‘આ એ જ મુંબઈ, જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. ત્યારે મુંબઈમાં ઘોડાની ટ્રામ ચાલતી. જોકે ઇલેક્ટ્રિકનાં દોરડાં નખાવાં શરૂ થતાં હતાં. આગગાડીમાં કદીક ભીડ થાય એ બીકે કોલાબા સ્ટેશને જઈ ટ્રેનમાં બેસતા.
એલ્ફિન્સ્ટન કૉલેજ
‘આ એ જ મુંબઈ, જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. ત્યારે મુંબઈમાં ઘોડાની ટ્રામ ચાલતી. જોકે ઇલેક્ટ્રિકનાં દોરડાં નખાવાં શરૂ થતાં હતાં. આગગાડીમાં કદીક ભીડ થાય એ બીકે કોલાબા સ્ટેશને જઈ ટ્રેનમાં બેસતા. ગિરગામથી કોલાબા જવા વિક્ટોરિયાવાળો દોઢ રૂપિયો માગતો. હરકિસનદાસ હૉસ્પિટલની જગ્યામાં અલહમ્બ્રા સિનેમા ચાલતો ત્યાં ‘બ્રોકન કૉઇન’ની ‘કલેજા ઊથલાવી નાખનારી દિલ ધડકાવનારી’ આઠ હપ્તાની ચાલુ સાઇલન્ટ ફિલ્મ જોતા. ફિલમમાં સમજ ન પડે તેમને સમજાવવા એક વક્તા-ઉસ્તાદ રહેતો. ફિલમમાં જ્યારે જ્યારે વચમાં અંગ્રેજી લખાણ આવતું એ ગાળામાં એ તરત એનો તરજુમો બોલતો. ત્યારે ટૉકીની તો વાત જ ક્યાં, પણ લાઉડ-સ્પીકરે નહોતાં, ને છતાં આ બંદો બુલંદ અવાજે રોનકદાર જબાનમાં બધું સમજાવતો, ત્યારે ખરેખર મજા આવતી. ત્યારે હિન્દી, હિન્દુસ્તાની, કે ઉર્દૂના ઝઘડા નહોતા. એ જે જબાન બોલતો એથી અમને અંગ્રેજી ફિલમ પૂરી સમજાતી.’
ના, જી! આ ઘોડાની ટ્રામ, આ અલહમ્બ્રા સિનેમા જોવાનું આ લખનારના નસીબમાં નહોતું. પણ આ બધું જોયું અને એના વિશે લખ્યું એ આપણી ભાષાના એકમાત્ર નાટ્યમહર્ષિ ચંદ્રવદન ચીમનલાલ મહેતાએ. વધુ ઓળખાય સીસી, ચંચી કે ચાંદામામા તરીકે. ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે જન્મ. ૧૯૯૧ના મે મહિનાની ચોથી તારીખે ફાઇનલ એક્ઝિટ. આ વરસે તેમના જન્મની ઘટનાને ૧૨૫ વર્ષ થયાં. ૧૦૦ વર્ષનું આયુષ્ય તો પૂરું ન કરી શક્યા, પણ ૯૦ વરસની જિંદગીમાં ૧૦૧ પુસ્તકો લખ્યાં. સીસી જેટલા લેખિત શબ્દના માણસ એટલા જ બોલાતા શબ્દના પણ. નાટક-એકાંકીનાં ૩૨ પુસ્તક. તેમણે નાટકો માત્ર લખ્યાં જ નહીં, ભજવ્યાં અને ભજવાવ્યાં પણ. સીસીએ મરાઠી કે બંગાળીમાં આટલું અને આવું લખ્યું હોત તો એ પ્રજાએ ૨૦૨૬ના વરસના એકેએક અઠવાડિયે ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રીતે તેમને ઊજવ્યા હોત. પણ તેમણે તો લખ્યું ગુજરાતીમાં... પણ જવા દો એ વાત. નાહક કોઈકની ‘લાગણી દુભાઈ જશે.’
સીસી ‘વિશ્વમાનવ’ પછીથી બન્યા. પણ મુંબઈ આવ્યા ત્યારે તો હતા પાક્કા સુરતી. અને છતાં તેમને મુંબઈ ગમતું હતું. લખે છે : ‘મુંબઈ ગમતું હતું. કેમ, તે કોણ જાણે. ઘડાતું, બંધાતું, સમૃદ્ધ શહેર હતું એથી હશે? કોણ જાણે? પણ શા માટે ગમવું જોઈએ? જે શહેરનો વિકાસ મોટા ભાગે સુરતના વિનાશને આભારી છે તે? સુરતનાં બજાર, સુરતની દોલત, સુરતની અક્કલ, સુરતના રંગરાગ, મુંબઈમાં એકઠાં થતાં જતાં હતાં, છતાં મુંબઈ ગમતું હતું. ખરેખર, કુદરતની લીલા જ અલૌકિક છે.’
પણ આ સીસી મુંબઈ આવ્યા હતા શું કામ? કૉલેજનું ભણવા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ એ વખતે મુંબઈ શહેરની જ નહીં, આખા મુંબઈ ઇલાકાની જાણીતી-માનીતી કૉલેજ. અહીં ભણેલા ગુજરાતી સાક્ષરો, લેખકો, કવિઓ, પત્રકારોનાં નામની યાદી બનાવીએ તો એમાં જ બાકીના લેખની જગ્યા પૂરી થઈ જાય. અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદ એલ્ફિન્સ્ટનમાં ભણવા સુરતથી મુંબઈ આવ્યા, એમ આ સીસી પણ સુરતથી મુંબઈ આવ્યા તે એલ્ફિન્સ્ટનમાં ભણવા.
એલ્ફિન્સ્ટન કૉલેજમાં સીસીના ગુજરાતીના અધ્યાપક કોણ? સાક્ષરવર્ય નરસિંહરાવ દિવેટિયા. તેમને માટે સીસીને અસાધારણ માન, આદર. લખે છે: ‘ખંતીલા, કડક, પોતાના કાર્યમાં મશગૂલ, સમય જાળવવા માટે અત્યંત ચુસ્ત, ઝીણવટ માટે અનહદ ચોક્કસ, નિયમો પાળવા-પળાવવા માટે દૃઢાગ્રહી. એવા એક પ્રતિભાશાળી, તેજસ્વી અને તરત છાપ પડે એવા વ્યક્તિત્વવાળા શિક્ષક પાસે હોંશભેર ભણવાની તક મળી.’
મુંબઈની એ જ એલ્ફિન્સ્ટન કૉલેજમાં સીસીએ પહેલી વાર ‘નાટક’ કર્યું. ભાગ તો લીધો હતો વકતૃત્વ સ્પર્ધામાં. ૩૦ જેટલા ભાગ લેનારા. ચિઠ્ઠી ખેંચાઈ ત્યારે સીસીનો નંબર છેલ્લો. ઑડિયન્સ અને નિર્ણાયકો બધા થાકેલા, કંટાળેલા. સીસીએ સ્ટેજ પર આવી શરૂઆત કરી : ‘જૂજા! જૂજા! એક અદ્ભુત નવા જમાનાની શોધ! નવી જ દવા! ગમે એ રોગ પર વાપરો, તો એ રોગ મટી જાય.’ અંગ્રેજીમાં, જરા આડમ્બરી શૈલીમાં બરાડા પાડી, અને ગજવામાંથી નાની ડબ્બી કાઢી બતાવી! ‘જેને ટાલ હોય તેને, દાંત નહીં હોય તેને...’ અને એમ જે હાથ આવ્યા તે બધાને ધડાધડ એના ઉપયોગ માટે ભલામણ કરી. તરત જ ગજવામાંથી જન્માક્ષરની માફક વાળી રાખી મૂકેલો એ સર્ટિફિકેટોનો વીંટો ખેંચી, એક છેડો હાથમાં રાખી આખો વીંટો હવામાં ઉડાડ્યો અને ઑડિયન્સ તો ખુશ ખુશ થઈ ગયું. સીસી લખે છે: ‘અને જેમ પેલા અતિશયોક્તિ ભરેલાં ખોટાં સર્ટિફિકેટ્સમાંનું એકેક વાંચું અને સેવક બનાવનારની હોશિયારીનાં નમી નમી વખાણ કરું, તેમ તેમ સાંભળનારાના શૂરનો પાર ન રહે. તાળી પર તાળી!’ નિર્ણાયકોએ સીસીને હરીફાઈ જીતેલા જાહેર કરી ચંદ્રક આપ્યો. આખા હૉલમાં તાળીઓનો ગડગડાટ. અને સીસી કહે છે : ‘અને મારી છાતીમાં તો હું સમાઉં જ શાનો?’
