Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો મારે આહુજાને મારી નાખવો હોત તો રિવૉલ્વરમાંની બધી ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત

જો મારે આહુજાને મારી નાખવો હોત તો રિવૉલ્વરમાંની બધી ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત

Published : 02 August, 2025 02:03 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મરનાર પ્રેમ આહુજાના ફ્લૅટની અદાલતે મુલાકાત લીધી એ પછીના દિવસે અદાલતનું કામકાજ શરૂ થયું ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે નામદાર, મારે આપને એક અરજ ગુજારવાની છે.

કોર્ટમાં જુબાની આપતા કમાન્ડર નાણાવટી – કલ્પનાચિત્ર

ચલ મન મુંબઈનગરી

કોર્ટમાં જુબાની આપતા કમાન્ડર નાણાવટી – કલ્પનાચિત્ર


મરનાર પ્રેમ આહુજાના ફ્લૅટની અદાલતે મુલાકાત લીધી એ પછીના દિવસે અદાલતનું કામકાજ શરૂ થયું ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે નામદાર, મારે આપને એક અરજ ગુજારવાની છે.
જજ મહેતા: શું? બોલો. અત્યારે આરોપી નાણાવટી નેવીના તાબામાં કેદ છે. એ જગ્યાએ તેનાં જેટલાં કપડાં હોય એ બધાં જ પોલીસે જપ્ત કરવાં જોઈએ.
જજ મહેતા: પણ શા માટે? 
કારણ ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ તેમની જુબાનીમાં કહ્યું છે કે આરોપી તેને મળવા આવ્યો ત્યારે તેનાં કપડાં પર નહોતા લોહીના ડાઘ કે નહોતાં એ ફાટેલાં-તૂટેલાં.
જજ મહેતા: પોલીસે શું કરવું અને શું ન કરવું એ કહેવાનું કામ અદાલતનું નથી. એટલે તમારી અરજી સ્વીકારી શકાય એમ નથી. પણ તમે ચાહો તો ડેપ્યુટી પોલીસ કમિશનરને ફેર ઊલટતપાસ માટે બોલાવી શકો છો.

આભાર, યૉર ઑનર!
ફેર જુબાનીમાં ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ કહ્યું કે આરોપી નાણાવટીનાં કપડાં જપ્ત કરવા વિશે મેં કોઈ સૂચના આપી નહોતી, કારણ એમ કરવું મને જરૂરી લાગ્યું નહોતું.
કેમ?

મેં જો તેનાં કપડાં પર લોહીના ડાઘ જોયા હોત અથવા તેનાં કપડાં ફાટેલાં હોત તો એ જપ્ત કરવાની સૂચના મેં આપી હોત. આવી બધી બાબતો નોંધવા માટે મારી આંખ ટેવાયેલી છે. તેણે છ-સાત મિનિટ મારી સાથે વાત કરી ત્યારે તે નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ વિશે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી અને સામે ચાલીને સરન્ડર થયો હતો.
એ વખતે તેણે શું પહેર્યું હતો એ તમને યાદ છે?

હા. તેણે હાફ સ્લીવ શર્ટ અને સફેદ ટ્રાઉઝર્સ પહેર્યાં હતાં. 

જજ મહેતા: તમે કહ્યું કે ‘આરોપી નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ વિશે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી.’ તમારા મન પર આવી છાપ કઈ રીતે પડી?
યૉર ઑનર! મેં જે એમ કહ્યું એ મારા મન પર પડેલી છાપ નહોતી પણ મેં જે નોંધ્યું હતું એ જ જણાવ્યું હતું. લાંબા અનુભવને કારણે આવી બધી બાબત અમારા મનમાં આપોઆપ નોંધાઈ જતી હોય છે.

