માતૃભાષામાં ભણેલાં બાળકોની માનસિક તનાવ સહન કરવાની શક્તિ ઘણી વધારે હોય છે એવું તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
૨૪ ઑગસ્ટને વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ જ તારીખે આપણા લોકપ્રિય કવિ, લેખક અને સમાજસુધારક નર્મદનો જન્મદિવસ છે. આજથી સવાસો કરતાં વધુ વર્ષો પહેલાં કવિ નર્મદે ‘નર્મ કવિતા’ અને ‘નર્મ કોશ’ ઉપરાંત અનેક સાહિત્યિક અને ઐતિહાસિક પુસ્તકોનું સર્જન અને પ્રકાશન પણ કર્યું હતું. તેમના જેવા અનેક વિદ્વાનો, સાહિત્યકારો, ગુજરાતી દૈનિકો, પ્રકાશકો, નાટ્યકર્મીઓ અને કલાકારોની અથાગ મહેનત અને પ્રયત્નોને લીધે ગુજરાતી ભાષા આજે પણ જીવંત છે અને રહેશે. જોકે દુ:ખની વાત એ છે કે આજનાં મા-બાપો એવી ભ્રમણામાં જીવે છે કે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવાથી જ બાળક જીવનમાં સફળતા મેળવી શકશે. આ ભ્રમણાનો લાભ આજની શિક્ષણસંસ્થાઓ ભરપૂર પ્રમાણમાં ઉઠાવી રહી છે. અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓમાં તો લાખો રૂપિયાની વાર્ષિક ફી ઉઘરાવવામાં આવે છે. વાલીઓએ એક વાત વિચારવા જેવી છે કે જો માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણાવવાથી સફળતા મળી જતી હોત તો આજે અંગ્રેજી માધ્યમમાં ભણેલો કોઈ યુવાન બેકાર ન હોત. ગુજરાતી માધ્યમમાં ભણેલી અનેક વ્યક્તિઓએ આજે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનીને જીવનમાં જ્વલંત સફળતા મેળવી છે. જોકે આજે મુંબઈમાં ગુજરાતી માધ્યમની સારી શાળાઓ ઓછી છે એ પણ એક હકીકત છે. ગુજરાત રાજ્યમાં તો દરેક અંગ્રેજી માધ્યમની શાળામાં પણ ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા માટે શિક્ષણખાતાએ આદેશ આપ્યો છે. આ એક ઉત્તમ કાર્ય આપણી ગુજરાતની સરકારે કર્યું છે. અન્ય રાજ્યોમાં પણ શિક્ષણખાતા તરફથી દરેક શાળામાં માતૃભાષા શીખવાનો વિકલ્પ અપાય એ જરૂરી છે. બાળકો સાથે પોતાના ઘરમાં પણ અંગ્રેજીમાં વાતચીત કરતાં મા-બાપો આપણી સાંસ્કૃતિક પરંપરાની ઘોર ખોદી રહ્યાં છે એવું લાગી રહ્યું છે. જે બાળક માતૃભાષાથી વિમુખ થાય છે તે આપણી સંસ્કૃતિથી પણ વિમુખ થતું જાય છે. જેનાં મૂળિયાં મજબૂત ન હોય એ વૃક્ષ તોફાનમાં ધરાશાયી થઈ જાય છે એ જ રીતે આપણી સંસ્કૃતિ અને માતૃભાષાથી વિમુખ થનાર વ્યક્તિ જીવનમાં પડકારોનો સામનો સહેલાઈથી કરી શકતી નથી. માતૃભાષામાં ભણેલાં બાળકોની માનસિક તનાવ સહન કરવાની શક્તિ ઘણી વધારે હોય છે એવું તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું છે.
-હેમંત ઠક્કર