હરીફાઈ હતી વક્તૃત્વની. પણ સીસી કરી બેઠા નાટક. એ પછી પહેલું નાટક લખ્યું અને ભજવ્યું એ પણ મુંબઈમાં. એક તો એ વખતે મુંબઈમાં નાટકનાં થિયેટર ગણ્યાંગાંઠ્યાં. એમાં વળી કૉલેજના જુવાનિયાનું પહેલું નાટક! થિયેટર ભાડે કોણ આપે? એટલે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના હૉલમાં ભજવ્યું. એ નાટક એટલે ‘અખો’, આપણા મધ્યકાલીન કવિના જીવન-કવનને તખ્તા પર રજૂ કરતું નાટક. ઑડિયન્સમાં હતા કનૈયાલાલ મુનશી અને નરસિંહરાવ દિવેટિયા. એ વખતે હજી મુંબઈમાં પણ ‘સારા ઘરની’ દીકરી-વહુ નાટકમાં ભાગ ન લે, પણ આ નાટક માટે એક મળી ગઈ, સરલા દેસાઈ, જે પછીથી બની સરલા ગોપાલ બૅનરજી. પછી કવિ નર્મદની શતાબ્દી વખતે ‘નર્મદ’ ભજવ્યું. એમાંના રોવા-કૂટવાના દૃશ્યનો ખાસ્સો વિરોધ થયો, એ જમાનાના મુંબઈમાં પણ : ‘આવું દૃશ્ય તખ્તા પર ભજવી જ કેમ શકાય?’ પછી ન્યુ ઈરા સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેટલાક શિક્ષકો સાથે રૉયલ ઑપેરા હાઉસમાં ભજવ્યું પોતે લખેલું અફલાતૂન ‘રમકડાંની દુકાન.’
સીસી, તમે નાટક-ચેટક તો ઘણાં કીધાં. પણ નોકરીનું શું? પહેલી વ્યવસ્થિત નોકરી મળી ત્યારે સીસીની ઉંમર ૩૮ વરસની! અને એ નોકરી સામે ચાલીને સીસી પાસે આવેલી. અલબત્ત, મુંબઈમાં જ. બેકાર હતા એટલું જ નહીં, થોડી ઘણી મૂડી હતી એ પણ શૅરબજારના સટ્ટાના રવાડે ચડીને ગુમાવેલી. એક દિવસ બન્યું એવું કે... ના. એ વાત સીસી પાસેથી જ સાંભળીએ. ‘મુંબઈમાં ૧૯૨૮ની સાલથી બ્રૉડકાસ્ટિંગ ચાલે છે. લલિતજી અને સુંદરાબાઈને કદીક સાંભળતો, પણ એ દિશામાં ફરક્યો નહોતો. ફરકવું થયું નહોતું. એક દિવસ એમ જ હું રસ્તે રસળતો ચાલતો હતો, ત્યાં પાછળથી એક મોટર આવી ઊભી રહી. હાંકનારે દરવાજો ખોલી હુકમ કર્યો. ‘બૈઠ જાઓ.’ અને હું બૅલાર્ડ પિયરની બ્રૉડકાસ્ટિંગની ઑફિસમાં ઘસડાયો. રસ્તામાં બુખારી મને એમાં જોડાવા સમજાવી રહ્યો હતો. તેણે દફતરમાં એક લાંબા, ગોરા અફસર સામે ખડો કરી દીધો. ‘મારે આને આપણા ખાતામાં નોકરીએ રાખવો છે.’ એ અફસર તે લાયોનલ ફિલ્ડન, બ્રૉડકાસ્ટિંગ શ્વાસોચ્છ્વાસનો માહિતગાર, અસરકારક કલમબાજ, હૈયે હિન્દનું પૂરું હિત ધરાવનાર, અત્યંત સ્વતંત્ર દિમાગનો અફસર. તેની સાથે બે-ત્રણ મુલાકાતો થઈ. અને ૧૯૩૮ની સાલના જૂનમાં બ્રૉડકાસ્ટિંગ ખાતામાં પ્રોગ્રામ અસિસ્ટન્ટ તરીકે દોઢસો રૂપિયાના પગારે હું નોકરીએ રહ્યો.’
પણ સખણા થઈને ઑફિસની ખુરસીમાં બેસે તો તે ચંદ્રવદન શાના! આત્મકથામાં પોતે જ નોંધે છે: ‘બુખારીએ ફિલ્ડન આગળ મને એક વાર ઊભો કરી ફરિયાદ કરી : ‘આ માણસ કામ પર આવે છે, ચાર દિવસ રહી રાજીનામાં આપે છે, અને અમે એ ફાડી નાખીએ છીએ! નોકરી માટે તેણે અરજી પણ નથી કરી, પણ અમારે તેને અહીં જ રાખવો છે, શું કરીએ?’
ફિલ્ડને હસીને કહ્યું કે ‘અરજાં બરજાં અને રેફરન્સીઝનું તો થયા કરશે. પહેલાં તેને એક કલાક કામ પર બોલાવો. પછી બે કલાક, પછી ત્રણ કલાક. અને વચ્ચે એકાદ ચૉકલેટ બૉક્સ આપજો, અને પછી જોજો કે એ બ્રૉડકાસ્ટિંગમાં કેમ પચી જાય છે એ.’
એ વખતે રેડિયો પર બે મુખ્ય વિભાગ એ સ્પોકન વર્ડ અને સંગીત. ત્રીજો વિભાગ એ સમાચારોનો, પણ એ તો દિલ્હીમાં. સીસી સ્પોકન વર્ડના ખેરખાં. વાર્તાલાપો, નાટકો વગેરે તો ખરાં જ. પણ નવા નવા અખતરા કરે, સફળતાથી. ચતુરનો ચોતરો, બુદ્ધિ ધાનશાક મંડળ. ક્રિકેટની રનિંગ કૉમેન્ટરીની જેમ મકર સંક્રાંતની સવારે સુરતથી પતંગની કૉમેન્ટરી. સાથે જોડાય આપણા અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે.
પણ સીસીનું એકચક્રી રાજ એ તો રેડિયો નાટકમાં. મૂળ રંગભૂમિનો જીવ. કેટલાંયે નાટકો લખ્યાં, ભજવ્યાં. દરેક નાટકમાં કંઈક નવું નોખું. પણ લખ્યું એટલું સાચવ્યું નહીં. રેડિયો પર એ વખતે ‘લાઇવ’ કાર્યક્રમોનો જમાનો. એટલે રેકૉર્ડિંગ પણ નહીં. એક બાજુ ‘અત્ર લુપ્તા સરસ્વતી’ જેવું છંદોબદ્ધ નાટક તો બીજી બાજુ ‘આઇએનએસ બેન્ગાલ’ જેવું દસ્તાવેજી રૂપક. ગાંધીજી અને સરદાર પટેલ વિશેની બે નાટ્યશ્રેણીઓ, તો ‘અમરફળ’ જેવું પૌરાણિક નાટક. એક બાજુ ‘ખૂન’ નામનું નાટક તો બીજી બાજુ ‘પ્રીત ભઈ’. ચંચી મુઝફ્ફરશાહ વિશે પણ નાટક લખે અને શાંતિનિકેતન વિશે પણ લખે. વીર, શૃંગાર, હાસ્ય વગેરે રસોના કુશળ કસબી, પણ છેવટે ઠરે તે તો શાંત રસમાં.
આ લખનારને આજે પણ લગભગ આખેઆખું મોઢે છે એ તો સીસીનું છંદોબદ્ધ ‘કન્યાવિદાય’. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ પર આધારિત આ સંગીત રૂપક જેટલું કાલિદાસનું છે તેટલું જ સીસીનું છે. અનુવાદ નહીં, અનુસર્જન. એ જમાનામાં એટલું પૉપ્યુલર, કે દર વરસે રેડિયો પર ફરી-ફરી લાઇવ ભજવાય. રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા અને આપણા જાણીતા કવિ, સંગીતકાર, ગાયક નિનુભાઈ મઝુમદારે સંગીતબદ્ધ કરેલું. અને કેવા-કેવા કલાકારો : નિનુભાઈ પોતે, પિનાકીન ત્રિવેદી, ગિજુભાઈ વ્યાસ, સુષમાબહેન દિવેટિયા, વીણા મહેતા, અંજની મહેતા, કૌમુદી મુનશી. સીસી પોતે શરૂઆતમાં ભૂમિકા બાંધે. પણ એ વખતે રેકૉર્ડિંગની સગવડ નહીં. હા, અમદાવાદમાં ક્ષેમુભાઈ દિવેટિયાના સંગીતસંયોજનમાં સ્ટેજ પર ભજવાયેલું એનું ઑડિયો રેકૉર્ડિંગ સચવાયું છે.
ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાંબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર તે બન્ને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડીને ચંદ્રવદનભાઈનો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવી. મેનાંબાઈએ રાજતિલક કર્યું. જાંબુડાની સૂકી ડાળખીની તલવાર બનાવીને હાથમાં આપી. પણ પછી તો ફૂમતાંવાળી ટોપીને બદલે ચંદ્રવદનભાઈને માથે મુકાયો ૧૦૧ પુસ્તકરૂપી રત્નોવાળો ઝળહળતો તાજ.
