Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડૂઇંગ નથિંગ એટલે એ આળસ કે કામચોરી નહીં, એ ખૂબ પાવરફુલ ટેક્નિક છે

ડૂઇંગ નથિંગ એટલે એ આળસ કે કામચોરી નહીં, એ ખૂબ પાવરફુલ ટેક્નિક છે

Published : 27 March, 2026 12:49 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ચોવીસ કલાક ખુદને વ્યસ્ત રાખવાની પેરવીમાં આપણે શારીરિક અને માનસિક રીતે ક્ષીણ થતા જઈએ છીએ. એવામાં દિવસનો કેટલોક સમય એવો કાઢવો જરૂરી છે જેમાં ‘કંઈ જ ન કરવું’નો એજન્ડા સ્પષ્ટ હોય.

ડૂઇંગ નથિંગ એટલે એ આળસ કે કામચોરી નહીં, એ ખૂબ પાવરફુલ ટેક્નિક છે

ડૂઇંગ નથિંગ એટલે એ આળસ કે કામચોરી નહીં, એ ખૂબ પાવરફુલ ટેક્નિક છે


ચોવીસ કલાક ખુદને વ્યસ્ત રાખવાની પેરવીમાં આપણે શારીરિક અને માનસિક રીતે ક્ષીણ થતા જઈએ છીએ. એવામાં દિવસનો કેટલોક સમય એવો કાઢવો જરૂરી છે જેમાં ‘કંઈ જ ન કરવું’નો એજન્ડા સ્પષ્ટ હોય. આ પ્રકારનો આરામ શરીર અને મગજને તરોતાજા કરે છે, પ્રોડક્ટિવિટી પર કામ કરે છે અને કામની સ્પીડ અને ગુણવત્તાને વધારે છે. ગૅજેટ્સના વધુપડતા ઉપયોગને કારણે આપણે ખુદથી આ સમય છીનવી રહ્યા છીએ, જેને જીવનમાં પાછો લાવવાની અત્યંત જરૂર છે

ઍૅક્ટર અર્શદ વારસીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને કશું ન કરવું ખૂબ ગમે છે. તમે કશું જ ન કરતા હો, પડ્યા રહો બસ, એ અવસ્થા તેની ફેવરિટ છે. તેણે કહ્યું હતું કે લોકો જ્યારે પણ મને પૂછે છે કે તમને શું ગમે? એમાં હું તેમને આ જ જવાબ આપું છું. તે કંઈ જ કરી ન રહ્યો હોય એવું કરવું તેને ખૂબ ગમે છે. આ સાંભળીને કોઈ પણને હસવું આવે. કેટલાકને લાગે કે કેટલો આળસુ માણસ છે, પણ અહીં તે આળસની વાત નથી કરી રહ્યો. કોઈ કામચોર વ્યક્તિને પણ પૂછો કે તમને શું કરવું ગમે? તો એના જવાબમાં તે એમ જ કહે છે કે મને કંઈ કરવું જ નથી. એક આળસુ વ્યક્તિ પણ આવો જ જવાબ આપે. જે પરાણે કામ કરતી હોય એ વ્યક્તિ પણ આવો જ જવાબ આપે. પણ જે અતિ સારું કામ કરતી હોય કે જે ખંતથી કે પર્ફેક્શનથી કામ કરતી હોય એ વ્યક્તિ પણ આવો જવાબ આપી શકે, કારણ કે એ વ્યક્તિને ‘ડૂઇંગ નથિંગ’ના પાવરની ખબર છે. આ વાતને થોડી વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીએ. 



