચાનક મેજર રણજિતને સમજાયું કે તે નૉનસ્ટૉપ બોલી રહ્યા છે. તે અટક્યા, ‘ડૉક્ટર, ક્યારનો એકધારો હું જ બોલું છું. તમે તો
કંઈ બોલો!’
‘એની કોઈ જરૂર જ નથીને. મને તમારી આ અનિકા-ટૉક્સમાં બહુ રસ પડ્યો છે.’
‘હમમમમમમ્...!’ આટલું કહીને મેજર રણજિત મર્માળુ હસ્યા. તરત આદિત્ય એ મર્મને પામી ગયા, ‘નો... નો. તમે જે સમજો છો એવી સેન્સમાં તો નહીં મેજર રણજિત!’
‘હા, જાણું છું ભાઈ. તમારી પેઢી લગ્ન અને કમિટમેન્ટના નામે કૉન્શ્યસ બહુ થઈ જાય છે.’
ડૉ. આદિત્ય કશ્યપે સ્મિત કર્યું અને AC બંધ કરીને બારી ખોલી. બારી પાસેની ખુરસી પર બેઠા અને કૉફીના કપને બારીની પાળી પર મૂક્યો. આળસ મરડીને બગાસું ખાધું.
‘સૉરી ડૉ. આદિત્ય. હું તમારો વધારે પડતો સમય લઈ રહ્યો છું.’
‘નૉટ રિયલી.’
કૉફીની સિપ લઈને બારી પાસે કૂંડામાં પાંગરેલા છોડનાં પાંદડાં પર આદિત્ય હળવેથી હાથ પસવારતા હતા. તડકામાં તેમના મજબૂત હાથનાં સશક્ત કાંડાંની ફૂલેલી નસો અને રુવાંટી ચમકી રહી હતી. બ્લુ ડેનિમ જીન્સ અને લાઇટ પિન્ક શર્ટમાં તેમનું કસાયેલું શરીર તડકામાં સરસ દેખાઈ રહ્યું હતું. બે દિવસની વધેલી આછી દાઢી પર સૂરજની સોનેરી ઝાંય ઢોળાતી હતી. શર્ટનું એક બટન ખોલીને દરિયાઈ પવનને આદિત્ય જાણે છાતીમાં સંઘરી રહ્યા હતા. ડૉ. આદિત્ય પોતાની ચૅર પર બેઠા અને હાથમાં પેપરવેઇટ રમાડતા મેજર રણજિત સામે તેણે જોયું,
‘મેજર રણજિત. તમે અનિકાની વાતો કરો છો ત્યારે મને સમજાય છે કે પ્રાઉડ પેરન્ટ્સ કેવા હોય. આઇ મીન પોતાનાં સંતાનોનાં ખરા અર્થમાં સાચ્ચાં વખાણ કરતાં માબાપ બહુ ઓછાં જોવા મળે છે.’
રણજિતના ચહેરા પર સ્મિત તરવર્યું.
‘વેલ, હું કદાચ મારી દીકરીનાં વખાણ કરવામાં બહુ મોડો છું, પણ જાગ્યા ત્યારથી સવાર. અમારા સંબંધમાં અમારી દીકરી વધારે મૅચ્યોર છે. જે સંબંધમાં કોઈ એક જણ જતું કરવાની ભાવના રાખતો હોય એ સંબંધ અને સામાવાળો જણ બન્ને ખૂબ નસીબદાર હોય છે. અનિકાએ મને તેના ઘરમાં પ્રવેશવા જ ન દીધો હોત તો અમારા સંબંધ પર સંવાદોની રાતરાણીનાં ફૂલ ક્યારેય પાંગર્યાં જ ન હોત. અનિકાએ પોતાના અંતરમનનાં બારણાં ખોલ્યાં ન હોત તો અમારી વચ્ચે સૂરજમુખીનું અજવાળું ક્યારેય પ્રવેશ્યું જ ન હોત.’
મેજર રણજિતની વાત સાંભળીને ડૉ. આદિત્ય કશ્યપના ચહેરા પર બહુ મોટું સ્મિત ઊગી નીકળ્યું.
‘વાહ રણજિત. તમે ખૂબ વાંચો છો અને આખા જગતના ઉત્તમ લોકોને સતત સાંભળો છો એની આ અસર છે કે તમારા મનની વાત આટલી સરળ અને સુંદર રીતે તમે મૂકતા થયા છે.’
રણજિતની આંખોમાં આભાર હતો.
‘ડૉ. આદિત્ય, આઇ ઍમ શ્યૉર કે તમારાં મમ્મી-પપ્પા પણ તમને લઈને બહુ જ ગર્વ અનુભવતાં હશે.’
‘વેલ, આઇ ડોન્ટ થિન્ક સો!’
આદિત્યનો જવાબ સાંભળીને રણજિત ચોંક્યા. તેમણે કૉફીનો કપ નીચે મૂક્યો. ખુરસી પર કમર ટેકવીને નિરાંતે બેઠા હતા એમાંથી એ ટટ્ટાર થઈ ગયા.
‘શું? હોય નહીં. તમારા જેવો સીધો છોકરો. આવો વેલ-મૅનર્ડ, સરસ કામ કરતો, લોકોની સમસ્યા ઉકેલતો જેન્ટલમૅન. કોઈ માબાપ આવા દીકરા વિશે પ્રાઉડ ફીલ ન કરતાં હોય એવું કેમ બને?’
જવાબમાં ડૉ. આદિત્ય કશ્યપ ખડખડાટ હસી પડ્યા, પણ તેમના હસવામાં રહેલી પીડા રણજિતને ઊંડે સુધી અનુભવાઈ.
‘રણજિત, પ્રાઉડની વાત તો જવા દો. મારા પેરન્ટ્સ કે મારી ફૅમિલી મારી સાથે વાત પણ નથી કરતાં. તમે મારા ઘરે આટલી વખત આવ્યા તો તમને એવો સવાલ ન થયો કે હું કેમ એકલો રહું છું?’
રણજિત ઊંડા વિચારોમાં ગરકાવ થયા. તેમણે ડૉ. આદિત્ય કશ્યપ સાથેના તમામ સંવાદો મનમાં રિવર્સ કરીને યાદ કર્યા, પણ એક પણ વાર આદિત્યના પરિવારનો ઉલ્લેખ નથી થયો. આદિત્યએ પોતાના બે બ્રેકઅપની વાતો કરેલી. એ બે છોકરીઓ સિવાય આદિત્યના મોઢે બીજા કોઈ સંબંધની વાત રણજિતને યાદ ન આવી. કૉફી પીતા આદિત્યને એકાએક રિયલાઇઝ થયું કે તેની આંખો ભીની છે. તેણે કૉફી મૂકી અને વૉશરૂમમાં ગયા.
રૂમમાં એકલા પડેલા મેજર રણજિત વિચારવા લાગ્યા કે આટલા સમયથી બેસવા-ઊઠવાનો સંબંધ પણ આદિત્યના અંગત જીવન તરફ કેમ પોતાનું ધ્યાન નહીં ગયું હોય? શું કલ્યાણી સાચું કહેતી હતી કે રણજિતને દરેક વાત અને મુદ્દા ખોલીને એકડે એકથી સમજાવો નહીં ત્યાં સુધી તે પોતાની બુદ્ધિ નથી વાપરી શકતો.
વૉશરૂમમાંથી આવેલા ડૉ. આદિત્ય કશ્યપ ફ્રેશ લાગતા હતા. સાફ ચહેરો અને પાણીદાર કોરી આંખો. તે પોતાની ચૅર પર ગોઠવાયા. રૅન્ડમ કોઈ કેસની ફાઇલ હાથમાં લીધી. ગળું ખંખેરીને સ્વસ્થ અવાજે મેજર રણજિતની આંખમાં આંખ પરોવીને તે બોલ્યા, ‘મેજર રણજિત, મને લાગે છે કે હવે આપણે અહીં અટકવું જોઈએ. પેશન્ટ અને ડૉક્ટરના સંબંધની મર્યાદાને ક્રૉસ કરીને આપણે બન્ને એકબીજાના જીવનમાં વધારે પડતા ઓળઘોળ થયા છીએ. આમ પણ હવે તમને મારી જરૂર નથી. વી શુડ રિસ્પેક્ટ અવર પ્રાઇવસી. આ આપણી છેલ્લી મીટિંગ છે. આપણે હવે નથી મળી રહ્યા. થૅન્ક યુ ફૉર યૉર ટાઇમ ઍન્ડ વન્ડરફુલ કંપની!’
મેજર રણજિત સજળ આંખે ડૉ. આદિત્ય કશ્યપ સામે જોઈ રહ્યા.
(ક્રમશ:)