પછીના સાક્ષી હતા પોલીસ સર્જ્યન ડૉ. આર. એમ. ઝાલા. તેમણે મરનારની લાશનું પોસ્ટ-મૉર્ટમ કર્યું હતું. એ વિશેની તબીબી અને કાનૂની વિગતો તેમણે અદાલતને જણાવી હતી. 
બચાવ પક્ષના વકીલ: મરનાર આહુજા બંદૂકની ગોળીનો ભોગ બન્યો એ પહેલાં આરોપી અને મરનાર વચ્ચે ઝપાઝપી થઈ હોય એમ તમે માનો છો?

ડૉ. ઝાલા: ના. કારણ મરનારના માથામાં જે ઈજા થઈ હતી એ તેની પાછળથી છોડાયેલી ગોળીને કારણે થઈ હતી. અને એ ઈજા ફેટલ એટલે કે જીવલેણ હતી. એટલે ઝપાઝપીનો અવકાશ જણાતો નથી.

બચાવ પક્ષના વકીલ: મરનારની છાતી અને તેના માથા પર જે ઈજા થઈ હતી એનાથી મોત નીપજે જ એવું નથી, પણ એ ઈજાને કારણે મોત નીપજવાની શક્યતા રહે છે એમ ન કહી શકાય?
ના. એવું ન કહી શકાય. માત્ર છાતી પરનો ઘા પણ એવો હતો કે એથી મોત નીપજી શકે. અને માથામાં જે ઘા થયો હતો એનું પરિણામ તો મોતમાં જ આવી શકે.

ત્યાર બાદ બૉમ્બે CIDના ઇન્સ્પેક્ટર કાણેને જુબાની માટે બોલાવાયા હતા. તેમણે ૨૭ એપ્રિલે, એટલે કે બનાવના દિવસે નાણાવટીના કોલાબા ખાતેના ઘરની જડતી લીધી હતી. 

એ દિવસે તમે આરોપી નાણાવટીના ઘરમાંથી શું-શું જપ્ત કર્યું હતું?

એક ક્રિસમસ કાર્ડ જેના પર મામી અને પ્રેમ (આહુજા)ની સહીઓ હતી. અને ૧૯૫૯ના વર્ષની મિસિસ નાણાવટીની ડાયરી. આ બે વસ્તુ મેં પંચની હાજરીમાં જપ્ત કરી હતી.

આ સાથે અદાલતની એ દિવસની કારવાઈ પૂરી થઈ હતી.
*
બીજા દિવસે સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેવા માટે ફક્ત લાગતાવળગતા લોકોને, વકીલોને, છાપાના ખબરપત્રીઓને જ પાસ અપાયા હતા. અને પાસ વગરની કોઈ વ્યક્તિને અદાલતમાં હાજર રહેવા દેવી નહીં એવો જજ મહેતાનો કડક આદેશ હતો. પણ કેમ? કારણ એ દિવસે આરોપી નાણાવટીનું નિવેદન નોંધાવાનું હતું. સુનાવણી શરૂ થતાં પહેલાં કોર્ટરૂમની બહારની લૉબીથી માંડીને કોર્ટના મકાનના દરવાજા સુધી કડક પોલીસ-બંદોબસ્ત હતો. અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ઇન્ડિયન નેવીની એક સફેદ મોટર કોર્ટના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. એના ચારે કાચ ચડાવેલા હતા. કમાન્ડર નાણાવટી મોટરમાંથી ઊતરીને સીધા દાદર ચડીને કોર્ટરૂમમાં પહોંચી ગયા હતા. અગિયાર વાગ્યે પહેલાં જ્યુરીના માનવંતા સભ્યો અને પછી જજ મહેતા દાખલ થયા. તેમણે કમાન્ડર નાણાવટીને પોતાનું નિવેદન રજૂ કરવા કહ્યું.

કમાન્ડર નાણાવટી અને પ્રેમ આહુજા 

નાણાવટી: યૉર ઑનર! મેં જાણી જોઈને, સમજી વિચારીને, અગાઉથી ઘડેલી યોજના પ્રમાણે પ્રેમ આહુજાનું ખૂન કર્યું એવો જે આરોપ મારા પર મૂકવામાં આવ્યો છે એ સદંતર ખોટો છે અને હું એ આરોપ મુદ્દલ સ્વીકારતો નથી. મરનાર પ્રેમ આહુજા અને મારી વચ્ચે રિવૉલ્વરની ખેંચતાણ થઈ, અમારી વચ્ચે ઝપાઝપી થઈ. અને એ દરમ્યાન અકસ્માત છૂટેલી ગોળી દ્વારા પ્રેમ આહુજાનું મોત થયું. ફરિયાદ પક્ષે જે ઝીણી-ઝીણી વિગતો રજૂ કરી છે એ હું સ્વીકારું છું. પણ મારા માથે જે ખૂનનો આરોપ મૂક્યો છે એ હું મુદ્દલ સ્વીકારતો નથી. મારા હાથમાંની રિવૉલ્વર ઝૂંટવી લેવા તેણે મારા પર હુમલો કર્યો હતો જેનો મેં સેલ્ફ-ડિફેન્સમાં પ્રતિકાર કર્યો હતો. એ દરમ્યાન અકસ્માત મારી રિવૉલ્વરમાંથી ગોળીઓ છૂટી હતી. જો મારે તેને મારી જ નાખવો હોત તો રિવૉલ્વરમાંની છએ છ ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત.

ત્યાર બાદ કમાન્ડર નાણાવટીએ અગાઉ પોલીસ સમક્ષ જે નિવેદન નોંધાવ્યું હતું એ અદાલતમાં તેમને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. એ સાંભળ્યા પછી નાણાવટીએ કહ્યું કે હા, મેં જ આ પ્રમાણેનું નિવેદન નોંધાવ્યું હતું.

આ તબક્કે જજ મહેતાએ નાણાવટીને કહ્યું કે ફરિયાદ પક્ષે તમારી સામે જે પુરાવાઓ અદાલતમાં રજૂ કર્યા છે એ વિશે તમારે કાંઈ કહેવું છે? અલબત્ત, આ વિશે કશું કહેવાનું તમારે માટે ફરજિયાત નથી. કમાન્ડર નાણાવટીએ જવાબમાં કહ્યું કે આ બાબતે હું કશું જ કહેવા માગતો નથી.

ત્યાર બાદ જજ મહેતાએ કમાન્ડર નાણાવટી પર મૂકવામાં આવેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા. દરેક આરોપના જવાબમાં કમાન્ડર નાણાવટી એક જ વાક્ય દોહરાવતા હતા : ‘આ વિશે મારે કશું કહેવાનું નથી.’

જજ મહેતા: જુબાનીમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવન જ્યોત મકાનના ચોકીદાર પુરણ સિંહે તમને જતા રોકીને પૂછ્યું હતું કે તમે આહુજાનું ખૂન શા માટે કર્યું? ત્યારે તમે જવાબ આપ્યો કે તેને મારી પત્ની સાથે લફરું ચાલતું હતું એટલે મેં તેનું ખૂન કર્યું.

પ્રેમ આહુજાનો બેડરૂમ અને એમાં આવેલું બાથરૂમ – ખરેખરી તસવીર 

નાણાવટી: એક અજાણ્યા ચોકીદાર સાથે હું મારા અંગત લગ્નજીવન વિશે વાત કરું એવું સૂચન કરવું એ તદ્દન વાહિયાત છે.

જજ મહેતા: જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે તમે પુરણ સિંહને કહ્યું કે હું પોલીસ પાસે જ જાઉં છું. તારે સાથે આવવું હોય તો ચાલ. પણ પછી તમે મોટર હંકારી ગયા.

નાણાવટી: આ વાત તદ્દન ખોટ્ટી અને ઉપજાવેલી કાઢેલી છે.

આ તબક્કે ફરિયાદ પક્ષ તરફથી મિસિસ સિલ્વિયા નાણાવટીને જુબાની માટે બોલાવવાની માગણી થઈ જેનો બચાવપક્ષે વિરોધ કરતાં કહ્યું કે આ આખા મામલા માટે મિસિસ નાણાવટી અંગત રીતે મુદ્દલ સંડોવાયેલાં નથી. આ બનાવ બન્યો ત્યારે તેઓ તેમનાં ત્રણ બાળકો સાથે મેટ્રો થિયેટરમાં પિક્ચર જોઈ રહ્યાં હતાં. ત્યાર બાદ પણ તેઓ બનાવના સ્થળે કે પોતાના ઘરે ગયાં નહોતાં પણ પોતાનાં સાસુ-સસરાના ઘરે ગયાં હતાં. વળી આ મુકદ્દમો કહેવાતા ખૂન વિશેનો છે, તથાકથિત લગ્નબાહ્ય સંબંધ વિશેનો નથી. એટલે મિસિસ નાણાવટીને જુબાની માટે બોલાવી શકાય નહીં.

બન્ને પક્ષને સાંભળ્યા પછી જજ મહેતાએ કહ્યું: જો પબ્લિક પ્રોસિક્યુટરને એમ લાગતું હોય કે અમુક વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવાથી કશો ખાસ અર્થ સરે એમ નથી તો એવી વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવાની ફરજ પાડી શકાય નહીં. વળી બનાવ વખતે મિસિસ નાણાવટી બનાવના સ્થળે હાજર નહોતાં. એટલે તેઓ આ બનાવનાં ચશ્મદીદ ગવાહ નથી. એટલે તેમને  સાક્ષી તરીકે બોલાવવાનો આદેશ હું આપી શકતો નથી.

ત્યાર બાદ બૉમ્બે પોલીસની CID બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પી. એલ. મોકાશીને જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બનાવ બન્યો એ પછી રાત્રે કમાન્ડર નાણાવટીનાં મા-બાપ CID ઑફિસમાં આવ્યાં હતાં. તેઓ તેમની સાથે બદલવા માટેનાં કપડાં અને સૂવા માટે ચાદર, તકિયો, વગેરે લાવ્યાં હતાં જે મેં કમાન્ડર નાણાવટીને લેવા દીધાં હતાં. ત્યાર બાદ તેમનાં મા-બાપે તેમને થોડી વાર મળવા દેવાની વિનંતી કરી હતી. એટલે મારી હાજરીમાં તેમને મળવા દીધાં હતાં. બીજા દિવસે સવારે મેં આ વાત મારા ઉપરી-અધિકારીને મૌખિક રીતે જણાવી હતી. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર મોકાશીને ઘેરા ભૂરા રંગનું આખી બાંયવાળું શર્ટ અને લગભગ એવા જ રંગનું પૅન્ટ બતાવીને કહેવામાં આવ્યું હતું કે હકીકતમાં કમાન્ડર નાણાવટી CID ઑફિસમાં આવ્યા ત્યારે તેમણે આ કપડાં પહેર્યાં હતાં.

ઇન્સ્પેક્ટર મોકાશીએ કહ્યું કે હું ખાતરીપૂર્વક કહી શકું એમ છું કે કમાન્ડર નાણાવટીએ એ વખતે આ કપડાં નહીં પણ સફેદ કપડાં પહેર્યાં હતાં અને એના પર ક્યાંય લોહીના ડાઘ નહોતા.

આ તબક્કે પબ્લિક પ્રોસિક્યુટરે કમાન્ડર નાણાવટીને જુબાની માટે ફરી બોલાવવાની માગણી કરી હતી. ત્યારે જજ મહેતાએ કહ્યું કે તમારી માગણી સ્વીકારવામાં આવે છે પણ હવે અદાલતનો સમય પૂરો થવા આવ્યો છે એટલે એના પર અમલ આવતી કાલે થશે.

એ ‘આવતી કાલ’ની વાત હવે પછી. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2025 02:03 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK