મુસાફર સંગઠનના સભ્યોના જણાવ્યા અનુસાર લોકલ ટ્રેનના લગેજ ડબ્બામાં બે જણ બીડી પી રહ્યા હતા જેના કારણે આખા ડબ્બામાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
ભરત ટોપલે અને હુમલો કરનાર આરોપીઓ
ચાલુ ટ્રેનમાં બીડી પીવાનો વિરોધ કરવા બદલ શુક્રવારે બે લોકોએ થાણે જિલ્લાના લોકલ ટ્રેન મુસાફર સંગઠનના પ્રતિનિધિ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. કલ્યાણ-કસારા રેલવે મુસાફર સંગઠનના શહાડ વિસ્તારના પ્રતિનિધિ ભરત ટોપલેએ જણાવ્યું હતું કે ઠાકુર્લી નજીક કસારા- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
મુસાફર સંગઠનના સભ્યોના જણાવ્યા અનુસાર લોકલ ટ્રેનના લગેજ ડબ્બામાં બે જણ બીડી પી રહ્યા હતા જેના કારણે આખા ડબ્બામાં ધુમાડો ફેલાઈ ગયો હતો. સંગઠનના સભ્યોએ કહ્યું કે ઝઘડાના ડરથી આ બીડી પીનારાઓને કોઈએ કંઈ કહેવાનું ટાળ્યું હતું. જોકે ભરત ટોપલેએ તે બન્નેને કહ્યું કે લોકલ ટ્રેનમાં ધૂમ્રપાન કરવું પ્રતિબંધિત છે અને જો તેમને બીડી પીવી હોય તો તેઓ ટ્રેનમાંથી નીચે ઊતરી જાય. આ વાતથી ઉશ્કેરાઈને તેમણે ભરત ટોપલેના ચહેરા પર તીક્ષ્ણ ચાકુ વડે હુમલો કરતાં ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું અને તે બન્ને પછીના સ્ટેશને ટ્રેનમાંથી ઊતરીને નાસી ગયા હતા.’
ADVERTISEMENT
ભરત ટોપલેએ કહ્યું હતું કે જો સવારના પીક અવર્સ દરમ્યાન આવા હુમલા થતા હોય તો એના પરથી સમજી શકાય છે કે લોકલ ટ્રેનોમાં મુસાફરો કેટલા સુરક્ષિત છે. સંગઠનના અન્ય સભ્યોએ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) પાસે બન્ને સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે. કલ્યાણના GRP-ઑફિસરે જણાવ્યું હતું કે આ વિશે હજી સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.
