વાંચો આખું પ્રકરણ - ૧૭ અહીં
ઇલસ્ટ્રેશન
મોટા ભાગે આપણે બધા બે જિંદગી જીવીએ છીએ. એક જગતની સામે અને બીજી જગતથી છાની આપણી ભીતર. એક છૂપો ડર હોય છે કે જ્યારે આ બે જિંદગી સંજોગોની સાંકડી ગલીમાં એકબીજાની સામસામે આવી ગઈ તો? આપણે જે છીએ અને આપણે જે દેખાઈ છીએ એની વચ્ચે એક અદૃશ્ય પડદો છે પણ એ પડદાના તાર છે સમાજ, સંબંધો, બની બેઠેલાં મૂલ્યો, ચાર આંખો, આબરૂ અને પેલા લોકો જેણે બહુ બધું કહેવાનું છે આપણા વિશે! આપણે જે નથી એ બનવામાં, એ આવૃત્તિ સાચવવામાં, એનો દેખાડો કરવામાં અને એ વર્ઝનને વધુ ને વધુ ઘાટું કરવામાં આપણે ખર્ચાઈ જઈએ છીએ કાયમ. એકલા પડીએ ત્યારે-ત્યારે આપણી ભીતર જે આપણી સંતાડેલી જિંદગી છે એ સળવળે ત્યારે એને પંપાળવાની હૂંફ પણ આપણા ભાગે બચતી નથી. અરીસામાં જોઈએ ત્યારે નજર બહુ ટકતી નથી કેમ કે બધાને સાચવવામાં આપણે આપણા એ અંતરંગ પ્રતિબિંબને ઓળખવામાં ટૂંકા પડ્યા. આ પીડા અમાપ છે, સહરાના રણ જેટલી કે એથી પણ વિશેષ. બીજા આપણને જેવા છીએ એવા સ્વીકારે એ સર્ટિફિકેટ લેવાનો સંઘર્ષ એટલોબધો આકરો બની જાય છે કે એ વાત જ ભૂલી જવાય છે કે બીજાની વાત તો જવા દો, પહેલાં આપણે તો આપણી ભીતરના સ્વને ઓળખીને સ્વીકારીએ!
મેજર રણજિત અને અનિકા દિવસો સુધી રોજિંદી ઘટમાળમાં જાતને ગોઠવવા મથી રહ્યાં હતાં પણ કોઈ એક ખાલીપો તેમની ભીતર સળવળતો હતો. રાત્રે જમતી વખતે મેજર રણજિત અને અનિકા બન્ને ચૂપ હતાં. થોડો પ્રયત્ન ડાઇનિંગ ટેબલ પર મુકાયેલાં વાસણો કરતાં હતાં કે સંવાદ ઊભો થાય. તપેલી, થાળી, ચમચી, કડછો, વાટકી અને ગ્લાસ પણ કોઈ ખાસ ફાવ્યાં નહીં. બન્ને જણ મનોમન થોડા દિવસો અગાઉ કરેલી પોતીકી મુલાકાતો અને એ મુલાકાતોનાં અંતિમ પરિણામોને ઘૂંટી રહ્યા હતા.
મેજર રણજિતના મનમાં હતી ડૉ. આદિત્ય કશ્યપ સાથેની અંતિમ મુલાકાત, જેના છેડે એક વાક્ય હતું કે ‘આપણે હવે નથી મળી રહ્યા!’
અનિકાના મનમાં હતી સંજના સાથેની અંગત મુલાકાત, જેમાં ખૂબ અંગત કહી શકાય એવી એક મૂંઝવણ છાતીમાં લિસોટા પાડતી હતી કે ‘આપણા આ સંબંધનું ભવિષ્ય શું? આપણે બન્ને આ સંબંધમાં શું કરી રહ્યા છીએ?’
ઊતરતા શિયાળાનો ધીમો દરિયાઈ પવન ખુલ્લી બારીઓમાંથી રાતનું અંધારું ઓઢેલા ઘરમાં પ્રવેશ્યો. ખૂણામાં ધીરા અવાજે ગ્રામોફોનની રેકૉર્ડમાં લતા મંગેશકરના અવાજમાં ગીત આખા ઘરના ખૂણે-ખૂણે સુગંધની જેમ પ્રસરી રહ્યું છે.
‘ઝરા સી આહટ હોતી હૈ
તો દિલ સોચતા હૈ
કહીં યે વો તો નહીં!
છુપ કે સીને મેં કોઈ જૈસે સદા દેતા હૈ
શામ સે પહલે દિયા દિલ કા જલા દેતા હૈ
હૈ ઉસીકી યે સદા, હૈ ઉસીકી
યે અદા
કહીં યે વો તો નહીં!’
થાળી ખાલી થઈ, વાટકીમાં દાળ પૂરી થઈ અને ચમચી નવરી પડી એટલે ડાઇનિંગ ટેબલ પર બેસેલાં આ બન્ને જણને થયું કે કંઈક તો વાત કરવી જોઈએ. થોડી વાર ચુપકીદી તોળાતી રહી પછી ધીરેથી મેજર રણજિત બોલ્યા,
‘દાળ સરસ હતી.’
અનિકાએ જવાબ આપ્યો,
‘હા, ગુજરાતી દાળમાં દહીં ઉમેરો એટલે વધુ ભાવે.’
બસ, સંવાદ પૂરો.
રણજિતે ખાલી વાસણો સિંક સુધી પહોંચાડવામાં અનિકાની મદદ કરી. મુખવાસ ખાઈને એ હીંચકા પર જઈને બેઠા. વરંડામાં સૂતેલા ફૂલછોડનાં કૂંડાંઓ અને રાતરાણીનાં ફૂલોથી લથબથ વેલ વચ્ચે ઝૂલો ધીરે-ધીરે ચાલી રહ્યો હતો. હીંચકાનો ધીમો કિચૂડાટ અને અનિકા વાસણ ધોતી હતી તો નળનો અવાજ. ગ્રામોફોનમાં રેકૉર્ડ પૂરી થઈ ચૂકી હતી પણ રેકૉર્ડ બદલવાની ઇચ્છા ન તો અનિકાને થઈ કે ન મેજર રણજિતને. બધું કામકાજ પતાવીને મુખવાસ ચાવતી અનિકા વરંડામાં રણજિત પાસે આવી અને હીંચકા પર રણજિતની બાજુમાં બેસી ગઈ. બહુ સહજ રીતે અનિકાનું માથું રણજિતના ખભા પર ઢળ્યું. રણજિત માટે આ નવું હતું. અનિકાએ પોતાની આંખો બંધ રાખી હતી. હીંચકો ધીમે-ધીમે ઝૂલી રહ્યો હતો. ટગર ફૂલોની સુગંધ હવામાં ઘોળાતી હતી. હીંચકા પર બાઝેલી વેલ અને મધુમાલતીનાં ફૂલોથી લથબથ ડાળખીઓ ઝૂલતી હતી. મેજર રણજિતને પોતાની દીકરી અનિકાના માથા પર હાથ મૂકવાની ઇચ્છા થઈ પણ તેણે પોતાની જાતને રોકી લીધી. અંતે ન રહેવાયું તો માત્ર એટલું બોલી શક્યા,
‘આજે બહુ થાક લાગ્યો છે!’
‘કાયમ લાગે છે. તમે આજે નોંધ્યો!’
તમરાંનો અવાજ વધ્યો. પવનની લહેરખીઓથી અનિકાના વાળની લટો ઊડાઊડ કરતી હતી. મેજર રણજિતે ચશ્માંના ગ્લાસ સાફ કર્યા. અચાનક રણજિતનો ફોન રણક્યો. સ્ક્રીન પર અજાણ્યો નંબર હાઇલાઇટ થયો. રણજિતે ફોન રિસીવ કર્યો. સામા છેડે કોઈ છોકરીનો રણકતા સિક્કા જેવો અવાજ આવ્યો,
‘નમસ્તે, મૈં સ્વીટી બૅન્ગલોર સે. આપ મેજર રણજિત બાત કર રહે હૈં?’
‘હાં જી. મૈં રણજિત બોલ રહા હૂં.’
‘થૅન્ક ગૉડ આપકા કૉન્ટૅક્ટ હો પાયા. આપકો પતા હૈ? મૈં કિતને સાલોં સે આપકા નંબર ઢૂંઢ રહી થી.’
રણજિત અવાજ ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ અવાજ કે નામ કશું પરિચિત ન લાગ્યું. અનિકાને પણ નવાઈ લાગી તે બાબાના મૂંઝાયેલા ચહેરા તરફ જોવા લાગી.
‘માફ કીજિએગા સ્વીટીજી, આપકી તારીફ? હમ એકદુસરે કો જાનતે હૈં ક્યા?’
‘હાં ઔર ના. દોનોં જવાબ હૈ મેરે પાસ. બહુત સાલોં પહલે આપકે સાથ આપકી ટીમ મેં અમ્રિતસર કા ફૌજી હુઆ કરતા થા કિરપાલસિંહ. યાદ આયા કુછ? ‘
એકાએક રણજિતના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું. વર્ષો પહેલાં સિયાચીનના પહાડોમાં બાર હજાર ફીટ ઊંચાં હિમશિખરોમાં કિરપાલસિંહ સાથેનાં સંભારણાંઓ આંખોના ખૂણેથી આંસુ બની છલકાયાં. આ એ જ કિરપાલસિંહ હતો જેની સાથે રણજિતને ઋણાનુબંધ જેવું લાગતું. અન્ય કોઈ સાથે ખાસ વાતચીત ન કરતાં મેજર રણજિત કિરપાલસિંહ સાથે મા જણ્યા ભાઈ જેવું સુખ ભોગવતા. બન્ને જણ દિવસો સુધી પોતાના સ્વજનો અને આવનારા જીવન વિશે વાતો કરતા. રડી લેતા, એકબીજાનો ટેકો બનતા, એકબીજાને કોળિયો ખવડાવતા અને એકબીજાના ઘાનો મલમ બનતા. મેજર રણજિતને તાપણા પાસે બેસેલો સાત ફીટનો કિરપાલસિંહ યાદ આવી ગયો જેની આંખમાં આંસુ હતાં અને હોઠ પર સ્મિત. કડકડતી સિયાચીનની ઠંડીમાં પણ તેની હૂંફાળી વાત રણજિતની છાતીમાં કાયમ ઘર કરી ગયેલી. રણજિતના હાથમાં ચિઠ્ઠી આપતાં કિરપાલસિંહ બોલેલો કે ‘યારા રણજિતે, તેરી ભાભ્ભી કુલવિન્દર પેટ સે હૈ. યેત્થે સાડે જવાનંનાનું સોણ વિચ બડી દિક્કત ઔંદી હૈં…નીંદ પૂરી ના હોણ કરકે બહુત બિમારિયાં હો જાંદિયાં. ઠંડ વિચ જવાન આપણે યાદદાશ્ત ભૂલ જાંદે હન્. યારા, મૈં મર જાવા તાં મેરી ઘરવાળીનું ઈન્ના દુખ નહીં હોવેગા જિન્ના ઉસકા નામ ભૂલ જાણે પર હોગા. વાહેગુરુ ના કરે જે મેરી મેમરીલૉસ હો જાવે તબ તુ મેનુ યાદ કરવા દેયીં કિ ઓયે કિરપાલ, તેરી જેબ વિચ ચિઠ્ઠી પૈ હૈં..પંજાબી વિચ. પઢ લે અપણી ઘરવાળી દા નામ. બૈસાખીનુ અપણે ઘર જા તેરા બચ્ચા તેરા ઇન્તઝાર કર રિહા હૈં!’
અનિકા સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી કે જાણે બાબાના ચહેરા પરની કરચલીઓ એક પછી એક ભૂંસાઈ ગઈ અને એ ફરી ત્રીસ-પાંત્રીસ વર્ષના ખડતલ નૌજવાન બની ગયા જે છાતી અને પીઠ પર પચીસથી ત્રીસ કિલોનો ભાર ઉપાડી બર્ફીલા પહાડ ચડી રહ્યા છે. બાબાએ અનિકાને કિરપાલસિંહની વાતો કરેલી એટલે અનિકાને તરત આખી વાતનો સંદર્ભ મળી ગયો.
‘હેલો? આર યુ ધેર મેજર રણજિતજી?’
‘યેસ યેસ કહાં હૈ મેરા યારા કિરપાલસિંહ?’
રણજિતનું ગળું ભરાઈ આવ્યું. અનિકાએ બાબાની પીઠ પર સધિયારો આપવા હાથ મૂક્યો.
‘પાપાજી મેરે સામને હી બૈઠે હૈ. આઇ મીન આપકે યારા કિરપાલસિંહ. અંકલ ઇફ યુ ડોન્ટ માઇન્ડ મૈં આપકો વિડિયો કૉલ કર સકતી હૂં ક્યા?’
‘અફકોર્સ બેટા, પ્લીઝ ડૂ ઇટ.’ રણજિતે પોતાનાં આંસુ લૂછ્યાં. અનિકાએ ફટાફટ વરંડાની બધી લાઇટ્સ ઑન કરી જેથી વિડિયો કૉલ માટે પૂરતું અજવાળું મળે.
રણજિત વિડિયો કૉલની રાહ જોઈ રહ્યા હતા અને પોતાની બેચેની સંતાડવા એકધારું બોલી રહ્યા હતા.
‘તેણે મને અંકલ કહ્યું એટલે સ્વીટી કિરપાલસિંહની દીકરી જ હશે.’
‘બાબા, એ બાપડી બોલી પણ ખરી કે પાપાજી મેરે સામને બૈઠે હૈં તો દીકરી જ થઈને.’
‘હા નહીં!’ અને રણજિત કારણ વિના હસ્યા. અનિકાના ચહેરા પર સ્મિત. રણજિતના ફોનમાં વિડિયો કૉલ આવ્યો. રણજિતે કૉલ રીસીવ કર્યો. સામે ફૂલકારી ભરતગૂંથણનો પંજાબી ડ્રેસ પહેરેલી ગોલુમોલુ સ્વીટી સ્માઇલ કરી રહી હતી.
‘સત શ્રી અકાલ અંકલજી. મૈં સ્વીટી અહલુવાલિયા. આપકે યારા કિરપાલસિંહજી કી બેટી.’
‘ઔર યે મેરી બેટી અનિકા, મુંબઈ યુનિવર્સિટી મેં પઢાતી હૈ. બહુત હોશિયાર..’
અનિકાએ ફોનનું સ્પીકર કવર કર્યું અને બાબાને આંખો બતાવતાં બોલી,
‘બાબા, મારો બાયોડેટા નથી આપવાનો તમારે. તમારા દોસ્ત સાથે વાત કરોને.’
સ્વીટી સમજી ગઈ એટલે તે જોર-જોરથી હસી પડી અને ફોનમાંથી બોલી,
‘અજ્જી પેરન્ટ્સ. કોઈ ગલ નહીં. સભી પેરન્ટ્સ એસા હી કરતે હૈં. યે લીજિએ આપકે દોસ્ત કિરપાલસિંહ.’
આટલું કહી સ્વીટીએ કૅમેરો કિરપાલસિંહ તરફ શિફ્ટ કર્યો. મેજર રણજિત અને અનિકા બન્ને સ્ક્રીન તરફ ધારી-ધારીને જોવા લાગ્યા. સાત ફીટના કિરપાલસિંહ વ્હીલચૅર પર બેઠા છે. માથા પર પરંપરાગત પંજાબીઓને હોય એ કેશજટા પાઘડી ગાયબ. ચહેરા પર ઉંમર કરતાં વધારે કરચલીઓ. ઊંડી ફીકી આંખોમાં, સફેદ જાડી મૂછો અને દાઢીના ગુચ્છા નીચે છુપાયેલા હોઠમાં સ્મિત છે કે કેમ એ અંદાજ લગાવવો મુશ્કેલ. જાંબલી રંગનું ઊનનું જાડું સ્વેટર અને ઉપર ફૂલકારી ભરતની પરંપરાગત પંજાબી શાલ ઓઢેલી હતી. કિરપાલસિંહની ઉદાસ થાકેલી આંખો મોબાઇલની સ્ક્રીનમાં રણજિતને જોઈ રહી હતી. રણજિતની આંખો વરસી પડી.
‘ઓ કિરપાલસિંહ, મેરે યારા. કૈસે હો?’
જાણે જોજન દૂર કોઈ પહાડની ખીણમાંથી અવાજ આવતો હોય એમ કિરપાલસિંહની આંખો ઝીણી થઈ. ભવાં સંકોચાયાં. થોડી વાર સુધી તે ચૂપચાપ સ્ક્રીનને જોઈ રહ્યા પછી પોતાની દીકરી સ્વીટી તરફ જોઈને બોલ્યા,
‘કુલવિન્દર, યે કોણ હૈ? યે એની જોર નાલ ક્યોં ચીખ રેહા હૈ...’
‘કર્નલસા’બ, વો આપકા યાર હૈ મેજર રણજિત. આપકે સાથ ફૌજ મેં થે. સિયાચીન. યાદ આયા?’
‘કૌણ મૈં? મૈં કદો ગયા સી ચીન?’
‘ચીન નહીં, સિયાચીન. ફૌજ મેં થે આપકે સાથ. આપ આર્મી મેં કામ કરતે થે.’
‘અચ્છા કુલવિન્દર, યે બંદા ફૌજી હૈ?’
અને સ્વીટીના ચહેરા પરથી નજર હટાવી કિરપાલસિંહે સ્ક્રીનમાં રણજિત સામે જોયું,
‘જય હિન્દ. અપના ખયાલ રખ્ખી જવાન. મૈંનુ બહુત ભૂક્ખ લગી હૈ.’
‘કર્નલસા’બ, અભી આપને દો પરાઠે ખાએ ભૂખ કૈસે લગી.’
‘મૈં ખાણા ખા લિયા? ઉણ મૈં સૌં જાંદા હાં.’
અને ફોન સ્વીટીના હાથમાં આપી ઑટોમૅટિક વ્હીલચૅર પર સ્વિચ દબાવી કિરપાલસિંહ પોતાના રૂમ તરફ જતા રહ્યા. રણજિતના ચહેરા પર આઘાત. અનિકાએ બાબાને સાંત્વના આપવા એનો હાથ પકડી લીધો. સ્વીટી ભીની આંખે સ્ક્રીનમાં રણજિત તરફ જોઈ રહી.
‘અંકલજી, આપ બુરા મત માનિએગા પર પાપાજીને આપકે બારે મેં મુઝે બહોત બાતેં બતાઈ હૈ. આપકી તારીફ કરતે થકતે નહીં ઇતની બાતેં. મમ્મીજી ગુઝર ગઈ ઉસકે દો-તીન સાલ મેં પાપાજી કો અલ્ઝાઇમર કા પ્રૉબ્લેમ હો ગયા. મૈં અમ્રિતસર સે ઉસે યહાં બૅન્ગલોર મેરે સાથ લે આઇ. મેરા ચહેરા થોડા થોડા મમ્મી સે મિલતા હૈ તો પાપાજી મુઝે કુલવિન્દર હી બુલાતે હૈં. ઉનકો લગતા હૈ ઉનકી કોઈ બેટી હી નહીં હૈ. પુરાની ડાયરી પઢતે રહતે હૈં. મૈંને આપકો ઢૂંઢને કી બહુત કોશિશ કી. ફિર ફેસબુક મેં સર્ચ કિયા તો આપકા અકાઉન્ટ મિલા. આપકા નંબર ભી વહીં સે મિલા.’
‘બહુત અચ્છા કિયા બેટા. તુમ અપના ઔર કિરપાલસિંહ કા ખયાલ રખના.’
‘અંકલજી. વો ભૂલ ગએ હૈં કિ વો મેરે પાપાજી હૈ પર મૈં કૈસે ભૂલ સકતી હૂં કિ વો મેરે પાપાજી હૈ.’
અનિકા અને રણજિત બન્નેની નજરો મળી.
‘પાપાજીને પૂરી ઝિંદગી ફૌજ ઔર ખેતીબાડી મેં અપને આપકો બિઝી રખ્ખા. ઉન્હોંને સોચા અભી કામ કર લૂં ફિર રિશ્તોં કે લિએ તો પૂરી ઝિંદગી બાકી હૈ. બાઢ પે બાઢ આતી ગઈ, ફસલ બરબાદ હોતી રહી. બાદ મેં ટ્રેન કી પટરિયાં ખેત મેં આઈ તો મજબૂરન ખેત બેચના પડા. ઉમ્ર હુઈ તો મૈં સસુરાલ ચલી ઔર મમ્મી વાહેગુરુ તે દરબાર ચલ બસી. ઇતના કમ થા કિ પાપાજીને બીમારી મેં અપની યાદદાશ્ત ગંવાઈ. હમ લોગ ભવિષ્ય કે બારે મેં કિતના કુછ સોચતે હૈં. વક્ત કા ખેલ તો દેખો. આનેવાલા કલ જો હમને દેખા હી નહીં ઉસે સંવારને મેં હમ અપના વર્તમાન ભી જી નહીં પાતે.’
અનિકા હીંચકા પરથી ધીરેથી ઊભી થઈ અને પોતાના રૂમ તરફ આવી. સ્વીટીનો એક-એક શબ્દ તેના મનમાં ઘુંટાઈ રહ્યો હતો. જાણે-અજાણે સ્વીટીએ અનિકાને ઘણા પ્રશ્નોના જવાબ આપી દીધા હતા.
lll
રવિવારની બપોર હતી. સોફા પર સામસામા બેસીને અનિકા અને સંજના ચા પી રહ્યાં હતાં. થોડી વારે સંજના બોલી,
‘રણજિત ક્યાં છે?’
‘તે વરંડામાં તેમના હીંચકા પર બેઠા છે.’
‘અરે, તારે મને કહેવું તો જોઈએ. હું તેમને મળી લેત.’
‘ના.’
‘કેમ?’
‘મેં બાબાને કહેલું કે તમે વરંડામાં બેસો. આ મારી અને સંજનાની અગત્યની મીટિંગ છે.’
સંજના ચૂપ થઈ ગઈ. ચાના કપની કિનારી પર આંગળી ગોળ-ગોળ ફેરવતી રહી.
ગઈ કાલે રાતે અનિકાનો મેસેજ આવેલો કે ‘સંજના, આપણે મળવું જોઈએ. તું કાલે બપોરે મારા ઘરે આવ. અગત્યની વાત
કરવી છે.’
આ મેસેજ વાંચીને સંજનાની ઊંઘ ઊડી ગયેલી. તેના મનમાં કંઈકેટલાય વિચારો આવી ચૂક્યા હતા. આછા લીલા કૉટનના ચૂડીદાર ડ્રેસમાં અનિકા રિલૅક્સ લાગતી પણ સંજનાને આખા શરીરે સતત પરસેવો થતો હતો. અનિકાએ પંખો ફાસ્ટ કર્યો અને બારી ખોલી નાખી તો પણ સંજનાને લાગતું હતું કે આજે વાતાવરણમાં બફારો બહુ છે. દરરોજ ડ્રેસિંગ બાબતે કૉન્શિયસ રહેતી સંજના આજે બ્લૅક ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં દોડી આવેલી. ચા પીતાં-પીતાં તેણે લગભગ ત્રણેક વાર પોતાના વાળ ખોલ્યા અને બકલમાં બાંધ્યા. અનિકા સંજનાની બેચેની જોઈ શકતી હતી. અનિકાએ ચાનો કપ ટિપાઈ પર મૂક્યો અને પોતાની સિલ્વર ચૂડીને આંગળીઓમાં રમાડતાં બોલી,
‘સંજના, આપણે ગયા મહિને મળ્યાં ત્યારે ઈરાની કૅફેમાં આપણે જે કંઈ ચર્ચા કરી હતી એના વિશે મેં બહુ વિચાર્યું. મેં તને પૂછેલું કે આપણા સંબંધનું ભવિષ્ય શું છે? આપણે બન્ને આ સંબંધમાં શું કરી રહ્યાં છીએ....’
‘એક મિનિટ..’ સંજનાએ અનિકાને બોલતાં અટકાવી. અનિકાને નવાઈ લાગી કે સંજનાએ તેને બોલતાં કેમ અટકાવી.
‘શું થયું?’
અને અનિકા વધારે કંઈ સવાલ પૂછે એ પહેલાં સંજના હિંમત કરીને બોલી,
‘પ્લીઝ, તું મારી સાથે બ્રેકઅપ નહીં કરતી. ડોન્ટ ટેલ મી કે ઇટ્સ ઓવર!’
અને જવાબમાં અનિકા ખડખડાટ હસી પડી. અનિકાને હસતી જોઈ સંજનાને થોડી રાહત તો થઈ પણ વધારે ગૂંચવાઈ.
‘અનિકા, તારા મનમાં શું છે મને તો કંઈ સમજાતું નથી.’
‘અને તું સંજના, તારા મનમાં કેવું-કેવું ભૂસું ભરાવી રાખે છે એની મને નવાઈ લાગે છે. તને કોણે કહ્યું કે મેં તને અહીં બ્રેકઅપ માટે બોલાવી છે?’
‘અરે, અડધી રાતે કોઈ મેસેજ કરી તેના પાર્ટનરને એમ કહે કે આપણે વાત કરવી જોઈએ, મારે તને મળવું છે. તો સામાવાળાને તો ફાળ જ પડેને કે ગઈ ભેંસ પાણીમાં.’
‘સી, વિચાર-વિચારમાં ફેર છે. દરેક વખતે સંબંધ તોડવા જ બે જણ ભેગા ન થાય. કેટલાક સંવાદ સંબંધ બચાવવા માટે પણ જરૂરી હોય છે.’
‘મને આવું અઘરું-અઘરું નહીં સમજાય અને સમજવુંય નથી. તું જસ્ટ મને કન્ફર્મ કરી દે કે આ બ્રેકઅપ સ્પીચ નથી, રાઇટ?’
‘હા, નથી જ.’
‘બસ, હવે બોલ્યા કર નિરાંતે. હાશશશશશશશ!’
સંજનાએ પોતાના વાળ ખોલી નાખ્યા. આળસ મરડીને સોફા પર નિરાંતે લાંબી થઈ અને અનિકાને હસવું આવી ગયું.
‘મેં તને સવાલ પૂછેલો આપણા સંબંધના ભવિષ્ય બાબતે સંજના અને એક વાત ખાસ કહેલી કે આ સવાલ હું માત્ર તને નહીં, મને પણ પૂછી રહી છું.’
‘હા મને યાદ છે.’ સંજનાએ અનિકાની આંખોમાં જોયું.
‘તો મને એનો જવાબ મળી ગયો સંજના.’
સંજના એકદમ ટટ્ટાર થઈ. થોડી વધુ નજીક આવી જાણે તેને આ જવાબ જાણવાની ખરા અર્થમાં તાલાવેલી છે.
‘મને એક સત્ય સમજાયું છે સંજના. આપણે બધા ભવિષ્ય વિશે એટલુંબધું વિચારીએ છીએ કે જાણે-અજાણે વર્તમાનને અન્યાય કરીએ છીએ. બહુ વિચારીએ છીએ ને એમાં વધુ ને વધુ ગૂંચવાઈએ છીએ. સંબંધ કોઈ ગણિતનો દાખલો નથી જેમાં સરવાળા-બાદબાકી કે ભાગાકાર-ગુણાકાર જેવી થિયરીથી બધું ઉકેલાઈ જાય. સાથે જીવવાનું શરૂ કરીએ એમ-એમ બે જણ એકબીજાને ઓળખતા જાય છે. એકબીજાની આવડતો અને અણઆવડતોથી વાકેફ થતા જાય છે. સંબંધના ભવિષ્ય વિશે વિચારતાં પહેલાં સંબંધને તો ઓળખી શકીએ, એવી પોતીકી જગ્યા તો ઊભી કરીએ. મને સાચ્ચે જ ભવિષ્ય વિશે કોઈ આઇડિયા નથી કે બે છોકરીઓ કપલની જેમ એક ઘરમાં સાથે જીવવાનું શરૂ કરશે એ સંબંધમાં કેવી ચૅલેન્જિસ આવશે! આપણે બન્ને એકબીજાના ગુલાબી રંગોને જ જાણીએ છીએ પણ સાથે રહીશું તો એકબીજાની ડાર્ક સાઇડને પણ ઓળખતાં થઈશું. એકબીજાના મૂંઝારાને ઉકેલીશું અને જો ક્યાંય અજવાળું હોય તો સંગાથે શોધીશું. હું એ ભવિષ્યનું શું કરીશ જેમાં મારી ગમતી વ્યક્તિ જ મારી સાથે નહીં હોય. હું એ વર્તમાન સાથે કેમ લડું જેની પાસે મારી આવનારી કાલ બાબતે કોઈ શ્યૉરિટી નથી. આપણે જીવનને તક તો આપીએ સંજના. સુખને અવસર મળે તો એ પાંગરશે. આવનારા દુ:ખનો વિચાર કરી-કરીને હું મારી સામે જે સુખ છે એની સાથે ક્યાં સુધી અન્યાય કરીશ?’
અનિકા બોલતી અટકી ગઈ કેમ કે તેનું ગળું ભરાઈ આવ્યું હતું. સંજના તેની પાસે ગઈ અને હાથ ખેંચીને ગળે વળગાડી. અનિકા ક્યાંય સુધી સંજનાની છાતી પર માથું મૂકીને રડતી રહી. પોતાની ભીની આંખો લૂછીને સંજના અનિકાની પીઠને પસવારતી રહી. ટિપાઈ પર મુકાયેલો પાણીનો ગ્લાસ સંજનાએ આપ્યો. અનિકાએ થોડું પાણી પીધું અને ગ્લાસ ટિપાઈ પર પાછો મૂક્યો. સંજનાએ વૉશ-બેસિન પાસે જઈને મોઢું ધોયું અને ફ્રેશ થઈ આવી. તેણે એક નજર વરંડામાં કરી. મેજર રણજિત હાથમાં ફોન લઈ બેચેન બની લોન પર ખુલ્લા પગે આંટા મારતાં-મારતાં વારંવાર ફોનની સ્ક્રીન તપાસતા હતા.
‘અનિકા, બધું બરાબર તો છેને? રણજિતને આટલા બેચેન મેં પહેલી વાર જોયા.’
‘બાબા જાય છે!’
‘ક્યાં?’
અને સંજનાએ જ્યારે આ ‘ક્યાં’ એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે અનિકાને રિયલાઇઝ થયું કે બાબા અનિકાના જીવનમાં અને મુંબઈના આ ઘરમાં એવા તો વણાઈ ગયા છે કે રણજિતે આ સરનામું મૂકીને જગતમાં જાણે બીજે ક્યાંય જવાનું હોય જ નહીં! એટલે ‘ક્યાં’ એવો પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે.
‘હિમાચલ. નડ્ડી ગામ જ્યાં તેમનું વુડન હાઉસ છે. જ્યાં તેમનું વર્ષોથી ઊછરેલું વિશ્વ છે. એની ખૂંદેલી કેડીઓ, ઓળખીતાં ઝરણાં, સ્વજન સરીખાં દેવદાર ચીડનાં ઊંચાં વૃક્ષો અને પોતીકું આકાશ છે.’
‘તું તેમને રોકી ન શકે?’
‘હજી સુધી તેમણે મને તો કહ્યું જ નથી કે તે જાય છે. ેમનો બલ ગામનો રુદ્રાક્ષ કૅફેવાળો પેલો દોસ્ત છેને માણિક શર્મા, તે બાબાને વિડિયો કૉલ કરે ત્યારે પેલા બન્ને કૂતરાઓ શેરા અને શિઝૂકાને જોઈ બાબા બહુ રડે છે. માણિક બાબાના ઘરની નિયમિત સાફસફાઈ કરે અને ફોટોસ મોકલે. ગયા અઠવાડિયે બાબા મને કહે કે અનિકા, તું મને આ ફોટોની પ્રિન્ટ કૉપી કરી આપ. મારે મારી રૂમમાં લગાડવા છે. એ ખૂલીને સીધી રીતે નથી કહી શકતા પણ મારી પાસેથી વિદાય લેવાના ડૉટ્સ ધીમે-ધીમે ભેગા કરે છે.’
થોડી વાર સુધી બન્ને ચૂપ રહ્યાં.
‘સંજના, મને એવું લાગે છે કે બાબાએ એવું સ્વીકારી લીધું કે અહીં આવવા માટેનું તેમનું જે કારણ હતું એ કાર્યકારણ હવે પૂરું થયું.’
‘તે પોતાની દીકરીને સમજવા આવેલાને અનિકા!’
‘ના. તે તેની દીકરીને ઘર આપવા આવેલા. તેમણે મને સમજાવ્યું કે બેટા, ઘર આપણી અંદર હોય છે. ઘર આપણી સાથે હોય છે. કેટલાક લોકો હાલતા-ચાલતા ઘર જેવા હોય છે. તે જ્યાં જાય ત્યાં પોતાનું ઘર ઊભું કરી દે. બાબાએ મારું ઘર બાંધી આપ્યું છે!’
વરંડામાં બાબાના ફોનની રિંગ વાગી અને અનિકાના ચહેરા પર સ્મિત આવ્યું. સંજના અનિકાને જોઈ રહી છે.
‘તેમના ફેવરિટ ડૉ. આદિત્ય કશ્યપનો ફોન આવ્યો.’
‘તેને પણ ખબર પડી કે રણજિત જાય છે?’
‘ગઈ કાલે હું તેમના ક્લિનિક ગયેલી.’
‘અચ્છા?’ સંજના એકદમ રમતિયાળ અંદાજમાં બોલી.
‘શટ અપ સંજના. હું બાબા માટે ગયેલી. મેં તેમને કહ્યું કે સી, મને તમારા ડૉક્ટર-પેશન્ટના સંબંધોના ગ્રામર વિેશે વધારે સમજ નથી પણ મારા બાબાને એક સારું ક્લોઝર આપો. તે મુંબઈ છોડીને પોતાના કાયમી સરનામે જાય છે. ખબર નહીં તે હવે ક્યારે પાછા આવે તો એક સારું ગુડ બાય તો બાબા ડીઝર્વ કરે છે. આફ્ટર ઑલ તમારા કારણે મારા બાબાના મનની બારી ખૂલી અને એક આખું નવું આકાશ ઊઘડ્યું છે તેમની આંખમાં.’
‘તેમણે શું રિપ્લાય આપ્યો?’
‘હી સેઇડ યુ આર રાઇટ અનિકા. હું કાલે બપોરે મેજરને કૉલ કરીશ. આ છેલ્લા સાત-આઠ મહિનામાં મેં તેમની સાથે જેટલી પણ વાતો કરી, તેમની સમજનો વિસ્તાર વધારવા જેટલી પણ મહેનત કરી એ બધાની કાલે અગ્નિપરિક્ષા થશે. કાલે હું તેમની સાથે જે વાત કરીશ એ વાતના આધારે મને પણ ખબર પડશે કે એક ડૉક્ટર તરીકે હું પાસ થયો કે નાપાસ. કાલે ખબર પડશે કે બારી કેટલી ખૂલી અને આકાશ કેટલું ઉઘાડું થયું!’
(ક્રમશ:)