આ અવસ્થા છે શું? 
કૉર્પોરેટમાં કામ કરનારાથી લઈને મજૂર વર્ગ સુધી બધા અઠવાડિયામાં એક દિવસ એવો કાઢે છે જે દિવસે તેઓ કંઈ જ કરતા નથી. આખો દિવસ શું કર્યું એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે કંઈ જ નહીં. બસ, પડ્યા રહ્યા. કેટલાક તો એવા હોય છે જેમને જમવા માટે પણ ઊઠવું પડે એનો ત્રાસ થાય છે. તેમને તેમની મનગમતી વસ્તુઓ માટે પણ એ દિવસે ડિસ્ટર્બ કરવા જેવું હોતું નથી. હાઉસવાઇફને આવો કોઈ એક દિવસ મળતો નથી જ્યાં તે આરામ કરી શકે, પરંતુ તેને મળે છે તેની બપોર. કોઈ પણ હાઉસવાઇફને તમે બપોરે ડિસ્ટર્બ નહીં કરી શકો. જો એવું કરશો તો તે ભયંકર ચિડાઈ જશે. બપોરના નિશ્ચિત ૧-૨ કલાક ફક્ત તેના હોય છે જેમાં તે કશું જ કરવા માગતી નથી. ઊંઘ આવી જાય તો ઠીક છે, ન આવે તો પણ કંઈ નહીં પણ એ દરમિયાન તેને કામ નથી કરવું હોતું. આ અવસ્થા એટલે ‘કંઈ ન કરવાની અવસ્થા.’ 


આ અવસ્થા આવે ક્યારે? 
આ અવસ્થા જન્મે છે ક્યાંથી? એ અવસ્થા આવે છે થાકમાંથી. શરીર અને મન જ્યારે કામ કરી-કરીને, અઢળક વ્યસ્તતાથી થાકી ગયું હોય ત્યારે વ્યક્તિ અંદરથી પોકારી ઊઠે છે, બસ, હવે નહીં થાય; હવે મારે કંઈ કરવું જ નથી. બધા લોકોનું આ ‘બસ’ જુદા-જુદા સમયે આવતું હોય છે. કેટલાકને અમુક કલાકોમાં તો કેટલાકને અમુક દિવસોમાં તો કેટલાકને આ ‘બસ’ આવતાં વર્ષો વીતી જતાં હોય છે. મોટા ભાગે લોકોને લાગવા લાગે છે કે તે એક મશીનની જેમ બસ, કામ જ કરી રહ્યા છે. ત્યારે તેમને જરૂર પડે છે, ‘કંઈ નહીં કરવાની.’ 

એનું મહત્ત્વ 
એક સમય હતો જ્યારે લોકો પાસે આવો સમય રહેતો જ. ૨૪ કલાકમાંથી બેથી લઈને આઠ કલાક સુધી  તેઓ એ સમય એવી રીતે પસાર કરતા જ હતા જેમાં તેમને કંઈ જ કરવાનું નહોતું. ખાસ કરીને બપોરનો સમય લોકો એમ વિતાવતા. સાંજે વહેલા જમીને રાત્રે સૂતા પહેલાંના બે-ત્રણ કલાક લોકો કશું ન કરતા. આજનો સમય ઘણો જુદો છે. આજકાલ કામના કલાકો ૧૦-૧૨ કલાકના થઈ ગયા છે. વ્યસ્તતા પહેલાં કરતા વધી ગઈ છે અને એની સાથેનો યક્ષપ્રશ્ન સમજાવતાં લાઇફ-કોચ અમિત કાપડિયા કહે છે, ‘૧૦-૧૨ કલાકની જૉબમાં પણ વ્યક્તિ પાસે ‘કંઈ ન કરવાનો’ સમય બચી શકે જો તે ફોન અને ગૅજેટ્સની ગુલામ ન બની ગઈ હોય તો. આજે માણસ બે મિનિટ પણ ફ્રી થાય તો ખાલી બેસતો નથી. તે તરત ફોન ઉપાડી લે છે. સોશ્યલ મીડિયા ઍપ પર અનાયાસ હાથ સરકી જ જાય છે. આજે ઍવરેજ વ્યક્તિ ૩-૫ કલાક, ડૂમ સ્ક્રૉલિંગ પાછળ સમય વેડફી રહ્યો છે. એ સમય તેના મગજને સતત વ્યસ્તતાનો ભાર આપે છે, ખાલી રહેવા દેતું નથી, આરામ કરવા દેતું નથી; જેને લીધે મેન્ટલ ફટીગ એટલે કે માનસિક થાક આવે છે. કામ, ટ્રાફિક અને ટ્રાવેલિંગનું ભારણ શારીરિક થાક અપાવે છે અને સતત ગૅજેટ સાથે ચોંટી રહવાની આદત માનસિક થાક, જેને લીધે જે વચ્ચે અવકાશ હોવો જરૂરી હતો એનો અભાવ જોવા મળે છે. બે શબ્દો વચ્ચે તમે જગ્યા ન છોડો, બે વાક્ય વચ્ચે એક અલ્પવિરામ કે પૂર્ણવિરામ ન મૂકો, બોલતી વખતે વચ્ચે-વચ્ચે પૉઝ ન લો તો અર્થના અનર્થ સર્જાઈ જતા હોય છે. આખા દિવસની વ્યસ્તતામાં વચ્ચે ‘કંઈ નહીં કરવાની’ વ્યવસ્થા હોવી જરૂરી છે, નહીંતર એ શારીરિક અને માનસિક થાકને કારણે વ્યક્તિ ડ્રેઇન થઈ જાય કે સાવ નંખાઈ જાય છે.’ 


કોને વધુ જરૂર? 
વળી એક માણસ એક સમયે એકસાથે બીજાં પાંચથી દસ કામો કરવા ટેવાઈ ગયો છે. એમાંથી એક-બે કામ ઓછાં થઈ જાય તો ખાલી લાગવા લાગે છે. અત્યારે જે અત્યંત બિઝી રહેતા હોય છે તેમને તમે કહો કે અત્યારે આ અડધો કલાક તમારે ફક્ત એક જ કામ પર ધ્યાન આપવાનું છે તો તેમને અટપટું લાગવા લાગતું હોય છે. અડધો કલાક તો શું, ઘણાની હાલત એટલી ખરાબ છે કે તેઓ આવી પાંચ મિનિટ પણ પસાર નથી કરી શકતા જેમાં એ પાંચ મિનિટ ફક્ત એક જ કામ પર ધ્યાન આપવાનું છે, ધ્યાન બીજા કામ તરફ ભટકે નહીં. તો આ પરિસ્થિતિમાં ‘કંઈ જ ન કરવાનું’ તો કેટલું ભારે પડી જાય? આવી વ્યક્તિઓને ‘કંઈ ન કરવા’ માટે સમય ફાળવવો ખૂબ જ જરૂરી બની જાય છે એમ સમજાવતાં લાઇફ-કોચ વૈશાલી શાહ કહે છે, ‘આપણે કાયમી ડિસ્ટ્રૅક્શનના સમયમાં જીવી રહ્યા છીએ. ‘કંઈ ન કરવું’ એ તદ્દન એનાથી વિરુદ્ધની ક્રિયા છે. એટલે ‘કંઈ ન કરવાનું’ આપણા માટે ઘણું વધુ મહત્ત્વનું બની ગયું છે અને એ આપણે પ્રૅક્ટિસ કરવું જ જોઈએ. આપણે આપના મગજને સ્વિચ ઑફ જ નથી કરતા. જે નૅચરલ કામ હતાં, જેમાં મગજને આરામ મળતો જેમ કે બાથરૂમ કે ટૉઇલેટમાં જવું ત્યાં પણ આપણે મોબાઇલને સાથે લઈને જવા લાગ્યા છીએ. રસોઈ બનાવવા જેવી થેરપ્યુટિક વસ્તુઓમાં પણ આપણે મોબાઇલ કે ટીવી ચાલુ જ રાખીએ છીએ. કામમાંથી નાનકડો બ્રેક મળે તો એ બ્રેકમાં આપણે મોબાઇલ પર ગેમ રમી લઈએ છીએ. એટલે આવી પરિસ્થિતિમાં તો ‘કંઈ ન કરવાનું’ ખૂબ જ જરૂરી બની ગયું છે અને એ બધાને જ લાગુ પડે છે.’ 

આ આળસ નથી, જરૂરિયાત છે 
તમને કોઈ પણ કામ આપવામાં આવે અને ત્યારે તમને અંદરથી અવાજ આવે કે મને કંઈ નથી કરવું તો એના ઘણાબધા અર્થ થાય. જેમ કે તમે ખૂબ થાકી ગયા છો, આ કામથી કંટાળી ગયા છો, તમને એ કામ ગમતું નથી કે તમે આળસુ કે કામચોર છો. પણ તમે અઢળક કામ કરો છો. અતિ વ્યસ્ત રહો છો. એ સમયે તમને અમુક સમય એવો જરૂરી થઈ પડે છે જ્યારે તમે કોઈ કામ ન કરો, કોઈ પ્રવૃત્તિ ન કરો, તમે કોઈ વિચાર પણ શક્ય હોય તો ન કરો, તમારી આખી સિસ્ટમને શટડાઉન કરી દો. આવું કંઈ નહીં કરવાનું ઘણું-ઘણું જરૂરી છે જે તમને અંદરથી રીચાર્જ કરી દે છે અને તમે વધુ સારી કાર્યક્ષમતા સાથે ફરી કાર્યરત થઈ શકો છો.

શું કરવું? 
‘કંઈ ન કરવાના’ પણ કોઈ નિયમો તો હોવા જોઈએ નહીંતર એ ક્યારે આળસમાં ખપી જાય એ ખબર ન પડે. ઘણા લોકો એવા છે જે અઠવાડિયાનો એક દિવસ કાઢે અને ઘણા એવા છે જે દરરોજ એ સમય કાઢે. આ બન્નેમાંથી સાચી પદ્ધતિ કઈ એ વિશે વાત કરતાં અમિત કાપડિયા કહે છે, ‘તમારે તમારું આઉટકમ વધારવું હોય, પર્ફેક્શન પર ટકી રહેવું હોય, કામ કરવાની ઝડપ વધારવી હોય, કામની ક્વૉલિટી સતત વધારવી હોય તો દિવસમાં એક ફિક્સ ટાઇમ રાખવો જરૂરી છે જેમાં તમે કંઈ જ ન કરતા હો. આ સમય ૧૦ મિનિટથી લઈને અડધા કલાક સુધીનો હોઈ શકે છે. એ સમયમર્યાદા તમે નક્કી કરી શકો છો પણ એની પ્રૅક્ટિસ દરરોજ કરવી જરૂરી છે.’ 

આ કરવું શરૂઆતમાં અઘરું બની શકે છે. એ વિશે વાત કરતાં વૈશાલી શાહ કહે છે, ‘આ એક પ્રકારની ધ્યાન કરવા માટેની તૈયારી જ ગણી શકાય. પહેલાં તો અમુક મિનિટ કામ વગર બેસતાં શીખવું પડે જ્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોય. જૂની યાદો તાજી થઈ શકે, દરરોજનું પ્લાનિંગ મગજમાં ભમવા માંડે, બને કે કોઈ ક્રીએટિવ આઇડિયાઝ આવવા લાગે કે કંઈ પણ થઈ શકે. કેટલાક લોકોને ઊંઘ પણ આવી જાય એવું બને. પણ શરૂઆત કંઈક આવી જ થશે. કામ વગર, કોઈ પણ પ્રકારના ગૅજેટ વગર ખાલી બેસતાં શીખો. આ સમયે કશું કરવાનો એજન્ડા મનમાં રાખવાનો નથી. છતાં કંઈ મગજમાં આવે તો એને ધકેલવાનું પણ નથી. રેસ્ટ આપવાનો છે, પણ સહજતા સાથે. એક વાર એ કરી જુઓ. ફરક આપોઆપ દેખાશે.’

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 12:49 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK